Abtak Media Google News

છ ફૂટ ઉંચો અને ખવીસ જેવી તાકાત ધરાવતો આરોપી છેલ્લા પાંચેક વર્ષથી તે વિસ્તારમાં જ અંગુલી માલ લૂંટારાની જેમ રખડતો ભટકતો હતો !

કામાતુરાણામ્ નભયં ન લજજા…?

Advertisement

બાબરા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા જ ફોજદાર જયદેવે જોયું કે તાલુકાના ત્રણ ગામડાઓમાં લોકોના રક્ષણ માટે પોલીસ પાર્ટીઓ મુકાયેલ છે બે ગામોમાંતો જ્ઞાતી જ્ઞાતીઓ વચ્ચેના વૈમનસ્યના કારણે પોલીસ પાર્ટી હતી ત્યાં જયદેવે જાતે મધ્યસ્થી કરી બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ પાર્ટી ઉપાડી લીધી.

પરંતુ ગરણી ગામે રહેલી પોલીસ પાર્ટી જે છેલ્લા ચાર પાંચ વર્ષથી પડેલ હતી તે અંગે કોટડાપીઠા આઉટ પોસ્ટ ના જમાદારને પૂછતા તેણે કહ્યું સાહેબ આ પાર્ટીતો રહેશે જ કેમકે આ ગામે પાંચેક વર્ષ પહેલા એક પછાત કોમની સગીર વયની છોકરી ઉપર ઉંટવડના હીસ્ટ્રીસીટર અને દાદા ગારસીંગ ઉર્ફે ગારીયો બગડુએ બળાત્કાર કરેલ ત્યારથી આ ગારસીંગ હજુ ફરાર જ છે. પકડાતો નથી આ કોમના લોકોએ છેક ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતા બાબરા પોલીસ તો ઠીક પણ ક્રાઈમ બ્રાંચ કે ટાસ્કફોર્સ કે અન્ય કોઈ અધિકારી આ ગારીયાને પકડી શકયા નથી.

આ ગારસીંગના બાપા બગડુ પગી એક સાચા અર્થમાં સારા પગી હતા. ગુનેગારોના પગલા ઉપરથી જ ગુનેગારોની સચોટ શોધ કરતા હતા આથી રાજકોટ રેન્જના પોલીસ વડા ઝાલા સાહેબ પણ આ બગડુ પગીનોઉપયોગ સૌરાષ્ટ્ર-કચ્છ અને છેક ઉત્તર ગુજરાતમાં પણ ગુન્હા શોધવામાં કરતા.

પરંતુ પગીનો આ એક છોકરો ગારીયો ઉઠીયાણ નીકળ્યો શરૂમાં ગારીયાના નાના નાના ગુન્હામાં બાબરા પોલીસે આ બગડુપગીની પોલીસ સેવા ને કારણે ગારીયાના ગુન્હા તરફ આંખ આડા કાન કરતી પણ તેથી તો ગારસીંગો ઝડપથી રીઢો ગુન્હેગાર થઈ ગયો પછી તો બગડુ પગી પણ ગુજરી ગયો અને પોલીસ ખાતામાં પણ ઘણા પરિવર્તનો થઈ ગયા.

પરંતુ ગારસીંગનો ત્રાસ વધતો ચાલ્યો તે વિસ્તારમાં સીમ વગડે જતી એકલ દોકલ ભતીયારી કે પાણીયારીને ભાત ખવા કે પાણી પીવાના બહાને બળજબરીથી રોકી ભાત ખાઈને પછી છરીની અણીએ જ દુષ્કર્મ પણ કરતો પરંતુ આબ‚ જવાના ડરે કે ગારસીંગના છરાની ધાકના કારણે પોલીસમાં કોઈ તેની વીરૂધ્ધ ફરિયાદ જ કરતું નહિ.

