Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં પણ કોરોના બ્લાસ્ટ થતા એક સાથે ૯ પોઝિટિવ: જામનગરમાં વધુ ૮, અમરેલીમાં ૩ અને જૂનાગઢમાં ૩ કોરોનાગ્રસ્ત

રાજકોટમાં ખાનગી હોસ્પિટલના બે તબીબ સહિત ત્રણ કોરોના સંક્રમણમાં

સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારી વધી રહી છે. પાંચ જિલ્લામાં કોરોનાના વધુ ૨૦ કોરોનાગ્રસ્ત કેસ નોંધાતા સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક ૭૦૦ નજીક પહોંચી રહ્યો છે.

જેમાં રાજકોટમાં ખાનગી હોસ્પિટલના બે તબીબ અને લોકલ ટ્રાન્સમિશન દ્વારા વધુ એક યુવાન કોરોનાની ઝપટે ચડ્યો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના બ્લાસ્ટ થતા વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં ૮, અમરેલીમાં ૩ અને જૂનાગઢમાં ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટમાં ગઈ કાલે વધુ ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સિટીના ત્રણ, ગ્રામ્યના ચાર અને અન્ય જિલ્લાના પાંચ કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલના ડો.જીગરસિંહ જાડેજા અને ડો. અંકિત માકડીયા ગત અઠવાડિયે માંગરોળ ગામે દર્દીઓની સારવાર માટે ગયા બાદ બન્નેની તબિયત લથડતા કોરોનાના સેમ્પલ મેળવી રિપોર્ટ કરાવતા બન્ને કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા.

આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરી ક્વોરેઇન્ટઇન કરવાની તજવીજ હાથધરી છે. જ્યારે કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા રવિભાઈ વિજયભાઈ ભટ્ટ નામના યુવાનને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ કોરોના પોઝિટિવ યામિનીબેન ચાવડાના પિતા અજિતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની સાથે ફેકટરીમાં કામ કરતા રવિ ભટ્ટ નામના યુવાનને પણ ચેપ લાગતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.યુવાનની સાથે રહેતા પાંચ સભ્યોને ફેસિલિટી ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા છે.  શહેરમાં અત્યાર સુધી કુલ ૧૦૭ પોઝિટિવ કેસ અને ૪ના મોત નિપજ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની રિપોર્ટ આવે તે પહેલાં જ યુવાને દમ તોડયાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા રિપોર્ટની રાહ જોવાઇ રહી છે જ્યારે મૃતક યુવાનની તમામ વિધિ ગાઈડલાઈન મુજબ કરવા તજવીજ હાથધરી છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસમાં બ્લાસ્ટ થયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દાળમિલ સોસાયટીમાં ડો.શિવરાજસિંહ ઝાલા અને પાટડી તાલુકાના બજાણા ગામમાં રહેતા અમીરભાઈ ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગઈ કાલે પણ એક સાથે વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૭૩ કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયા છે. જેમાં જોરાવનગરમાં તબીબ તરીકે ફરજ બજાવતા એક જ પરિવારના ચાર કોરોના પોઝિટિવ આવ્યા છે. લીમડી અને પાટડીમાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમરેલીમાં વધુ ત્રણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાં લીલીયા તાલુકાના ગામમાં રહેતા ૪૫ વર્ષીય અને ૫૨ વર્ષીય પછી મહિલાઓ બન્ને અમદાવાદથી પરત આવતા બન્નેને કોરોના પોઝિટિવ આવતા આઇસોલેટ કરવામાં આવ્યા છે.

જ્યારે ડાંગાવદર ગામમાં અમદાવાદથી આવેલા પુરુષને પણ કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયું હતું. જૂનાગઢમાં પણ આજ રોજ વધુ ત્રણ વ્યક્તિઓ કોરોનાની ઝપટે ચડયાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.