Abtak Media Google News

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ

રાજકોટ, ભાવનગર, જામનગર અને અમદાવાદ મેડિકલ કોલેજ ખાતે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બેઠકોનો વધારો કરાશે : 50 અંતરિયાળ સામુહિક આરોગ્ય કેન્દ્રોના મહિલાઓ અને બાળકોના નિષ્ણાંત તબીબોની સેવા ઉપલબ્ધ કરાશે: 198 નવી એમ્બ્યુલન્સ વસાવાશે

પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના કાર્ડ ધારકોની સારવાર ખર્ચમાં વધારો કર્યો છે. આ યોજનામાં કુટુંબ દીઠ વિમાની રકમ વાર્ષિક મર્યાદા રૂપિયા 5 લાખ નક્કી કરી હતી. રાજ્ય સરકાર આ વખતે બજેટમાં પરિવારની વાર્ષિક મર્યાદામાં કર્યો વધારો છે. સ્વાસ્થ્યની વીમાની મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરાઈ છે.

રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો

વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યુ છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકિય સેવાઓનું સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હાયપર ટેન્શન જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ

જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9263 કરોડની જોગવાઇ. આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ 1745 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા 1600 કરોડની જોગવાઇ. 15માં નાણાપંચ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોની માળખાકિય સગવડો અને નિદાન

સુવિધા વધારવા માટે 643 કરોડની જોગવાઇ.આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને બીજી જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેંકની સહાયથી 4200 કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેકટ અંતર્ગત આગામી વર્ષ માટે 350 કરોડની જોગવાઈ. કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વગેરે મહિલાલક્ષી યોજનાઓ માટે 324 કરોડની જોગવાઈ.શહેરી આરોગ્યની સેવાઓ વધારે સુદ્રઢ કરવા 250 કરોડની જોગવાઈ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટરના નવિન મકાન

બાંધકામ માટે 71 કરોડની જોગવાઈ. નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે કાર્યરત એસએનસિયુંની સંખ્યામાં 50 નો વધારો કરવામાં આવશે, જે માટે 24 કરોડની જોગવાઇ. 50 અંતરિયાળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ અને બાળકોના નિષ્ણાંત ડોકટરની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘12 કરોડની જોગવાઇ.

તબીબી સેવાઓ

તબીબી સેવાઓ માટે કુલ 1278 કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે 270 કરોડની જોગવાઈ. જિલ્લા કક્ષાની અને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોના બાંધકામ તથા હયાત હોસ્પિટલોના સુદ્રઢીકરણ માટે 57 કરોડની જોગવાઈ.એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ વસાવવા માટે 55 કરોડની જોગવાઇ.

આયુષ

આયુષની વિવિધ યોજના માટે 377 કરોડની જોગવાઇ. જરૂરી મહેકમ અને સાધન સામગ્રી માટે 12 કરોડની જોગવાઇ.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

ખોરાક અને દવાઓના નમુનાઓની ચકાસણીની કામગીરી સધન બનાવવા માટે સુરત અને રાજકોટ ખાતે નવી બે પ્રયોગશાળાઓ માટે 8 કરોડની જોગવાઇ.

તબીબી શિક્ષણ અને સંશોધન

મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે 3997 કરોડની જોગવાઇ.સરકારી મેડિકલ કોલેજો તથા તેને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં હયાત સુવિધાઓના વિસ્તૃતિકરણ માટે 355 કરોડની જોગવાઈ. અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બેઠકોનો વધારો થતા માળખાકિય સુવિધાઓ ઊભી કરવા તથા તબીબી સારવારની સેવાઓનો વ્યાપ વધારવા માટે 145 કરોડની જોગવાઈ.

રાજ્યમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ થકી નવી મેડિકલ કોલેજો સ્થાપવા તેમજ ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે 130 કરોડની જોગવાઈ.સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તેમજ અન્ય મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં આધુનિક સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે 115 કરોડની જોગવાઈ.

મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે 65 કરોડની જોગવાઈ. અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.  નર્સિંગ શિક્ષણ સઘન બનાવી નર્સોની ઉપલબ્ધિ વધારવા માટે 5 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.