પરંતુ ફરિયાદ ન થવાને કારણે ગારસીંગનો ત્રાસ પછી તો આજુબાજુના ગામડાઓમાં પણ ફેલાતો ગયો હાલતા ચાલતા છરાવડે ઈજાઓ કરી દેતો એમ માનો ને કે જાણે અંગુલીમાલ લૂંટારો સીમ વગડે ભટકયા કરતો અને મોકો મળ્યો એકલ દોકલ નો શીકાર કરી લેતો. નબળા પોલીસ સ્ટેશનમાં સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ પણ નબળા જ મુકાતા હોય છે. જો કોઈ સક્ષમ ફોજદાર આવે તો તે વિચારતો હોય છે કે પોતાની કાર્યદક્ષતાની કદર બરાબર નથી થઈ તેમ વિચારી આવા પોસ્ટીંગ વાળી જગ્યા એ બીન જરૂરી સાહસ નથી કરતા અથવા તો ઉપેક્ષા વૃત્તિધારણ કરી સમય પસાર કરતા હોય છે.

પરંતુ એ હકિકત હતી કેતે સમયે કોટડાપીઠા આઉટ પોસ્ટ વિસ્તારના ગામડાઓમાં ગારસીંગાની ભયંકર ધાક અને હાંક વાગતી હતી.આથી જયદેવ વિચારતો હતો કે શું છેલ્લા ચાર પાંચ વર્ષથી કોઈ પોલીસ અધિકારીને આ નરાધમ વોન્ટેડ ધ્યાનમા જ નહી આવ્યો હોય? જયદેવે આઉટ પોસ્ટના જમાદાર ને વધારે નહિ પૂછતા સમય મળ્યે પોતાના રાયટર કોન્સ્ટેબલ અ‚ણ સાથે આ બાબતે વિગતે ચર્ચા કરતા અ‚ણે જે વાત કરી તે ગમેતેવા માણસને વિચારતા કરી મૂકે તેવી હતી.

અરૂણે કહ્યું કે ગારસીંગો ત્રિસેક વર્ષની ઉંમરનો વાંઢા અને છ ફૂટ ઉંચો, મજબુત બાંધાનો અને ‘ખવીસ’ જેવી તાકાત ધરાવે છે. તે તો ઠીક પણ તે ઝનૂની અને મરણીયો બની ગયો હોય આ વિસ્તારમાં કોઈ તેના વીરૂધ્ધ ફરિયાદ તો ઠીક અવાજ સુધ્ધા કરતુ નથી જનતા પણ પ્રારબ્ધ વાદી બની ગઈ છે કે ગામ આખાની લપમાં કોણ પડે તેમ માની સમર્થ માણસો અને સમર્થ કોમના લોકો પણ પોતાના ઘર સાચવીને બેસી રહ્યા છે.

તમામ લોકો એવું માને છે કે જયારે ગારીયાના પાપનો ઘડો ભરાશે ત્યારે તે આપોઆપ ફૂટી જશે તેવુંમાની ચુપ ચાપ બેઠા છે તેના કારણે ગારસીંગાને વધારે ‘લાધુ ફાવી ગયું’ છે તે નબળા અને શ્રમજીવી પરિવારો જે ગામના પાદરે કે સીમાડે રહેતા હોય તેમના ઘેર પુરૂષ વર્ગ ન હોય ત્યારે છરો લઈને ઘુસી જાય છે. પહેલા ભરપેટ જમી લે અને પછી છરાની અણી એજ દુષ્કર્મ કરી ધમકી આપી નાસી જાય છે.

ગરણી ગામે પછાત કોમની સગીરાને ઘેર એકલી હતી ત્યાર આ રીતે જ ભોગ બનાવી બળાત્કાર કરેલો પરંતુ તેની ફરિયાદ થઈ ઉચ્ચ લેવલે રજૂઆતો થતા પોલીસ રક્ષણ મૂકાયું તપાસ જે ફોજદાર કરતા હતા તેની પાસેથી લઈ સીપીઆઈને સોપાઈ છતા આ આરોપી ગારસીંગો હજુ પકડવાનો બાકી જ છે! અને તેથી ગરણી ગામે પોલીસ રક્ષણ પણ ચાલુ છે તો ગારસીંગા ના પાપકર્મો પણ સીમ વગડે ચાલુ જ છે.

