Abtak Media Google News

કાલે દીર્ક્ષાીઓની મંડપ મુહૂર્તવિધિ: અંતિમવાર ભાઈની કલાઈ પર રક્ષા બાંધી સ્નેહબંધન કરાશે

જેમના શબ્દ-શબ્દ સત્યનું પ્રાગટ્ય થઈ રહ્યું છે એવા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવના ચરણ શરણમાં આજીવન સમર્પિત થઈને દીક્ષા અંગીકાર કરવા થનગની રહેલાં મુમુક્ષુ હિરલબેન જસાણી, ક્રિષ્નાબેન હેમાણી તેમજ ચાર્મીબેન સંઘવીનો પરમ સંયમ મહોત્સવ કોલકતા જૈન શ્વેતાંબર સ્થાનકવાસી ગુજરાતી સંઘ (નવલખા ઉપાશ્રય) અને પારસધામના ઉપક્રમે તેમજ કામાણી સંઘ, ટોલીગંજ સંઘ, હાવડા સંઘ અને લીલવા સંઘનાં સહયોગે જ્યારે આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે, જન જનના હૃદયમાં અનેરો આનંદ અને ઉત્સાહ વર્તાઇ રહ્યાં છે.

125G

આ કલ્યાણ મહોત્સવનાં શુભારંભનો ગગનભેદી શંખનાદ કરતી માતુશ્રી રેખાબેન મિલનભાઈ શાહના આંગણેથી પ્રારંભ થયેલી ભવ્યાતિભવ્ય શાસન પ્રભાવના યાત્રાની દિવ્યતા કોલકાતાના અણુ અણુમાં પાવનતા પ્રસરાવી ગઈ. જયઘોષ ગજાવતા બેન્ડની સાથે શાસન ધ્વજ લહેરાવતા, ધર્મધ્વજ લહેરાવતા, અનેક અનેક બાઇક સવાર, રાસ મંડળીઓ, સજાવેલા વાહનમાં સવાર દીક્ષાર્થીઓ અને જૈન દર્શનના સિદ્ધાંતોને દર્શાવતા સુંદર અને પ્રેરણાત્મક ફ્લોટ્સથી શોભતી, ગાજતી, ગુંજતી પ્રભુધર્મની શાન વધારતી સંયમ સાધના ધામમાં વિરામ પામી હતી.

આ અવસરે દીક્ષાર્થીઓની ત્યાગ ભાવનાની પ્રશસ્તિ કરીને પરમ ગુરુદેવે અત્યંત મધુર વાણી વહાવતા ફરમાવ્યું હતું કે, ત્યાગધર્મ પ્રત્યે સહુના મસ્તકને નત અને શાસન પ્રત્યે ઉન્નત કરી દેનાર આ નાની નાની વયના દીક્ષાર્થીઓ, અનેક પ્રકારના સ્વપ્નાઓ સજાવવાની ઉંમરે પ્રભુ પંથે પ્રયાણ કરીને સાબિત કરી રહ્યાં છે કે જ્યાં કોઈ કોઈનું હોતું નથી એવા સપના જેવો આ સંસાર છે. આ સંયમ માર્ગ મનના મૃત્યુનો માર્ગ છે. જ્યાં મનનું મૃત્યુ છે ત્યાં જ મુનિ જીવનનો જન્મ છે અને જ્યાં મનનો જન્મ છે ત્યાં સંસાર છે. આજના સમયમાં સંયમ માર્ગ પર એવા જ આત્માઓ પ્રયાણ કરી શકે જેઓએ જનમ જનમથી સંયમની સાધના-આરાધના કરી હોય.

પૂર્વ ભારતની ત્રણ ત્રણ દીકરીઓનો દીક્ષા મહોત્સવ જયારે પૂર્વ ભારતમાં જ યોજાયો છે ત્યારે કોલકાતા ગુજરાતી સમાજ, કોલકાતા લોહાણા સમાજ,  કોલકાતા મિત્ર મંડળ, રઘુવંશી કલ્ચરલ કલબ, રઘુવંશી ફોરમ, રઘુવંશી ફોરમ મહિલા મંડળ, કચ્છી લોહાણા મહિલા મંડળ, ખડાયતી વણિક સમાજ, શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રહ્મ સમાજ, આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સમાજ, સોની સમાજ, પાયલ સોશિયલ કલ્ચર અને કોલકાતા ઝાલાવાડી સ્થાનકવાસી જૈન મિત્ર મંડળ, કોલકાતા ઝાલાવાડી મહિલા મંડળ આદિ સમસ્ત કોલકાતાની ૧૫ સંસ્થાઓ અને જ્ઞાતિઓ દ્વારા દીક્ષાર્થીઓની ત્યાગભાવનાને અહોભાવથી સન્માનિત કરવામાં આવી હતી.

