Abtak Media Google News

આગામી માર્ચ માસ સુધી સર્વેની કાર્યવાહીનો દૌર યથાવત રહેશે: આવકવેરા વિભાગને મળતી રકમ ‘પ્રજાની સુખાકારી’ માટે અત્યંત મહત્વની !

ભારત દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાના કારણે તેને ફરીથી બેઠી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે બજેટમાં પણ આવકવેરા વિભાગને પ્રાધાન્ય આપી ઘણી ખરી યોજનાઓ પણ નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં વર્ષો જૂના પેન્ડીંગ પડેલા કેસોનો ત્વરીત નિકાલ કરવામાં આવે તે માટે વિવાદ સાથે વિશ્વાસ તક યોજનાને પણ અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ જેન્યુન કરદાતાની સરખામણીમાં ઘણા ખરા કરદાતાઓ એવા છે કે જે કરચોરી ખુબજ મોટા પ્રમાણમાં કરતા નજરે પડે છે. જેનાથી સીબીડીટી દ્વારા આપવામાં આવતા લક્ષ્યાંકને પહોંચી વળવામાં પણ આવકવેરા વિભાગને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ સમગ્ર ગુજરાતભરમાં આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેનાથી ઉદ્યોગપતિઓમાં ડરની ભીતિ જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં એવા અનેક ઉદ્યોગપતિઓ કે જેઓ પોતે કરચોરી કરી રહ્યાં હોય તેના તમામ ખાતાઓ પર બાજ નજર રાખી સર્વેની કામગીરીને પુરજોશમાં ચલાવી રહ્યાં છે. ત્યારે સુરતમાં પણ આવકવેરા વિભાગ દ્વારા ખુબજ મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આવકવેરા વિભાગને આશા છે કે, ખૂબજ મોટા પ્રમાણમાં બેનામી રકમો મળી આવશે.

આવકવેરા વિભાગના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી માર્ચ માસ સુધી સર્વેની કાર્યવાહીનો દોર યથાવત રહેશે તેવું જાણવામાં આવી રહ્યું છે અને એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, રાજકોટની બિલ્ડર લોબી અને તે તમામ ઉદ્યોગપતિઓ કે જે કરચોરી કરી રહ્યાં છે તેના પર આવકવેરા વિભાગની લાલ આંખ હોય તેમ પણ સામે આવી રહ્યું છે.

સ્પષ્ટતા કરતા સંપર્ક સુત્રોએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગને મળતી રકમ પ્રજાના સુખાકારી માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેનું સર્વે લોકોએ ધ્યાને લેવું જોઈએ તા કરચોરી કરતા લોકોએ કરચોરી ન કરી આવકવેરા વિભાગને સાથે સહકાર આપી દેશના ઉતન માટે અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે મદદ કરવી જોઈએ. પરંતુ હાલની સાપ્રંદ પરિસ્થિતિમાં આવકવેરા વિભાગ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેનાથી અનેકવિધ ક્ષેત્રે ભયનો માહોલ ઉભો થયો છે અને કરચોરો તેની કરચોરીની આવક દંડ પેટે ડિપાર્ટમેન્ટને પણ સુપરત કરી રહ્યું છે તેમ જાણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.