કોઈ હવે ફરિયાદ કરતુ નથી અને ગારીયો રખડતો ભટકતો સીમમાં જ ગમે ત્યાં સુઈ જાય છે. જો ગારસીંગો ઓચિંતો ગામમાં આવે તો સારા માણસો રસ્તો બદલી નાખે અને ઘરોના બારી બારણા બંધ થવા લાગે છે. તેતો ઠીક પરંતુ ખાનગીમાં એવું જાણવા મળે છે કે ગરણી ગામે ગારીયો જાયત્યારે નબળા સબળા બંદૂકધારી પોલીસ વાળા પણ વણદેખ્યુ કરી કાંઈ કરતા નથી કે કોણ લપમાં પડે?

જયદેવે મનોમન વિચાર્યું કે શાસ્ત્રોમાં સાચુ જ લખ્યું છે કે કામાતુરાણામ ન ભયં ન લજજા..’ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત આવું ચાલે તેની જયદેવને કલ્પના પણ ન થઈ શકે મામલો પેચીદો અને પડકાર જનક પણ હતો. પરંતુ જયદેવ પ્રારબ્ધવાદી નહતો કર્મવાદી હતો ‘નહિ સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રબીશન્તી મૃગા:  ઉધમેન હિસિધ્ધંતી કાર્યાણી ન ચ મનોરથે: ॥ શ્ર્લોક મુજબ જ મહેનત અને તાકાત બંને કરવા પડે તેમ હતા પરંતુ કોન્સ્ટેબલ અરૂણે જે રીતે આરોપી ગારસીંગાનું વર્ણન કર્યું તે મુજબ તો ફકત મહેનત અને તાકાત વડે સહેલાઈથી પકડી શકાય તેમ નહતો.

મહેનત અને તાકાત સાથે વધુમાં બુધ્ધીનો પણ ઉમેરો કરવો પડે તેમ હતો કેમકે પ્રયત્ન કરતા અવશ્ય ઝનૂની ગારસીંગા સાથે મુઠભેડ (હાલ રાજયમાં બદનામ થઈ ચુકેલ શબ્દ એન્કાઉન્ટર!) થાય જ. અને આ મુઠભેડનું શું પરિણામ આવે તે પણ નકકી કહી શકાય નહિ. વળી માનોકે પોલીસ ખૂબ તકેદારી અને સાવચેતીથી આરોપી સુતો હોય ત્યારે પકડવા કોશીષ કરે તો પણ ગારસીંગો જે રીતે સ્વભાવનો જડ અને ઝનૂની હોય ઝનૂન પૂર્વક વળતો હુમલો કરે જ અને ત્યારે પોલીસની જાન જ જોખમમાં થાય ત્યારે સમયની પણ કટોકટી હોય જ તે સમયે ફરજ પરસ્ત નિદોર્ષ પોલીસને મરવા દેવા કરતા એક સમાજનું પાપ ઓછુ થતુ હોય તોવાંધો નહી તે ન્યાયે ગુનેગાર જ ઓછો થાય.

પરંતુ ત્યાર પછીની જે પ્રક્રિયા તપાસ મેજીસ્ટેરીયલ કે જયુડીશીયલ ઈન્કવાયરી તથા વિવિધ મિડિયામાં ચર્ચાઓ અને ખાતાના જ અધિકારીઓના વર્તનને કારણે આ મુઠભેડ કરનાર અધિકારી તથા તેનું કુટુંબ માનસીક રીતેતો ઠીક પણ સામાજીક રીતે પણ ત્રસ્ત થઈ જાય છે. આ હકિકતનો જયદેવને ખ્યાલ હતો.

પરંતુ જયદેવે આ પડકાર જનક પ્રશ્ન ને ઉકેલવો અને જનતાને પોતાના હોદા અને ધર્મની ‚એ અભયદાન પણ આપવાનું હતુ તે તો આપવું જ રહ્યું તેમ નકકી કરી લીધું.