વિશેષમાં, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ ધર્મ સ્વરૂપ સંયમ જીવનનાં પ્રતિકસમા સ્વસ્તિકના શુભ પ્રતિકની દીક્ષાર્થીઓના માતા-પિતા અને ધર્મ માતા-પિતા દ્વારા લીલાં વસ્ત્ર પર ચિત્રાંકન કરીને, કેસરના છાંટણા કરીને શુભ ભાવથી સ્વસ્તિક વિધિ કરતાં આ મહા મહોત્સવના શુકનવંતા વધામણા કરવામાં આવ્યાં હતાં. સમસ્ત કોલકત્તા સ્થાનકવાસી સંઘોના મહિલ્લા મંડળ દ્વારા પ્રભુ પંથને અનુસરીને સ્વયે પ્રભુ બનવા જઇ રહેલી ત્રણ-ત્રણ દીકરીઓના ત્યાગની અનુમોદના કરતી સાંજી સ્તવનાનો મધુર માહોલ આ અવસરે ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંયમ ભાવમાં તરબોળ કરી ગયો હતો.

માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત વિખ્યાત સાહિત્યકાર સુનીલભાઈ સોનીએ આગવી શૈલીમાં કરાવેલી સંવેદનાસભર વંદનાવલીના દ્રશ્યો ઉપસ્થિત વિશાળ જનસમુદાયની આંખોમાંથી આંસુઓની ધારા વહાવી ગયાં હતાં.

કલકત્તાની ધરા પર જન જનના હૃદયમાં સદાને માટે અંકિત થઈ જનારાં પોચ દિવસીય દીક્ષા મહોત્સવ અંતર્ગત, શનિવાર તા. ૧૬.૧૧.૨૦૧૯ સવારના ૭:૦૦ કલાકે કોલકાતા જૈન શ્વેતાંબર સ્થાનકવાસી ગુજરાતી સંઘ નવલખા ઉપાશ્રય ખાતે દીક્ષાર્થી આત્માઓની મંડપ મુહર્ત વિધિ સાથે ૮:૩૦ કલાકે સંયમ સાધના ધામમાં વિદ્યાર્થીઓ અંતિમ વાર ભાઈની કલાઈ પર રક્ષા બાંધી સ્નેહ બંધન કરશે. એ સાથે જ રજોહરણ કી આત્મકથા નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવશે. સાંજે ૭:૦૦ કલાકે અઢાર પાપસ્થાનક સંવેદના આધારિત કાર્યક્રમ તેમજ લુક એન લર્નના બાળકો દ્વારા મજા વી સજાનો વિચારણીય કાર્યક્રમ રજુ કરવામાં આવશે. એ સાથે જ મુમુક્ષુ ચાર્મીબહેનનો વિદાય સમારોહ યોજાશે.

મહોત્સવની ચતુર્થ દિવસ તા. ૧૭.૧૧.૨૦૧૯ રવિવારનાં સવારનો ૭:૦૦ કલાકે કોલકાતાના રાજમાર્ગો ગુંજી ઉઠશે વિરતી  વિજયયાત્રાના જયઘોષથી આ યાત્રા ની, એલ્બીન રોડ, નીલકમલ એપાર્ટમેન્ટ ખાતેથી પ્રારંભ થઈને સંયમ સાધના ધામ પર વિરામ પામશે. ત્યારબાદ ભાવવાહી કાર્યક્રમ માતૃપિતૃ વંદના તેમજ મુમુક્ષુ હિરલબેન અને ક્રિષ્નાબેનનો વિદાય સમારોહ આયોજિત થશે, ઉપરાંત માં ચિંતનીય નાટિકા જ્યોતિર્મય એવમ સંબંધોની રિયાલિટીની પ્રસ્તુતિ કરવામાં આવશે,

મહોત્સવના અંતિમ દિન તારીખ ૧૮.૧૧.૨૦૧૯ સોમવાર સવારનાં ૭:૦૦ કલાકે દીક્ષાર્થીઓના સ્વગૃહેથી મહાભિનિષ્ક્રમણ યાત્રા પ્રારંભ થઈને સંયમ સાધના ધામે પહોંચ્યા બાદ એમના ભવોભવનું કલ્યાણ કરી દેનારો મેગલમય દીક્ષા મહોત્સવ સવારનાં ૮:૦૦ કલાકથી પ્રારંભ કરવામાં આવશે. દીક્ષા મહોત્સવના દરેક કાર્યક્રમ સંયમ સાધના ધામ, નોર્ધન પાર્ક, કોલકતા ખાતે રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.