રાજકોટમાં રીક્ષા આડે ઉતારતા કાર કૂવામાં ખાબકી: ૧નું મોત,બેનો બચાવ

ભાણેજના લગ્ન પ્રસંગમાં આવેલા મામાને કાળ ભેટ્યો: ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેઇન વડે કાર બહાર કાઢી

રાજકોટમાં મવડી રોડ પર લગ્ન પ્રસંગમાં આવેલા મામા સોડા પીવા માટે કારમાં જતા હતા તે દરમિયાન રીક્ષા આડે ઉતરતા તેને બચાવવા જતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોનો ચમત્કારી બચાવ થયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવપરામાં રહેતા અજય અશોકભાઈ પીઠવા (ઉ.વ.૨૪) પોતાના કૌટુંબિક ભાણેજના લગ્નમાં જમણવાર માટે કાલાવડ રોડ પર જમવા ગયા હતા. જ્યાંથી અજય પીઠવા અને તેની સાથે મોરબી રોડ પે રહેતા વિરલ ઉર્ફે બીટૂ દીપકભાઈ સિદ્ધપુરા અને દેવપરામાં રહેતા અમિત કાંતિભાઈ કારેલીયા જમ્યા બાદ હિરેન સિદ્ધપુરાની કાર લઈ સોડા પીવા નીકળ્યા હતા. કાર વિરલ ઉર્ફે બીટૂ સિદ્ધપુરા ચલાવતો હતો.

કાર મવડી મેઈન રોડ પર આસોપાલવ હાઇટ્સ પાસે પહોંચતા રસ્તા આડે એક રીક્ષા આડે ઉતરતા તેને બચાવવા જતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા કુવાની દીવાલ તોડી અંદર ખાબકી હતી. તે દરમિયાન જ અજય બેઠો હતો તે સાઈડનો દરવાજો ખુલી જતા યુવાન કૂવામાં ખાબક્યો હતો. જ્યારે વિરલ અને અમિત સાઈડનો દરવાજો બંધ રહેતા તેમનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં જ તુરંત ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેઇનની મદદથી કારને બહાર કાઢી હતી. ટીકર બાદ અજયના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. મૃતક અજય પીઠવા ફ્રેબરીકેશનનું કામ કરતો હતો. જ્યારે માતા-પિતાના એકના એક પુત્રના અકાળે મૃત્યુથી લગ્ન પ્રસંગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.