આથી જયદેવે પોતાનો શિકાર કરવા મવટા ગોઠવવા માટે બાતમીદારોને સક્રિય કરી દીધા અને પોલીસ જવાનોને પણ આ પોલીસ ખાતા માટે શર્મજનક કલંક દૂર કરવા આરોપી ગારીયાને સકંજામાં લેવા પ્રોત્સાહીત કરવા લાગ્યો દરમ્યાન પોલીસ વડાએ બાબરા વિસ્તારની ત્રણ પૈકી બે પોલીસ પાર્ટી ઉઠાવી લેવા સબબ જયદેવને અભિનંદન આપ્યા સાથે ત્રીજી પાર્ટી ગારીયા પાર્ટી પણ વહેલી તકે ઉઠી જાય તેવું કાંઈક કરવા સૂચન કર્યું જયદેવ મનમાં સમજી ગયો કે કહેવાનો મતલબ એવો છે કે‘સાંબેલુ વગાડો તો જાણુ કેતું શાણો’

જયદેવ ગારસીંગ બગડુના રાત્રી મુકામો અંગે તપાસ કરી પરંતુ જાણવા મળ્યું કે કોઈ ચોકકસ જગ્યા નકકી નથી રાત્રીનાં ગમે ત્યાં ઢેફાકે પાણીના ધોરીયા માં કે કયારેક ઝાડ ઉપર પણ સૂઈ રહેતો જમવા માટે દરરોજ તો સીમ વગડે મેળ પડે નહિ બાતમીદારોથી હકિકત મળી કેગારીયાના કુટુંબીજનો જ ‘ટાઈમ બે ટાઈમ’ તેને ટીફીન પહોચાડે છે. પરંતુ કોઈ ચોકકસ જગ્યા કે ઠેકાણુ કે સમય નકકી રહેતો નથી.

જયદેવ ગારસીંગાના કુટુંબીજનોને મળ્યો અને તેમને આ ગુનેગાર ગારીયાને મદદ નહી કરવા સમજાવ્યા. તેના કુટુંબીજનોએ જ કહ્યું સાચી વાત છે. સાહેબ. પરંતુ આ નરપીચાસનો અમને પણ ભય છે. સાહેબ એમ કરો આ ગારસીંગાને તમે જ મારી નાખો તો અમારા કુટુંબ ઉપર થી કલંક જાય.

પણ જયદેવ જાણતો હતો કે આ વાત તો ‘હાથીના બેપ્રકારના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા’ તેમ હતી. જો ખરેખર મુઠભેડમાં ગારીયો માર્યો જાય તો પોલીસ વિ‚ધ્ધ આ લોકોજ પહેલી ફરિયાદ આપે કે પોલીસે અતિશયકતો કરી આમ કર્યું હોત તો ઠીક કે તેમ કયુર્ંં હોત તો ઠીક બીચારો કબુતર જેવો પકડાઈ જાત નાની મોટી ઈજા થાત પણ મરેતો નહિ જ તેવી અવનવી વાતો કરી આક્ષેપો કરે અને જુદા જુદા મીડીયા વાળાઓ અને ઈન્કવાયરી કરવા વાળા પણ તેવી જ સુફીયાણી ચર્ચાઓ કરવા માંડે પરંતુ ખરેખર આ મોકાના (ઝપાઝપીના) સમયે અને સ્થળે હાજર હોય તો ખબર પડે કે આ ફિલમનું શુટીંગ નથી પણ જીવ સટોસટીની મારામારી છે.

ત્યારે ખબર પડે કે‘ખરેખર કેટલી વિસે સાથે થાય !’ જયદેવે ગારીયાના કુટુંબીજનો ને આરોપીને જમવાનું નહી પહોચાડવા જણાવ્યું અને જો કોઈ પહોચાડશે તો તેને ગુન્હામાં મદદગારી ગણવામાં આવશે તેની તાકીદ પણ કરી.

જયદેવ જીપ લઈને વારંવાર ગરણી ઉંટવડ અને કોટડા પીઠા વિસ્તારમાં દિવસ રાત તપાસો કરવા લાગ્યો રાત્રીનાં તેના ઘરની ઝડતી તપાસો પણ શરૂ કરી પરંતુ ગારસીંગાનો કોઈ મેળ પડતો ન હતો.

દરમ્યાન એક દિવસ જસદણ તાલુકાના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તથા ખેડુત આગેવાનો જેમાં મોહનભાઈ છાયાણી ઉર્ફે બંદૂકીયા તથા વેલાભાઈ ગેલાભાઈ વિગેરે બાબરા પોલીસ સ્ટેશનમાં જયદેવ પાસે આવ્યા, તમામ હરખભેર જયદેવને મળ્યા દસ વર્ષ જૂની જસદણનીવાતો વાગોળી, ચા પાણી પીધા પછી તેમણે ધીમેથી કહ્યું કે સાહેબ ફરિયાદ કરવા નથી આવ્યા પણ ખાલી તમારા કાને વાત નાખવા આવ્યા છીએ.

