Abtak Media Google News
શિયાળાની વિદાય વેળાએ ગાઢ ધુમ્મસથી ઠંડીનો ચમકારો: વિઝિબિલિટી માત્ર 100 મીટર

અબતક ,રાજકોટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે જોરદાર ઝાંકળ વર્ષા થવાના કારણે વહેલી સવારે હિલ સ્ટેશન જેવો આહલાદ્ક નજારો જોવા મળ્યો હતો. શિયાળાની વિદાય વેળાએ જ ગાઢ ધુમ્મસથી ઠંડીના ચમકારોનો અનુભવ થયો હતો. આવતીકાલે પણ ઝાંકળ વર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝાંકળના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 18.7 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા નોંધાયું હતું. વહેલી સવારે વિઝિબિલિટી માત્ર 100 મીટર રહેવા પામી હતી. એટલે કે 100 મીટરથી દૂરનું કશુ દેખાતુ ન હતુ. જો કે હવાઇ સેવા પર કોઇ અસર પડી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે રાજકોટ જાણે હિલ સ્ટેશન બની ગયુ હોય તેવો આહલાદ્ક નજારો જોવા મળતો હતો. ધુમ્મસના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. સવારે મોડે સુધી સુર્યનારાયણની ગેરહાજરીમાં વાદળછાંયુ વાતાવરણ છવાયેલું રહ્યુ હતુ. આવતીકાલે પણ ઝાંકળ વર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શિયાળાની વિદાય વેળાએ ઝાંકળ વર્ષાના કારણે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સવારે ઠંડી અને બપોરે ગરમી એમ મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.