Abtak Media Google News

કોવિડ-૧૯ ની મહામારીએ માનવજાતની સાથે ઇકોનોમીની પણ ખુવારી બોલાવી છે. હવે વિશ્વની તમામ સરકારો પોતાના દેશને ફરી બિમારીના બિછાનેથી ઉભો કરીને રસ્તે દોડતો કરવાની મહેનત કરે છે. ભારત સરકારે હવે ઇકોનોમીને રસ્તે દોડતી કરવા માટે કૄષિ સેક્ટર ઉપર મોટો મદાર રાખવાના સંકેત આપ્યા છે અને છેલ્લા થોડા સમયમાં દેશનાં કૄષિ માળખામાં ધરખમ ફેરફારો સુચવ્યા છે. આમતો સરકારનું આ આયોજન કોવિડ-૧૯ પહેલા પણ હતું જ. એટલે જ છેલ્લા બજેટમાં ૧૩૪૩૯૯ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. જે વર્ષ ૨૦૧૭-૧૮ ના બજેટમાં ૫૨૬૫૫ કરોડ રૂપિયાની હતી. સરકારની નીતિમાં એક વાત છે દેશના એગ્રિકલ્ચર સેક્ટરને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવાની. દેશના ૫૮ ટકા જેટલા નાગરિકો હજુ પણ ખેતી આધારિત આજીવિકા કમાય છે.  હવે આ સેક્ટરને મેન્યુફેક્ચરીંગ સેક્ટરની જેમ સરળ ક્રેડિટ, માર્કેટિંગ અને પોસ્ટ હાર્વેસ્ટીંગ મેનેજમેન્ટ માટે માળખાકીય સુવિધાઓ પણ શરૂ કરવાની યોજના છે.

સર્વેક્ષણોનાં તારણો એવું કહે છે કે દેશમાં થતા કુલ પેરિશેબલ કૄષિ ઉત્પાદનમાંથી ૩૦ થી ૪૦ ટકા જેટલું ઉત્પાદન વ્યવસ્થિત સ્ટોરેજ તથા ટેકનોલોજી સભર ટ્રાન્સપોર્ટેશનના અભાવે ખરાબ થઇને કચરામાં જાય છે. હવે જો સરકાર આ દિશામાં અસરકારક અને સફળ પગલાં લે તો દેશનું ઉત્પાદન ૩૦ ટકા જેટલું તો એમ જ વધી જાય. આવું કરવા માટે મુડીરોકાણ, પ્લાનિંગ, ટેકનોલોજીનો ઉપયોગ, માર્કેટિંગની કુનેહ, શિક્ષણ-તાલિમ તથા પ્રતિબધ્ધતા હોવા જરૂરી છે.

પરંપરાગત રીતે ભારતની કૄષિ પ્રણાલિમાં વિકાસની અપાર ક્ષમતા રહી છે. ફુડ એન્ડ ગ્રોસરી ક્ષેત્રે ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે રહે છે અને રિટેલ ક્ષેત્રમાં કુલ વૈશ્વિક કારોબારમાં ૭૦ ટકા ફાળો હોય છે. જ્યારે ફુડ પ્રોસેસિંગમાં ૩૨ ટકાનો ફાળો છે.  ફ્રુટના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે રહે છે. હોર્ટીકલ્ચર ઉત્પાદન ૩૧૩૯ લાખ ટને પહોંચ્યું છે જ્યારે દુધનું ઉત્પાદન ૧૮૭૭ લાખ ટને પહોંચ્યું છે. સરકારે બનાવેલી એગ્રિકલ્ચર પોલિસીમાં ભારતની કૄષિ નિકાસ વર્ષ-૨૦૨૨ સુધીમાં ૬૦ અબજ ડોલરે પહોંચાડવાનું લક્ષ્યાંક છે.

ઉપરનાં આંકડા એવું ફલિત કરે છે કે ભારત પાસે કૄષિક્ષેત્રે વિકાસની વિપુલ તકો છે જેના માટેનું પાયાનું માળખું તૈયાર છે પરંતુ તેને સુનિયોજીત કરવાની, લક્ષ્યાંક સાથેની રણનીતિ ઘડવાની, અને ઉચ્ચ ટેકનોલોજીના સમાવેશની જરૂર છે.  યાદ રહે કે ભારતનું લક્ષ્યાંક ભલે ૬૦ અબજે ડોલરે પહોંચવાનું હોય, પરંતુ ૨૦૦૯-૧૦ માં જે નિકાસ ૧૮ અબજ ડોલરની હતી તે ૨૦૧૩-૧૪ માં ૪૨ અબજ ડોલરે પહોંચ્યા બાદ પાછી ૨૦૧૯-૨૦ માં ઘટીને ૩૩ અબજ ડોલરે પહોંચી છે. જે સરકારને પરવડી શકે તેમ નથી. તેથી જ હવે આ સેક્ટરને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપીને મોટા સુધારા કરવાની સરકારની નેમ હોય તે સ્વાભાવિક છે.

