Abtak Media Google News

રાજ્ય સરકારના કર્મચારી-પેન્શનરોનાં ડીએમાં પાંચ ટકાનો વધારો

રાજ્યનો લગભગ દરેક યુવાન આજે સોશિયલ મીડિયાનો વત્તા-ઓછા અંશે ઉપયોગ કરે છે ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ નવા વર્ષનાં પ્રથમ દિવસે ફેસબૂકના તથા સોશિયલ મીડિયાના અન્ય માધ્યમ દ્વારા રાજ્યનાં યુવાધનને એક પ્રેરણાદાયી અને જુસ્સો વધારતો સંદેશ આપ્યો છે. મુખ્યત્વે રોજગાર, નોકરીઓ, સ્ટાર્ટ-અપ જેવા મુદ્દાઓને લઈ તેમણે અત્યંત મહત્વપૂર્ણ વાતો કહી છે. તેમણે કહ્યું કે પરીક્ષાઓ બાબતે વિદ્યાર્થીઓને હાથો બનાવી, ગેરમાર્ગે દોરી ને તેમનો રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરવા ઘણાં તત્વોએ ધમપછાડા કર્યાં. પરંતુ યુવાઓએ ખૂબ સમજદારી દાખવી. રાજ્ય સરકારે પણ વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લીધો. ભાજપની સરકારે હંમેશા મહેનતકશ યુવાઓની ચિંતા કરી છે. એટલે જ ગત ત્રણ વર્ષ દરમિયાન રાજ્ય સરકારે ૧,૧૮,૦૦૦ નોકરીઓ આપી છે, આ વર્ષે વધુ ૩૫,૦૦૦ નોકરીઓ આપવા સરકાર પ્રયત્નશીલ છે. “હર હાથ કો કામ, હર ખેત કો પાની” એ અમારો મંત્ર છે, એ સિદ્ધ કરવા રાત-દિવસ જોયા વગર અમે કામ કરીએ છીએ!

Advertisement

સ્વાભાવિક રીતે જ યુવાઓને સરકારી નોકરીની અપેક્ષા હોય. પરંતુ એ પામવા માટે કોઈનાં ઝભ્ભા ન પકડવા પડે અને મા-બાપે દાગીનાં ન વેંચવા પડે એવી વ્યવસ્થા ગુજરાત સરકારે ઉભી કરી છે, એમ જણાવતાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં સરકારી નોકરીઓ મળવી જ બંધ થઈ ગઈ હતી, માત્ર કેટલાક મળતીયા સિવાય કોઈને મળતી નહિ. આ સ્થિતિ અમે દૂર કરી. યુવાધનને ખાનગી ક્ષેત્ર, સર્વિસ સેકટરમાં અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નોકરીઓ મળે તે માટે અમે તમામ કસરત કરી રહ્યાં છીએ. લગભગ ૫૫૦૦ જોબફેર દ્વારા ૧૨ લાખ કરતા વધુ યુવાઓને નોકરી અપાવવાનું સ્વપ્ન નિહાળવું, એ જ અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

રાજ્યમાં વિજયભાઈ રૂપાણીની સરકારે લર્નિંગ વિથ અર્નિંગ જેવો વિરલ વિચાર વહેતો કર્યો અને સાકાર પણ કર્યો. આ એપ્રેન્ટિસ યોજના થકી ૭૫,૦૦૦ યુવાઓને સ્ટાઈપેન્ડ સાથે રોજગારલક્ષી તાલીમ મળી રહી છે, ત્યારબાદ જે-તે કંપનીમાં જ તેને નોકરી મળી જાય એવી વ્યવસ્થા પણ સરકારે ઉભી કરી છે. ઈખ રૂપાણીએ આ યોજનાનો ખાસ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, અમે ૭૫૦ જેટલા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો ઉભા કર્યાં છે. આર્થિક દ્રષ્ટિએ નબળાં વર્ગ માટે કેન્દ્રની મોદી સરકારે ૧૦ ટકા અનામત આપ્યું, એ લાગુ કરનાર પણ ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું. અમે મરિન યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી, ટ્રાઇબલ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જેવી સાવ અલગ જ પ્રકારની શૈક્ષણિક વ્યવસ્થા સર્જી ને તેનાં દ્વારા વધુમાં વધુ નોકરીઓ સર્જવા પ્રયત્નો કર્યાં છે. આવા કારણો થકી જ આજે ગુજરાત દેશમાં ૮૧% રોજગારનું સર્જન કરે છે અને દેશમાં બેરોજગારીનો સૌથી નીચો દર ગુજરાતમાં છે! ગુજરાતમાં નિષ્ઠાવાન સરકાર અને પ્રતિબદ્ધ શાસકોને લીધે વિપુલ તકોનું નિર્માણ થયું છે, તેમ જણાવી તેમણે ગુજરાતને લેન્ડ ઑફ ઓપર્ચ્યુનિટીઝ – તકોની ભૂમિ ગણાવ્યું છે. અંતમાં નવા વર્ષે નવા સંકલ્પો સાથે રાષ્ટ્રનિર્માણમાં જોડાઈ જવા તેમણે યુવાધનને હાકલ કરી છે.

7537D2F3 1

રાજય સરકારના કર્મચારીઓના મોંઘવારી જથ્થામાં ૫ ટકા વધારો

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ /કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનું વધારાનું ભારણ પડશે. જુલાઈ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે.જેનો નિર્ણય હવે પછી થી કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ નિર્ણય મુજબ રાજય સરકારના ૨,૦૬,૪૪૭,પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩ અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ /કર્મચારીઓ અને પેન્શનરોને રાજય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરેલ છે,જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.

તેમણે કહ્યું કે, રાજય સરકારના,પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ તથા કર્મચારીઓેને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવી રહ્યાં છે.ભારત સરકાર દ્વારા તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ ટકા મોંઘવારી ભથ્થું મજૂર કર્યું છે.રાજય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે ૧૨ ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે.ભારત સરકારે પણ તા.૦૧.૦૭.૨૦૧૯ થી વધુ ૫ ટકા મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે જે સંદર્ભે રાજય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે વધુ ૫ ટકા મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કર્યો છે અને જાન્યુઆરી-૨૦૨૦ના પગારની ચુકવણી સાથે આ ૫ ટકા મોંઘવારી ભથ્થાનો વધારો ચુકવવામાં આવશે.આ નિર્ણયના કારણે રાજય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૮૨૧ કરોડ જેટલું ભારણ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.