વહિવટમાં પારદર્શકતા લાવવા પીજીવીસીએલનો મહત્વપૂર્ણ નિર્ણય

પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો હવેથી ગમે તે જગ્યાએ મટિરિયલ્સ નહીં રાખી શકે

 

અબતક,રાજકોટ

પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા જરૂરી માલ – સામાનની તંગીને પહોંચી વળવા અને દરેક માલ સામાનનો એક્દમ સરળતાથી હિસાબ મળી રહે તે માટે કોન્ટ્રાક્ટર એજન્સીઓનું રજીસ્ટ્રેશન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. પીજીવીસીએલની મિલકતનો હિસાબ સરળ અને પારદર્શક રહે તેમજ તેનો સીધો જ ફાયદો પ્રજાલક્ષી વીજ કામોમાં થાય તેવા હેતુથી પીજીવીસીએલની તમામ વિભાગીય કચેરી હેઠળના તમામ કોન્ટ્રાક્ટર સ્ટોર ગોડાઉન ની નોંધણી અને સમયાંતરે સ્ટોકની ચકાસણી થાય તેવો નિર્ણય  પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ છે.  કોન્ટ્રાક્ટર સ્ટોર તથા ગોડાઉનનું સબંધિત ડિવીઝન કચેરી ખાતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ તેમનું લોકેશન અને પીજીવીસીએલ ના માલ – સામાનના સ્ટોક ની સંપૂર્ણ માહિતી કોર્પોરેટ કચેરી તેમજ તમામ ક્ષેત્રિય કચેરી પાસે રહેશે . જેના પરિણામ સ્વરૂપે માલ – સામાનની તંગીને નિવારી તેના કારણે અટકી પડતાં પ્રજાના વીજ પુરવઠો પૂરી પાડવાના કાર્યો તેમજ સરકારશ્રી ની જાહેર વીજ યોજનાઓને વેગ મળશે.

વધુમાં આ નિર્ણય મુજબ વીજ કંપનીની કોન્ટ્રાક્ટર એજન્સીઓએ તેમના દ્વારા રજીસ્ટર કરાવેલ અધિકૃત જગ્યાએ જ કંપની દ્વારા વિવિધ કામ માટે આપવામાં આવેલ મટિરિયલનો સ્ટોક સાચવી  રાખી શકાશે . તેમજ તેનો વ્યવસ્થિત હિસાબ પણ સાચવવો પડશે અન્યથા તેમાં ગેરરીતિ અથવા અનિયમીતતા જણાયે એજન્સીને પેનલ્ટી આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આમ વહીવટી સરળતા માટે પીજીવીસીએલના રિજિયોનલ તથા ડિવીઝન સ્ટોર માંથી ઇશ્યૂ થતાં માલ ચામાનની ગણતરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેમજ તેનો રેકોર્ડ વ્યવસ્થિત રીતે જાળવી શકાય તે કેથી કોન્ટ્રાક્ટર એજન્સીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.