Abtak Media Google News

એનડીએ સરકારના આગામી કેન્દ્રીય બજેટમાં કોર્પોરેટ ટેકસ દર ૨૮ ટકાનો રાખવામાં આવે તેવી ધારણા

મધ્યમ વર્ગને રાહત આપવા સરકાર કરવેરાની આવક મર્યાદા ૩ લાખ કરે તેવી શકયતા

આગામી ફેબ્રુઆરીમાં એનડીએ સરકાર બજેટ જાહેર કરવા માટે અત્યારથી ગડમથલમાં છે. આગામી બજેટ ખેડૂતો અને મધ્યમવર્ગ માટે રાહતરૂપ રહેશે તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કોર્પોરેટ ટેકસ દર ઘટાડવા માટે અગાઉ આપેલુ વચન પાળવા પણ નાણા પ્રધાન અરૂણ જેટલી ઉપર ભારણ જણાય રહ્યું છે.

આગામી બજેટમાં સરકાર મધ્યમ વર્ગને કરવેરામાં રાહત આપવા આવક મર્યાદા ૨.૫ લાખથી વધારી ૩ લાખ કરી શકે છે. ગત વર્ષે નાણા પ્રધાન અરૂણ જેટલીએ કર માળખાના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યા નહોતા. પરંતુ નાના કરદાતાઓને દર ૧૦ ટકાથી ઘટાડી ૫ ટકા આપવાનો નિર્ણય લીધો હતો. વાર્ષિક રૂ.૫ થી ૧૦ લાખ રૂપિયાની આવક ધરાવનારને ૧૦ ટકા સુધી તેમજ રૂ.૧૦ થી ૨૦ લાખ આવક ધરાવનારને ૨૦ ટકા દર અને ૨૦ લાખથી વધુ વાર્ષિક આવક ધરાવનારને ૩૦ ટકાનો દર જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

હાલની સ્થિતિઅ કરમાળાખામાં રૂ.૧૦ થી ૨૦ લાખ વાર્ષિક આવક ધરાવનાર માટે અન્ય કોઈ સ્લેબ નથી. સરકારે ત્રણ વર્ષ પહેલા કોર્પોરેટ જગતને કોર્પોરેટ ટેકસ ૨૫ ટકા સુધી ઘટાડવાનું વચન આપ્યું હતું. જો કે હાલ નાણા પ્રધાન આપેલુ વચન પાળી શકશે કે કેમ તે અંગે ઉદ્યોગ જગત શંકા સેવી રહ્યો છે. ચાર વર્ષમાં સરકારે કોર્પોરેટ ટેકસ ૩૦ ટકાથી ઘટાડી ૨૫ ટકા કર્યો છે. આગામી બજેટ એનડીએ સરકારની ચાલુ બોડીનું છેલ્લુ સંપૂર્ણ બજેટ રહેશે. ત્યારબાદનું બજેટ લેખાનું દાન ગણવામાં આવશે.

સરકાર આગામી બજેટ અમેરિકાએ તૈયાર કરેલા અગાઉના બજેટ આધારીત બનાવવા માટેની તૈયારી કરી છે. અમેરિકાએ કોર્પોરેટ ટેકસમાં ધરખમ રાહત આપી હોવાનું જાણવા મળે છે. પરિણામે નાણા પ્રધાન અરૂણ જેટલીએ આગામી કેન્દ્રીય બજેટમાં ત્રણ વર્ષ પહેલા કોર્પોરેટ ટેકસ ઘટાડવા માટે આપેલું વચન પાળી બતાવે તેવી શકયતા છે.

નોટબંધી તેમજ જીએસટી સહિતના નિર્ણયોના કારણે આર્થિક વિકાસને થોડા સમય માટે ધકકો લાગ્યો હતો. પરિણામે કોર્પોરેટ સેકટરને ફટકો પડયો હતો. આ નુકશાનમાં રાહત આપવાના હેતુથી સરકાર કોર્પોરેટ ટેકસમાં છુટછાટ આપી શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે. કોર્પોરેટ ટેકસ રેટ ૨૮ ટકાનો રહે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

શું તમે બીજા દેશો કરતા વધુ કરવેરા ભરો છો?

બજેટની જાહેરાત નજીક આવતા જ કરવેરાની વાતો ચર્ચાવા લાગી છે. હાલ કર માળખામાં લઘુતમ ૧૦ ટકા અને મહત્તમ ૩૫.૫ ટકા કરની જોગવાઈ છે. લોકો દેશમાં વધુ ટેકસ લાગતો હોવાની કાગરોળ મચાવી રહ્યાં છે પરંતુ અન્ય દેશોની સરખામણી જોઈએ તો ભારતની કર માળખુ વધુ અનુકુળ છે. યુકેમાં લઘુતમ કર દર ૨૦ ટકા અને મહત્તમ ૪૫ ટકાનો છે. અમેરિકામાં ભારતની જેમ લઘુતમ ૧૦ ટકા જયારે મહત્તમ ૩૯.૬ ટકાનું કર માળખુ છે. રશિયામાં સમાન ૧૩ ટકાનું કર માળખુ છે. સાઉથ આફ્રિકામાં પણ લઘુતમ કર ૧૮ ટકા ચૂકવવો પડે છે. માટે ભારતના નાગરિકોને અન્ય દેશોની સરખામણીએ લઘુતમ કર દરનો વધુ ફાયદો મળે છે. ચીનમાં મહત્તમ કરદર ૪૫ ટકાનો છે. જે ભારતની સરખામણીએ ૧૦ ટકા જેટલો વધુ છે માટે એમ કહી શકાય કે ભારતીય નાગરિકોને અન્ય દેશોના નાગરિકો કરતા ઓછો કર ભરવો પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.