આવા સંજોગોમાં જો મોટા કોર્પોરેટસ આ સેક્ટરમાં આવે તો આજના કૄષિ માળખામાં મોટું પરિવતર્તન લાવી શકાય એમ છે. કોર્પોરેટ હાઉસો પ્લાનિંગ સાથે, પ્રોડક્ટીવીટી વધારવાની વિદેશી ઉચ્ચ ટેકનોલોજીના સમન્વય સાથે ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ઓફર પણ કરી શકે છૈ. બેશક આ મોટી કંપનીઓના અધિકારીઓ પોતે તો ખેતરમાં કામ કરવાના નથી. પરંતુ તેઓ ભારતના સ્થાનિક ખેડૂતોને ટ્રેનિંગ આપીને વધુ ઉત્પાદન મેળવી શકશે. આ ઉપરાંત હાર્વેસ્ટિંગ, સ્ટોરેજ, માર્કેટિંગ, પેકેજીંગ અને ટ્રાન્પોર્ટેશનમાં નવી ટેકનીકનો ઉમેરો કરીને દેશનાં કૄષિક્ષેત્રને ઓર્ગેનાઇઝ્ડ કરી શકે. આ રીતે વધેલી પ્રોડક્ટીવીટી અંતે તો દેશની નિકાસમાં અને ખેડૂતોના વળતરમાં જ વધારો કરવાની છે. જ્યારે ઉચ્ચ શિક્ષિત વર્ગ આ સેક્ટરમાં સક્રિય થશે ત્યારે મુડીરોકાણ સામે વળતરની ગણતરી પણ કરશે. બહુરાષ્ટ્રિય કંપની પાસે વૈશ્વિક માગ અને પુરવઠાનો અંદાજ હોવાથી આગામી સિઝનમાં કઇ પેદાશમાં વળતર વધારે હશે તેનું આકલન પણ સારી રીતે કરી શકાશે. જે ઓછી મહેનતે વધારે કમાણી આપશે. જે સરવાળે દેશની ઇકોનોમીને પણ લાભ કરશે.

આ પરિવર્તનથી સરકારી તિજોરીને પણ મોટો ફાયદો થઇ શકે છે. આજે ખેડૂતોને પાક વિમા, કે દેવા માફીના નામે સરકારને અબજો રૂપિયાની માફી આપવી પડે છે. તેનાથી સરકારી બેંકો ઉપર પણ બોજ આવે છે. હવે જ્યારે કંપનીઓ મુડીરોકાણ કરશે ત્યારે જોખમ પ્રબંધન પણ કરશૈ. તેથી સરકારી તિજોરી ઉપરનો બોજ હળવો થશે.

જ્યારે કૄષિક્ષેત્રને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો અપાશે ત્યારે સબળાં પાસાની સાથે નબળાં પાસા પણ આ સિસ્ટમમાં આવશે જ. જ્યારે કંપનીઓ સ્પર્ધામાં ટકી નહી શકે ત્યારે પોતે નુકસાન સહન કરવાને બદલે ખેડૂતોનું શોષણ કરશે. ખેડૂતોની જમીન ઉપર કબ્જો કર્યા બાદ ઓછા મજૂરોથી કામ કરાવવા માટેના પ્રયાસ થશૈ. જે ખેડૂતોમાં અમુક અંશે બેરોજગારી પણ લાવશે. વધુ ઉત્પાદનની લાહ્યમાં કંપનીઓ જીનેટિકલી મોડીફાઇડ બીજ વાપરશે, શરીરને નુકસાન થયા તેવા કેમિકલ પણ વપરાશૈ. વધારે નફાવાળા પાકનું ઉત્પાદન વધારે કરાશે જેના કારણે સમાજ વ્યવસ્થામાં એકજ પ્રકારના ઉત્પાદનમાં વધારો થઇ શકે છે. લાંબાગાળે જમીનની ફળદ્રુપતા ઘટ્યા બાદ જમીન ખેડૂતને પાછી આપી દેવાશે જેનાથી ખેડૂતને નુકસાન થઇ શકે છે. બાકી હોય તો મોટી કંપનીઓ મોટા કૌભાંડ પણ કરી શકે છે અને જો ખેતીમાં નફો ન થાય તો જમીનને નોન-એગ્રિકલ્ચર કરાવીને ઉધ્યોગ પણ સ્થાપિત કરી શકે છે. તેથી સરકારે કૄષિક્ષેત્રનાં દરવાજા ખોલતા સમયે કૄષિક્ષેત્રનાં લાભમાં અમુક ચોક્કસ નીતિ પણ બનાવવી પડશૈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.