Abtak Media Google News

પિતા અને ભાઈની નજર સામે અપહરણ કરી આંખે પાટા બાંધી ધોકા-પાઈપથી કરાયેલા હુમલામાં ઘવાયો’તો

શહેરના રેલનગર નજીક એક સપ્તાહ પૂર્વે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ યુવાનનું પિતા અને ભાઈની નજર સામે જ અપહરણ કરી આંખે પાટા બાંધી ધોકા પાઈપથી કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર દરમિયાન મોત નિપજતા ઘટના હત્યામાં પરિણમી હતી.

Advertisement

પોપટપરા નજીક રેલનગરમાં રહેતા વિશાલ રાજેશભાઈ ટેવાણીનું ૧૭ સપ્ટેમ્બરે બે શખસે અપહરણ કરીને ધોકા-પાઈપથી મરણતોલ મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને શનિવારે રાતે હોસ્પિટલમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. હુમલાખોરોને પોલીસ પકડી શકી ન હોવાથી મૃતકના પરિવારજનોએ હુમલાખોરો પકડાયા પછી જ મૃતદેહ સ્વીકારવાની માગણી કરી હતી. પોલીસની સમજાવટના અંતે મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જવાયો હતો. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ફરાર શખસોને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે, પોપટપરામાં રહેતો વિપુલ વનરાજભાઈ વડેચા (ઉ.વ.૨૪) ૧૭ સપ્ટેમ્બરે સાંજે પડોશમાં રહેતા ૧૩ વર્ષિય તરૂણને લઈને રેલનગર નજીક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવી રહેલા બાઈક સાથે સામાન્ય અકસ્માત થતા બાઈક ચાલક કટર જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી વિપુલના છાતી, મોઢા, હાથમાં ઈજા કરી ભાગી ગયો હતો.

ઈજાગ્રસ્ત વિપુલ ઉપર હુમલો કરનાર શખસ રેલનગર નજીક ક્રિષ્ના પાર્કમાં રહેતા અને નાગરિક બેંક પાસે દુકાન ધરાવતા ફ્રૂટનો ધંધો કરતા રાજેશભાઈનો પુત્ર વિશાલ હોવાની માહિતી મળતા વિપુલના ભાઈ જીતુ વનરાજભાઈ વડેચા અને તેના પિતરાઈ સુનિલ સહિતના શખ્સોએ વિશાલનું તેના પિતા રાજેશભાઈ અને ભાઈની નજર સામે અપહરણ કર્યું હતું. તેમજ વિશાલે જે સ્થળે વિપુલ ઉપર હુમલો કર્યો હતો ત્યાં લઈ જઈ ઢોર મારમાર્યો હતો. ત્યાંથી અન્ય સ્થળે લઈ જઈ આંખે પાટા બાંધીને ધોકા-પાઈપથી માર મારી ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરીને હડમતીયા બેડી ફાટક પાસે ફેંકીને ભાગી ગયા હતા. અપહ્યત પુત્રને પોલીસ સાથે શોધવા નિકળેલા રાજેશભાઈએ પુત્ર વિશાલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો જયાં શનિવારે રાત્રે તેણે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઉપરોકત બનાવમાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી હતી. વિશાલ ઉપર હુમલો કરનાર વિપુલના ભાઈ જીતુ અને સુનિલ બનાવ પછી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ બી.જી.ડાંગર ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.