Abtak Media Google News

ગુજરાતમાં હવે હીરાની ચમક વધુ તેજ બની રહી છે. કારણકે ડાયમંડ બુર્સ ઉપર હીરા ઉદ્યોગકારોને ઘેલુ લાગી ગયું છે. વધુમાં સુરતમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ જતા હવે મુંબઈ જેવા શહેરમાં હીરા ઉદ્યોગને હાજરીની જરૂર રહી નથી માટે તેઓએ ત્યાંથી હિજરત શરૂ કરી દીધી છે.

ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું ડિસેમ્બરમાં વિધિવત રીતે ઉદ્ઘાટન થાય તે પહેલાં સુરત અને મુંબઈના હીરા વેપારીઓએ બુર્સ ઉપર ફોકસ કર્યું છે. દશેરાના દિને કુંભ ઘડાના કાર્યક્રમ બાદ મંગળવારે મુંબઈના 26 હીરા વેપારીઓ સુરત કાયમ શિફ્ટ થઈને કામકાજ શરૂ કરવા જઈ રહ્યાં છે.

ડાયમંડ બુર્સ ઉપર હીરા ઉદ્યોગકારોને ઘેલુ : મહારાષ્ટ્રથી હિજરત

સુરત ડાયમંડ બુસમાં મંગળવારથી 135 હીરા વેપારીઓ એકસાથે પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે.  આમાં 26 મુંબઈના વેપારીઓ છે, જેઓએ મુંબઈમાંનો વેપાર સમેટીને સુરત ડાયમંડ બુર્સથી પોતાનું કામકાજ શરૂ કર્યું છે. જોકે, બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલાં 20મીએ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પહેલાં દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે, એમ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું હતું.

હીરા સહિત અન્ય વેપાર-ધંધા સાથે સંકળાયેલાઓ પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હવે લોકોની આતુરતાનો અંત થશે.  મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે 135 વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરી રહ્યા છે. ત્યાર બાદ તા.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ સમા આ ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થશે.

ઉલ્લેખનીય છે કે ઉદ્યોગકારોની હિજરતને પગલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રમાં અનેક નેતાઓએ વર્તમાન સરકાર ઉપર નિશાન સાધ્યું છે. કારણકે ભૂતકાળમાં મહારાષ્ટ્રના આવનારા અનેક પ્રોજેક્ટ ગુજરાત તરફ વળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.