Abtak Media Google News

ઈલેકટ્રોલ બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને મળતા ભંડોળમાં પારદર્શકતા લાવવાનો પ્રયાસ

સરકારે રાજકીય પક્ષોને મળતા ફંડ-ફાળાની પ્રક્રિયામાં પારદર્શકતા જાળવવા માટે ઈલેકટ્રોલ બોન્ડ પઘ્ધતિ અપનાવવાની જાહેરાત કરી હતી. આ બોન્ડ પઘ્ધતિના પરિણામે રાજકીય પક્ષોને મળેલુ ફંડ દુધ ધોયેલુ થઈ જશે.

નાણાપ્રધાન અરૂણ જેટલીએ ગઈકાલે ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, રાજકીય પક્ષોને મળતા ફડિંગમાં પારદર્શકતા લાવવા માટે રોકડ વ્યવહાર ઓછો કરવામાં આવશે. ઈલેકટ્રોલ બોન્ડ પઘ્ધતિ લાગુ કરવામાં આવશે. હાલ રાજકીય પક્ષોને મળતા ભંડોળમાં ચોકકસાઈ રાખવા માટે યોગ્ય પઘ્ધતિ નથી માટે સરકાર ઈલેકટ્રોલ બોન્ડને પ્રોત્સાહન આપશે. આ બોન્ડ એસબીઆઈમાંથી મળી રહેશે જેની અવધી ૧૫ દિવસની રહેશે.

સુત્રોના મત મુજબ હાલ રાજકીય પક્ષોને મળતા ભંડોળનો કોઈ હિસાબ રહેતો નથી. પરીણામે ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો અવાર-નવાર લાગતા હોય છે. હાલની પઘ્ધતિથી રાજકીય પક્ષો પણ ખુશ છે. જેનું કારણ ભંડોળનો કોઈ તાર્કિક હિસાબ આપવો પડતો ન હોવાનું છે. અલબત મોદી સરકાર આ મુદ્દે પારદર્શકતા લાવવા માંગે છે.

રાજકીય પક્ષોને ભંડોળ આપવા માટે વધુને વધુ ઈલેકટ્રોલ બોન્ડનો ઉપયોગ થાય તેવા પ્રયાસ સરકાર કરશે. રોકડ ડોનેશનનો હિસાબ રાખવાની જગ્યાએ ઈલેકટ્રોલ બોન્ડનો હિસાબ સરળ છે. આ બોન્ડની પ્રક્રિયા પારદર્શક વધુ છે. સરકારી બેન્કમાંથી જ બોન્ડ આપવાના હોવાથી લોકોને પણ વિશ્ર્વાસ રહેશે.

ઉપરાંત બોન્ડની અવધિ ૧૫ દિવસ હોવાથી કાળાનાણાનો કોઈ પ્રશ્ર્ન ઉભો થશે નહીં. એકંદરે રાજકીય પક્ષોનું ફંડ દુધે ધોયેલું થઈ જશે.

ઈલેકટ્રોલ બોન્ડની જેમ જ સરકાર ચેક અને ઓનલાઈન ટ્રાન્ઝેકશનના માઘ્યમથી રાજકીય પક્ષોને ભંડોળ અપાય તેવું ઈચ્છે છે. આ પઘ્ધતિઓ પણ સરકારની દેખરેખ હેઠળ રહી શકે છે. આ ત્રણેય પઘ્ધતિ પારદર્શક હોવાનો મત અરૂણ જેટલીનો છે માટે રાજકીય પક્ષોને મળતા ભંડોળ ઉપર કોઈ સવાલ ઉઠી શકશે નહીં. સરકારે આ પઘ્ધતિઓ ઉપરાંત અન્ય સલાહ નિષ્ણાંતો પાસે માંગી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્ર્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે છતાં પણ હજુ સુધી રાજકારણમાં આવતા નાણા મુદ્દે પારદર્શકતા જાળવી શકાય નથી. સાત દાયકા વિતી ગયા છતાં યોગ્ય પઘ્ધતિ અમલમાં મુકવામાં આવી નથી. હજારો કરોડ રૂપિયાનું ફડીંગ કોઈ પણ જાતના હિસાબ વગર થતું હોય છે માટે ઈલેકટ્રોલ બોન્ડ આ મુદ્દે પારદર્શકતા લાવશે.

૨૦૧૯ની ચૂંટણીનું લક્ષ્ય પાર કરવા મઘ્યમ વર્ગને બજેટમાં રાહતોની વણઝાર

૨૦૧૯ લોકસભા ચૂંટણીની તૈયારીઓ સરકારે શરૂ કરી છે. આગામી બજેટ આ ચૂંટણીને ધ્યાને રાખીને જ જાહેર કરવામાં આવશે. મધ્યમ વર્ગને કર રાહતો મળે તેવી ઈચ્છા સરકારની છે. સરકાર કર પ્રોત્સાહનો આપી શકે છે. હેલ્થ ઈન્સ્યોરન્સમાં વધારાના ફાયદા આપી શકે. બેન્કમાં પડેલી ફિકસ ડિપોઝીટમાં વ્યાજદર વધારી શકે. અગાઉ નાણામંત્રી અરૂણ જેટલીએ લોકો વધુને વધુ રોકાણ કરતા થાય તે માટે કેટલીક તૈયારીઓ કરી હતી પરંતુ જીએસટીના કારણે સરકારની તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. સરકારની રેવન્યુ ઘટી છે પરંતુ મધ્યમ વર્ગને ખુશ રાખવા કર રાહતો મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.