Abtak Media Google News

માતા-પિતા, દાદા-દાદીની છત્રછાયા ગુમાવનાર ત્રણ ભૂલકાઓ માટે બાળ સહાય યોજના બની આર્શિવાદરૂપ

કોરોનાને કારણે ઘરના 4 મોભીનું નિધન થયું

ઘરના 11 સભ્યોમાંથી મુખ્ય કમાનાર ચાર મોભીના અવસાનથી એકલા પડેલા પરિવારને ‘સરકારી સંવેદનાનો સાથ’

મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજનાના રાજકોટ જિલ્લાના સૌથી નાના લાભાર્થીનું નામ છે-નિખિલ રમેશભાઇ સવસાડીયા, જેણે  સંબંધ તો આકાશ… ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ થતી જોઇ છે. કોરોના શબ્દની સૌથી વધુ ભયાનકતા બે વર્ષના નિખિલે જોઇ છે, પણ એનું અબુધપણું જ એનું સહાયક બન્યું છે. કેમકે આટલી નાની ઉંમરમાં અનાથ થઇ જવાની પીડા જો નિખિલને સમજાતી હોય તો એ બાકીની જીંદગી જીવી કેમ શકત ?

કોરોના મહામારીને લીધે અનાથ બનેલા નિખિલ જેવા રાજયના અન્ય બાળકોનો સાથ રાજય સરકારે સંપૂર્ણ સંવેદનશીલતાથી આપ્યો છે, અને તેમને મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના થકી માસિક રૂ. 4000ની સહાય ચૂકવી છે. બે વર્ષના નિખલની કહાણી ટૂકમાં જોઇએ તો, ગત 16 એપ્રિલ-21ના રોજ પિતા રમેશભાઇને અને 24 એપ્રિલ-21ના રોજ માતા નીતાબેનને ગુમાવનાર આ ટેણીયાની કમનસીબી એટલી બધી કે એપ્રિલના અંતમાં તો તેના દાદા-દાદી પણ કોરોનાને લીધે સ્વર્ગ સિધાવ્યા. નિખિલને 11 વર્ષની બહેન ભાવિકા અને 8 વર્ષની બીજી બહેન મિત્તલ પણ છે.

સંયુકત પરિવારમાં રહેતા નિખિલના કાકા દિનેશભાઇ અને જયશ્રીબેન પર પોતાના બે બાળકો ઉપરાંત, નાના ભાઇના ત્રણ નોધારા સંતાનોના પાલન-પોષણની જવાબદારી આચિંતી આવી પડી. આ દંપતિ છૂટક મજૂરીકામ અને ઇમીટેશનનું કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે.સાત વ્યક્તિના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી તો ખૂબ પડતી હતી, પરંતુ ઇશ્વરદત્ત જવાબદારી સમજીને દિનેશભાઇ ગાડું ગબડાવ્યે જતા હતા.

એવામાં જ તેમને મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજનાની ખબર પડી. અને તેમણે નાના ભાઇનાં ત્રણેય સંતાનો માટે આ યોજનાનો લાભ લેવા અંગે જરૂરી કાર્યવાહી કરી. જિલ્લા સમાજસુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ દ્વારા તેમને આ અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું. અને ગઇ કાલે 7 જુલાઇએ એટલે કે અંદાજે દોઢ માસના ટૂંકા ગાળામાં જ રાજય સરકાર દ્વારા નિખિલ, મિત્તલ અને ભાવિકાના બેંક ખાતામાં રૂ. 12 હજાર જમા થઇ ગયા…..!

આ અંગે  દિનેશભાઇ બાબુભાઇ સવસાડીયાએ સજળ નેત્રે મુખ્યમંત્રીનો ઋણસ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, કોરોનાને લીધે અમારો સંયુકત પરિવાર 11 માંથી ઘટીને 4 નો થઇ ગયો. પ ઘરમાં કમાવાવાળામાંથી  માત્ર હુ અને મારા વાઇફ જ રહયા. અચોક્કસ આવકમાં સાત જણની આજીવિકા ચલાવવી ખૂબ અઘરી હતી, પરંતુ મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજનાને લીધે મારા નાના ભાઇના ત્રણ સંતાનોના અમારા પરિવારને દર મહીને 12 હજાર રૂ. મળશે, એ વિચાર માત્રથી મને ખૂબ મોટી રાહત થઇ છે. આ યોજનાથી અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારને ખૂબ રાહત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.