Abtak Media Google News
ભારત અત્યારે તો યુવાનોનો દેશ છે. ચીન અને ભારત વસતિથી ઉભરાતા દેશ છે એટલે દર વર્ષે યુવાનોની સંખ્યા વધતી જાય છે. પરંતુ યુરોપના દેશોમાં હવે વસતિ સ્થિર થઈ છે અથવા ઘટી રહી છે ત્યારે ત્યાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. એશિયામાં એવો એક દેશ જાપાન છે, જ્યાં વસતિ ઘટી રહી છે. વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. પરંતુ એક સંશોધન એવું જણાવે છે કે જાપાનમાં વધુ વૃદ્ધો હોવાથી વૃદ્ધત્વને અલગ રીતે જોવામાં આવે છે.
Unnamed
ભારત માટે ચિંતા થાય તેવી વાત એ છે કે ભારતમાં વ્યક્તિ વૃદ્ધાવસ્થાનો અનુભવ વહેલો કરે છે. આ દેશમાં માણસ જલદી વડિલ થઈ જાય છે. જાપાન અને યુરોપના સ્વીર્ટઝલેન્ડ જેવા દેશોમાં સારા સ્વાસ્થ્યને કારણે 70 વર્ષ સુધી માણસને થાક લાગતો નથી. ભારતમાં માણસ 50 વર્ષની ઉંમરથી થાકવા લાગે છે.

માણસ વિવિધ પ્રકારની ઉંમર સાથે જોડાયેલી શારીરિક વ્યાધીઓથી ક્યારથી પીડાવા લાગે તેની સરેરાશ વય જાણવા માટે લાન્સેટ પબ્લિક હેલ્થે એક અભ્યાસ કર્યો હતો. જુદા જુદા દેશોમાં વ્યક્તિને ઉંમર સાથે જોડાયેલી બિમારીઓ ક્યારથી લાગવા લાગે તેની સરેરાશ કાઢવામાં આવી તેમાં તફાવત બહુ મોટો છે. એક દેશ કરતાં બીજા દેશમાં 30 વર્ષ વહેલાં વૃદ્ધાવસ્થાનો અનુભવ થાય તેટલો મોટો તફાવત દેખાયો હતો. સૌથી સારી સ્થિતિ જાપાનની આવી. અહીં 76 વર્ષ પછી જ વ્યક્તિને ‘હવે થાક્યા ભાઈ’ એવું લાગે છે. તેની સામે પપુઆ ન્યૂ ગીનીમાં માણસ 46 વર્ષનો થાય ત્યાં સુધીમાં તો બુઢ્ઢો થઈ ગયો હોય છે. વૃદ્ધત્વની સરેરાશ વિશ્વમાં હવે 65 વર્ષની ગણાય છે. ભારતમાં સ્થિતિ બહુ ખરાબ નથી અને 65ની સરેરાશની નજીક છે. ચીન પણ લગભગ એ જ સ્થિતિમાં છે.

Istockphoto 175598781 612X612 1

જોકે વિશ્વમાં જાપાન, સ્વીટર્ઝલેન્ડ અને ફ્રાન્સથી શરૂ થતા લિસ્ટમાં ભારતનો ક્રમ છેક 159માં આવ્યો છે. ઉંમરની સાથે આવતી બિમારીઓની બાબતમાં ભારતનો ક્રમ 138મો રહ્યો. ફ્રાન્સ અને સિંગાપોરમાં 76 વર્ષ સુધી સારું સ્વાસ્થ્ય રહે છે અને વૃદ્ધાવસ્થા બોજારૂપ લાગતી નથી. ક્રૂડ ઓઇલને કારણે આવેલી સમૃદ્ધિ પછી કુવૈત પણ 75.3 વર્ષની ઉંમર સાથે પાંચમાં નંબરે છે. અમેરિકા સમૃદ્ધ દેશ હોવા છતાં આ બાબતમાં પાછળ છે અને 68.5 વર્ષની ઉંમર સાથે 54મા નંબરે આવ્યો છે. અમેરિકા કરતાં ઇરાન 69ની ઉંમર સાથે એક ડગલું આગળ છે. ઇરાનમાં પણ ઓછી વસતિ, ક્રૂડની આવક અને સારું હવામાન ઉપયોગી સાબિત થયા છે.
ભારત અને ચીનમાં યુવાનોને રોજગારી આપવાનો એટલો મોટો પ્રશ્ન છે કે મોટી ઉંમરના લોકોને કામ આપવાનો વિચાર આવે તેમ નથી. 58 કે 60 વર્ષે સરકારી માણસ રિટાયર થઈ જાય છે. ધંધાર્થી પણ સંતાનોને ધંધો સોંપીને 55 પછી નિવૃત્તિના મૂડમાં હોય છે. જોકે વિશાળ વસતિના કારણે ભારત અને ચીનમાં મોટી ઉંમરે ગરીબોએ કામ કરતાં રહેવું પડે તે પણ એક વાસ્તવિકતા છે. મોટી ઉંમર, ઓછી આવક, આરોગ્યની સુવિધા ઓછી તે બધાને કારણે ચીન અને ભારતનો ગરીબ 50 વર્ષે તો ખખડી ગયો હોય છે.
Indira Gandhi National Old Age Pension Scheme 1
ભારત માટે ભવિષ્યમાં આ સમસ્યા પણ વિકરાળ બનવાની છે. હાલમાં યુવાધન વધારે છે એટલે આર્થિક પ્રગતિની બાબતમાં દેશ આગળ વધતો રહેશે, પણ 2045ની આસપાસ વસતિ સ્થિર થશે, તે પછી વૃદ્ધોની સંખ્યામાં વધારો થતો રહેવાનો છે. ગઢપણ પાળવું બહુ મુશ્કેલ છે. કૌટુંબિક અને સામાજિક વ્યવસ્થાને કારણે પણ વૃદ્ધાવસ્થા ભારતમાં અમુક સંજોગોમાં બોજારૂપ પણ બની શકે છે. વડિલ તરીકે સ્વભાવ બદલવાની તૈયાર હોતી નથી. સંતાનો મોટા થઈ ગયા હોય છે અને નવા જમાના પ્રમાણે પોતાનું ધાર્યું કરવાની ઇચ્છા હોય છે. જૂની પદ્ધતિ પ્રમાણે વડિલોને પૂછીને કાર્ય કરવું તે રીત પ્રચલિત રહી નથી.
સ્વાસ્થ્યની સંભાળ લેવાની બાબતમાં પણ ભારતીયો બેદરકાર હોય છે. ખાસ કરીને શહેરીકરણ પછી ખાણીપીણીની ગુણવત્તા બગડી છે. ગામડાંના વૃદ્ધમાં મોટી ઉંમર સુધી શારીરિક તાકાત રહેતી હતી. મહેનતકશ જીવન રહેતું હતું અને ઓછું પણ સારું ખાવાનું મળતું હતું. ગામડામાં પણ મશીનોના કારણે અને વાહનોના કારણે શારીરિક મહેનત ઓછી થઈ છે અને ખાણીપીણી નબળી પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.