વાત એમ છે કે જસદણના એક ખેડુતની દીકરીને ઉંટવડ પરણાવેલ છે આ દિકરીની ભાણી એટલે કે તેની દીકરી જે સતર અઢાર વર્ષની છે તે વાડીએથી ઘેર એકલી આવતી હતી અને ઘેર પહોચી નથી ચાર પાંચ દિવસથી ગૂમ થયેલ છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ છોકરીને ઉંટવડનો જ માથાભારે ગારસીંગો પગી ઉપાડી ગયો છે અને છરીની અણીએ સીમ વગડે પોતાની સાથે જ રાખીને ફેરવે છે.

છોકરીના ઘરનાઓએ ગામ આગેવાનો મારફતે આ ગારીયાના કુટુંબીજનોને વિનંતી કરાવી કે જે થયું તે હવે છોકરી તો પાછી આપી દયો. પરંતુ આજ દિન સુધી રાહ જોવા છતા હજુ આ ગભ‚ બાળાને આ ગારીયો છરીની અણીએ સીમ વગડે જ પોતાની સાથે જ રખડાવી ને ફરે છે અને છોકરીને છોડતો નથી.

જયદેવ ચોંકી ગયો કે શું વાત છે? તેણે તુરત જ સાથે આવેલ છોકરીના પિતાની અપહરણની એફ.આઈ.આર. લીધી અને જસદણના આગેવાનોને કહ્યું કે જુઓ છોકરી સાથે જ આરોપી પકડાય તો ઠીક છે. પરંતુ માનો કે છોકરીને ગુનેગાર રેઢી છોડી દે તો તે છોકરીને હું તટસ્થ રીતે પૂછપરછ કરી તેનું નિવેદન લઈશ અને તે નિવેદનમાં જણાવેલ બાબતે કોઈ બાંધછોડ કરવાની નહિ અને આ લીધેલ નિવેદનની એઝયુકયુટીવ મેજીસ્ટ્રેટ પાસે છોકરીની એફીડેવીટ કરાવી લેવાની આગેવાનો અને છોકરીના પિતા આ શરત સાથે સહમત થયા.

જયદેવે આ ગુન્હાની તપાસ આક્રમક રીતે ચાલુ કરી અને પોલીસ સ્ટેશનમાંથી જ એક પાર્ટી તૈયાર કરી ઉંટવડ ગામે અને ગારીયાના ઘર ઉપર ગોઠવી દીધી. તમામ જવાનોને બંધૂકો આપી અને સુચના કરી કે જરા પણ ડર્યા સિવાય વોચ તકેદારી રાખજો અને જરા સરખી પણ હકિકત કે બાતમી મળે તો તુરત જ બાબરા મને ટેલીફોનથી જણાવી દેજો હું ટેલીફોન આવ્યા પછી પંદર મીનીટમાંજ ઉંટવડ પહોચી જઈશ.

ઉંટવડ ગામ આમતો જયદેવનું જુનુ પરિચિત ગામ હતુ આઠ દસ વર્ષ પહેલા તે જયારે જસદણ પોલીસ સ્ટેશનમાં હતો. ત્યારે આટકોટ બસ સ્ટેન્ડમાં ઓપરેટ થતી જુદી જુદી ગેંગોમાં એક ગેંગ આ બાબરાના ઉટવડ ગામના દાદા શખ્સ ટીણા બોદુની પણ હતી જુઓ પ્રકરણ ૩૧ ઓપરેશન આટકોટ પરંતુ જયદેવની જસદણથી સુરેન્દ્રનગર જીલ્લામાં બદલી થઈ ગયા પછી નિર્ભય થયેલી ગેગો વચ્ચે ફરી આટકોટ બસ સ્ટેન્ડનો કબ્જો લેવા અથડામણો શરૂ થયેલી અને મોટા દડવાની ખૂંખાર ગેંગે આટીણા બોદુનું ઘાતકી અને ક્રુર રીતે આટકોટ બસ સ્ટેન્ડમાંજ ખૂન કરી નાખેલુ આમ ઉંટવડના ઈતિહાસ અને ભુગોળથી જયદેવ સુપરિચિત હતો.

