કિસ્મતનગરમાં માતાના વિરહમાં પુત્રનો આપઘાતનો પ્રયાસ

બેડીપરામાં માતાએ દારૂ પીવા બાબતે ઠપકો આપતાં પુત્રએ વખ ઘોળ્યું

શહેરમાં રૈયા ચોકડી પાસે આવેલા કિસ્મતનગરમાં રહેતા યુવાને માતાના વિરહમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા ચોકડી પાસે આવેલા કિસ્મતનગરમાં રહેતા વંશ સતિષભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં ફીનાઇલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતાં પોલીસ મથકનો સ્ટાફ પણ હોસ્પિટલ દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ફીનાઇલ પી લેનાર વંશ પરમારની માતાનું કોરોનામાં મૃત્યુ નીપજ્યું હતું. મૃતક માતાના વિયોગમાં વંશ પરમારે ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં બેડીપરામાં રહેતા ભાવેશ ભુપતભાઈ સીતાપરા નામનો 30 વર્ષનો યુવાન રાત્રિના એકાદ વાગ્યાના આરસામાં દારૂના નશામાં ઘરે આવ્યો હતો.

ત્યારે માતા હંસાબેને દારૂ નહીં પીવા મુદ્દે ઠપકો આપતા ભાવેશ સીતાપરાએ માતાના ઠપકાથી માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.