Abtak Media Google News

સાળો, સાળી અને સાસુ સહિતના શખ્સોએ ભર ઉંઘમાં સુતેલા યુવાન પર હુમલો કરી હત્યા કર્યાની કબુલાત

મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં રહેતા ખવાસ યુવકે કુવાડવાની કોળી યુવતી સાથે છ માસ પહેલાં કરેલા પ્રેમ લગ્નના કારણે યુવતીની માતા, બહેન અને ભાઇ સહિતના શખ્સોએ એક સંપ કરી પાઇપ અને ધોકાથી હુમલો કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા છ મહિલા સહિત છ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. મૃતકની અપહૃત પત્નીને પોલીસે મુક્ત કરાવી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરનગર શેરી નંબર ૧માં રહેતા અનુબેન પ્રદિપભાઇ સોલંકી નામના ૫૦ વર્ષના ખવાસ મહિલા અને તેના ૩૦ વર્ષના પુત્ર રાહુલ સોલંકી તેના ઘરે સુતા હતા ત્યારે કુવાડવા રહેતા રવિ કોળી, તેની માતા ઇલાબેન અને તેની બહેન સંધ્યા તેમજ અજાણ્યા શખ્સો સાથે કારમાં પાઇપ અને ધોકા સાથે ઘસી આવ્યા હતા. માતા-પુત્ર પર હુમલો કરી રાહુલ સોલંકીની પત્ની દિવ્યાનું કારમાં અપહરણ કરી ગયાના આક્ષેપ સાથે સારવાર માટે બંને હોસ્પિટલમાં દાખલ થયા હતા જયાં ગંભીર રીતે ઘવાયેલા રાહુલ સોલંકીનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

રાહુલ અને તેમની માતા ઇલાબેનની પૂછપરછ દરમિયાન રાહુલ સોલંકી અને કુવાડવા રહેતી દિવ્યા વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી છ માસ પહેલાં બંનેએ લગ્ન કરતા દિવ્યાની માતા, ભાઇ અને બહેન રોષે ભરાયા હતા સવારે કારમાં આવ્યા બાદ પાઇપ અને ધોકાથી હુમલો કરી દિવ્યાનું અપહરણ કરી ગયાનું જણાવ્યું છે.

માલવીયાનગર પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. વી.કે.ઝાલા, મશરીભાઇ ભેટારીયા, ભાવિનભાઇ ગઢવી અને ભાવેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે હત્યા અંગેનો ગુનો નોંધી મોરબી રોડ પર બેડી ગામ પાસેથી દેવજી મોહન પોરડીયા, હેમીબેન દેવજી પોરડીયા, જયેશ દેવજી પોરડીયા, ઇલાબેન દિનેશ બોહકીયા, સંધ્યા દિનેશ બોહકીયા, રવિ દિનેશ બોહકીયા, સુભમ દિનેશ બોહકીયા, સુરેશ ભાયા શિયાળીયા, કમલેશ નિતિન ડાભી, જીતેન્દ્ર પ્રતાપ પોરડીયા, વિજય ગંગદાસ રીબડીયા, ભાવનાબેન મનોજ ઝીંજુવાડીયા, અનિતાબેન મયુર પીપળીયા અને હંસાબેન રાજેશ પીપળીયાની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.