જે આરોપીથી રક્ષણ માટે અને જેને પકડવા માટે જ ખાસ ચાર પાંચ વર્ષથી પોલીસ પાર્ટી પડી હતી તેજ આરોપીએ ફરીથી તેજ પ્રકારનો ગુન્હો કરતા પોલીસ વડાએ જયદેવ સાથે ટેલીફોનથી આમકેમ બન્યુ તે અંગે પ્રશ્નો કર્યા જયદેવ તો મનમાં જાણતો હતો કે આરોપીના ગુન્હાતો ચાલુ જ હતા તમામ જાણતા જ હતા.

પરંતુ ગુન્હો નોંધાવવા કોઈ તૈયાર ન હતુ અને પોલીસ નોંધવા માટે શા માટે પહેલ કરે કે આ બેલ મુજે માર મુજબ પછી તેને જ ઉપાધી આ કિસ્સામાં પણ અરજદારો રજૂઆત કરવા અને છોકરી પાછી મળે તે માટે એક પ્રયત્ન કરવા જાણીતા પોલીસ અધિકારી જયદેવને મળવા જ આવ્યા હતા.

આતો જયદેવે ધરાહાર એફઆઈઆર લીધી અને પોલીસની ભાષામાં ‘પોતાના પગ ઉપર જ કુહાડો માર્યો’ જયદેવે પોલીસ વડાને કહ્યું હજુ પણ બીજા ગુન્હાઓ નોંધી અન્ય આરોપીઓ પણ પકડવા પડશે. પોલીસ વડા એ ચર્ચા કરી કે ભૂતકાળના જુના ગુન્હાનોધી ને તો પોલીસ જ બદનામ થશે ને? જયદેવે કહ્યું હવે પછી જે બનાવો બનશે તેજ નોંધવાના છે. તેમ કહી જયદેવે એક વધુ શસ્ત્ર મેળવી લીધું. જયદેવને હવે ‘ગારીયા’ને જેનો જેનો ટેકો હતો. તેની વીરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ઈચ્છા હતી.

જયદેવે ગારીયાના ગામ અને ઘર ઉપર જ હથીયાર ધારી પોલીસ પાર્ટી બેસાડી દેતા તેને મળતુ ટીફીન અટકી ગયું અને સીમ વગડે પણ બાબરા પોલીસની જીપ હડીયાપાટુ કાઢવા લાગતા ગારીયાને પોતાને બચવુ ભારે તો પડયું પણ પેલી છોકરીનું શું કરવું તે મોટી ઉપાધી થઈ ગઈ. ગારીયા એ છોકરીને આટકોટ લાવી છોડી મૂકી અને પોતે પાછો નાસી ગયો.

છોકરી આટકોટથી જસદણ તેના મામાને ઘેર આવી. થયેલ વાતચીત મૂજબ જસદણના આગેવાનોએ છોકરી પાછી આવી ગયાની બાબરા જયદેવને જાણ કરી જયદેવે તેમને છોકરીના વાલી સાથે જ બાબરા આવી જવા જણાવ્યું. જયદેવે છોકરીના નિવેદન ઉપરથી કોનો કોનો ઘડો લાડવો કરવો તેનો વ્યૂહ મનોમન નકકી કરી જ રાખ્યો હતો.

અમરેલીથી મહિલા પોલીસને બોલાવી લીધી ભોગ બનનાર છોકરી સાથે જસદણના આગેવાનો આવી ગયા. છોકરીને બળાત્કાર થયો કે કેમ તેની ખાત્રી કરતા થયેલાનું જણાવતા છોકરીને તુરત જ તપાસણી યાદી સાથે મહિલા કોન્સ્ટેબલ સાથે સરકારી દવાખાને શારીરીક તપાસણી અને સારવાર માટે મોકલી આપી.

