Abtak Media Google News

ભારતને આર્થિક વૈશ્વિક ગુરુ બનાવવાનું મોદીનું સ્વપ્ન સાકાર થવા તરફ…

ચાલુ વર્ષે જીડીપી વૃદ્ધિ દર 8.5 ટકા રહેશે જ્યારે આગામી નાણાકીય વર્ષ 2022-23માં વધુ વધીને 9.8 ટકા થઈ જશે- ગોલ્ડમેન સેચેનો અંદાજ

કોરોના મહામારીની નકારાત્મક અસરો પાછળ છોડી ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે દોડવા લાગ્યું છે. આંતરમાળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનતા તેમજ ઉત્પાદકીય પ્રવૃત્તિ વધુ તેજ બનતા આ સાથે નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થતાં દેશનું સ્વાસ્થ્ય ગણાતું અર્થતંત્ર વૈશ્વિક આર્થિક ગુરુ બનવા તરફ દોટ ભરી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર વૃદ્ધિદર અંગે તાજેતરમાં વિદેશી બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સેચે એક રિપોર્ટ જારી કર્યો છે તેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2021-22માં દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર 8.5 ટકા રહેશે અને તે આગામી નાણાકીય વર્ષ 2022-23માં વધુ વધીને 9.8 ટકા થઈ જશે..!!

ઉલ્લેખનીય છે કે, બજાર વિશ્લેષકો અને આર્થિક નિષ્ણાતોના મતાનુસાર આગામી વર્ષ 2030 સુધીનો સમય ભારતીય અર્થતંત્ર માટે મહત્વનો બની રહેશે. ભારતનો જીડીપી આગામી સમયમાં ડબલ ડિજિટમાં પહોંચશે. ગત નાણાકીય વર્ષ 2020-21માં દેશના વિકાસ દરમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હવે ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર ઊંચો રહેવાની ધારણા છે. ગોલ્ડમેન સેચ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવતા વર્ષે વૃદ્ધિમાં વપરાશ વૃદ્ધિનો મોટો ફાળો રહેશે. રસીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિને કારણે અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ખુલી જશે. યુએસ બ્રોકરેજ કંપનીએ કહ્યું કે સરકારનો મૂડી ખર્ચ ચાલુ રહેશે. આગામી નાણાકીય વર્ષમાં વિકાસ દર વધુ સારો રહેશે.

અગાઉના દિવસે, યુકેની બ્રોકરેજ કંપની બાર્કલેએ કહ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર 10 ટકા રહેશે, જ્યારે આગામી નાણાકીય વર્ષમાં તે ઘટીને 7.8 ટકા થઈ જશે. તાજેતરમાં, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર 10 ટકા અથવા તેનાથી વધુ રહેશે. જ્યારે આગામી નાણાકીય વર્ષ 2022-23માં તે 8 ટકાથી વધુ રહેવાનો અંદાજ છે.

ચાલુ વર્ષે ભારત-અમેરિકાનો વેપાર 7.5 લાખ કરોડને આંબી જશે..!!

ટકાઉ અને સંપૂર્ણ વિકાસ માટે વેપાર અનન્ય પરિબળ છે ત્યારે વધતી વધતી જઇ રહેલી ભારતની નિકાસ વચ્ચે અમેરિકા સાથેના વેપાર સંબંધો વધુ મજબૂત બન્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં અમેરિકા સાથેનો વેપાર 100 બિલિયન ડોલર એટલે કે અંદાજે 7.5 લાખ કરોડ રૂપિયાને આંબી જશે..!! સરકારે જણાવ્યું છે કે ભારત-યુએસ દ્વિપક્ષીય માલસામાનનો વેપાર આ વર્ષે $100 બિલિયનના આંકને પાર કરવા માટે સુયોજિત છે અને બંને દેશો ટ્રેડ પોલિસી ફોરમ હેઠળ આવતા વર્ષે માર્ચ સુધીમાં ચોક્કસ વેપાર પરિણામો વિકસાવશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ભારત-યુએસ ટીપીએફના પુનઃલોન્ચ બાદ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વર્ષે 2021 (જાન્યુઆરી-સપ્ટેમ્બર) દ્વિપક્ષીય  વેપારમાં મજબૂતાઈ આવી છે. જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં લગભગ 50% વૃદ્ધિ દર્શાવે છે. તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે બંને દેશો ભારતથી દ્રાક્ષ અને યુએસમાંથી ડુક્કરના માંસ આધારિત ઉત્પાદનો માટે બજાર ઍક્સેસને ઉકેલવા અને સતત જોડાણ દ્વારા બાકી બજાર ઍક્સેસ મુદ્દાઓને ઉકેલવા માટે પણ સંમત થયા છે.

જણાવી દઈએ કે યુનાઇટેડ સ્ટેટ્સના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઈ ભારતની બે દિવસની મુલાકાતે છે. જેમણે ગઈકાલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે TPF બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. આ બંને મંત્રીઓએ TPF કાર્યકારી જૂથોને માર્ચ 2022 સુધીમાં, નોંધપાત્ર પ્રગતિ કરવા માટેની કાર્યવાહીની યોજનાઓ વિકસાવવા નિર્દેશ આપ્યો, જેમાં ચોક્કસ વેપાર પરિણામોના સમૂહની ઓળખ સહિતની આંતર-સત્રીય TPF મીટિંગ માટે અંતિમ સ્વરૂપ આપવા જેવા પરિબળોનો સમાવેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.