Abtak Media Google News

દાઝેલી પરિણીતાને બચાવવા જતા ધરાર પ્રેમી દાઝયો: હત્યાની કોશિશનો નોંધાતો ગુનો

કાલાવડ રોડ, કોસ્મો ચોકડી પાસે આવેલ મહાકાલ મંદિરના પૂજારીએ લગ્ન માટે દબાણ કરી બે સંતાનની માતા એવી પૂર્વ સેવિકાને સળગાવી દીધાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાની બુમો સાંભળી ઠારવા જતા પુજારી પણ દાઝી ગયો છે. ગંભીર રીતે દાઝી ગયેલી પરિણિતાને સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડાઈ છે. પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે પુજારી સામે ગુનો નોંધ્યો છે.

મોટામવા વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતી પુનમ દિનેશ પરમાર નામની પરિણીતાએ કાલાવડ રોડ, કોસ્મો ચોકડીપાસે આવેલા મહાકાલ મંદિરમાં સેવા પૂજા કરતા અને પોતાને ભૂવો ગણતા બોની ઉર્ફે રોનક અરવિંદ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેને સંતાનમાં બે પુત્રી છે. અને પતિ મજુરી કામ કરે છે. તે મહાકાલ મંદિરે રોજ સાફ સફાઈ કરવા જતી હતી એ સમયે પુજારી બોની ઉર્ફે રોનક તેની પજવણી કરતો હતો જેથી ત્યાં જવાનું બંધ કરી એક લોજમાં કામ કરવા જતી હતી.

દરમિયાન બુધવારે બપોરે તે લોજમાં હતી ત્યારે બોની ઉર્ફે રોનકનો ફોન આવ્યો કે, તું મંદિરે આવ મારે અહી પુજા કરવાની હોય સફાઈ કરવાની છે. જેથી પુનમે અત્યારે તે કામમાં હોય સાંજે પતિ સાથે મંદિર આવી સફાઈ કરી જશે. આ સમયે ઉશ્કેરાયેલો બોની ઉર્ફે રોનક રીક્ષા લઈ પુનમ જયા કામ કરતી હતી ત્યાં આવી બળજબરીથી રિક્ષામાં મંદિરે લઈ ગયો હતો. મંદિરે પહોચતા બોની ઉર્ફે રોનકે લગ્ન કરી લેવા દબાણ કર્યું હતુ પોતે પરિણીત હોવાનું અને બે સંતાનની માતા હોય શકય ન હોવાનું કહેતા બોની ઉર્ફે રોનક વધુ ઉશ્કેરાયો હતો અને તું મારી નહી તો કોઈની નહી તેમ કહી પૂર્વી ઉર્ફે પૂનમના શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી.

અગનજવાળામાં લપેટાઈ જતા પૂનમની ચીસાચીસથી બોની ઉર્ફે રોનકે આગ ઠારવા કોશિષ કરી હતી જેમાં તે પણ દાઝી ગયો હતો. બનાવની અન્ય લોકોને જાણ થતા પૂનમને સારવાર માટે સીવીલ હોસ્પિટલ, જયારે બોની ઉર્ફે રોનકને તેના સંબંધીઓ ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા ગંભીર હાલતમાં દાઝી ગયેલી પુનમનું નિવેદન નોંધી બોની ઉર્ફે રોનક સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી એસટીએસટીસેલના એસીમએ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.