તપાસણી અને સારવાર બાદ ડોકટરે જયદેવને જણાવ્યું કે છોકરી સાથે બળાત્કાર તો થયેલ છે.પરંતુ શારીરીક રીતે સંપૂર્ણ આરામ અને પૌષ્ટીક પૂરતા આહારની જરૂરત છે.

જયદેવે છોકરી સાથે આવેલા આગેવાનોને બહાર બેસાડી મહિલા પોલીસ ને સાથે રાખી રાયટર પાસે છોકરીનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું પૂરા આશ્વાસન અને વિશ્વાસ આપી તમામ સાચી હકિકત જે જાણતી હોય તે જણાવવા કહ્યું છોકરી પોતાને થયેલ અનુભવની હકિકત કહેતા કહેતા રડી પડતી હતી.

જે વાતકરી તેતો અતિ ભયંકર હતી રાત્રીનાં પણ સીમ વગડે એક જગ્યાએ થી બીજી જગ્યાએ સ્થળ બદલતા રહેવાનું જમવાનું તો ઠીક ઘણી વખતે ટેકરાઓમાં પીવાના પાણીના પણ સાંસા પડતા હતા. જયદેવ ને આવી કોઈ વાતમા રસ નહોતા પણ આવી વાતો ધ્યાનથી સાંભળવામાં આવે તો જ મુદાની વાત પણ આવે જયદેવને તો આ નરાધમને કોણ કોણ મદદ કરતું હતુ.

કોણ કોણ ટીફીન પૂરા પાડતુ હતુ તથા કોણે કોણે તેની સાથે ખરાબ વર્તન કર્યું તે જાણવું હતુ છોકરીએ તો નિદોર્ષ ભાવે જે હકિકત બની હતી તે વિગતે જણાવી દીધી અને તે તે બાબતો જયદેવે નોંધાવી પણ લીધી તે પછી જયદેવે છોકરીને આ ગારીયાના ભૂતકાળના નહિ નોંધાયેલા કુકર્મો અંગે ફકત એમ જ પૂછપરછ કરી છોકરીએ તે પણ નિદોર્ષ ભાવે જણાવી દીધું પણ આ કુકર્મોની કોઈ એ ફરિયાદ કરી નહતી અને કોઈ બદનામી અને બેઈજજતી ના ભયે જાહેર કરવા પણ માગતા નહતા.

જયદેવે મામલતદાર બાબરાને ટેલીફોન લગાડયો. મામલતદાર વલીભાઈ વોરા હાજર જ હતા. જયદેવને અને મામલતદાર વોરાને ઉંમરનો તો ઘરો ફેર હતો વોરા ખાતાકીય પ્રમોશનો લઈ મામલતદાર બનેલા અને નિવૃતિના સાવ છેડે હતા છતા જયદેવ અને વોરા વચ્ચે ખૂબ સારી મિત્રચારી હતી.

બંને જણા નિયમીત ચા પાણી માટે એકઠા થતા અને જયદેવ આપીઢ અને અનુભવીતો ખરા પણ તાલુકાના જાણકાર અને વ્યવહારીક અધિકારીના અનુભવોનો લાભ લેતો. જયદેવે ટેલીફોન ઉપર જ કહયું કે એક સોગંદનામું કરવાનું છે જરા બાબત અટપટી અને કોર્ટનો ધકકો પણ થાય તેવું છે.

મામલતદારે કહ્યું સાહેબ તમે જે કહો તે તમામના લાભની જ વાત હોય કોઈ શંકા જ નથી પરંતુ સોગંદનામુ કરનારે મારી સમક્ષ કહેવું પડે કે આ લખાણ મારા લખાવ્યા મુજબનું જ છે. જયદેવે છોકરીના નિવેદનને રૂપીયા પચાસના સ્ટેમ્પ પેપર ઉપર લખાવી મહિલા પોલીસ સાથે જ મામલતદાર કચેરીએ મોકલી દીધી એફીડેવીટ થઈ ગઈ ચાર પાંચ ઝેરોક્ષ નકલો કરાવી લીધી અને અસલ સોગંદનામું કેસ કાગળોમાં મૂકયું હવે જયદેવને ધરપકડ ‚પી મીસાઈલ મારો જ કરવાનો હતો !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.