• PM કિસાન યોજનાનો ૧૬મો હપ્તો મેળવવા માટે eKYC ફરજીયાત રહેશે

National News : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી હોય, ૧૫મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ ૧૫મો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત કરાવવાનું રહેશે, તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

ભારત સરકાર દ્વારા તા. ૧૨ ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત ૧૦ દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC”  માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ઇ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. ૨૧ ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

ખેડૂતો અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકાશે.

આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન “PM કિસાન” મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીનો આધાર OTPની મદદથી લોગ ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે, તેમ વધુમાં જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.