Abtak Media Google News

સરળ ભાષામાં કહીએ તો, આપણાં દેશની ટોચની શિક્ષણ-સંસ્થામાંથી સ્નાતક થઈ ચૂકેલાં વિદ્યાર્થીની કાર્યક્ષમતા તથા કુશાગ્ર બુધ્ધિનો મહત્તમ ઉપયોગ પોતાનાં દેશની પ્રગતિ માટે કરવાં, વિદેશી કંપનીઓ(દા.ત. ગુગલ, ફેસબુક વગેરે) તેમને આકર્ષક-લોભામણાં એન્યુઅલ પેકેજવાળી ઓફર્સ આપે છે

તાજેતરમાં જ ટ્વિટરના નવા સીઇઓના નામની જાહેરાત થઈ. લોકોએ એ વાતને ખૂબ ઉજવી કે ભારતીય મૂળના વ્યક્તિને આ મોટું પદ મળ્યું. પરાગ અગરવાલ એક જ નથી જે ભારતીય મૂળના હોય અને કોઈ મોટી વિદેશી કંપનીની કમાન સંભાળતા હોય, બીજા ઘણા ભારતીય વિભૂતિઓને મોખરાનું સ્થાન મળ્યું છે. અહીં એ વાત કરવી છે કે ભારતમાં એવું શું થાય છે કે અહીંના મહાન બુદ્ધિશાળીઓ વિદેશમાં જતાં રહે છે?

થોડા સમયઅગાઉ, કેનેડાનાં રસ્તા પર ખભે લોટની ગુણી ઉપાડીને બેફિકરાઇપૂર્વક ચાલતાં ભારતીય વિદ્યાર્થીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. ભારતનાં વિદ્યાર્થીઓ દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં વૈશ્વિકીકરણ થકી રહીને જાગૃતતાપૂર્વક પોતાનાં દેશની ઉન્નતિમાં ફાળો આપી રહ્યાં છે. તદ્દઉપરાંત, વૈવિધ્યસભર સંસ્કૃતિઓની વચ્ચે તેઓ કામ કરે કરે છે. પરંતુ, બીજી તરફ, ત્યાંનાં નાગરિકની તુલનાએ ઓછા વળતરને લીધે તેઓને તેમની જીવન જીવવાની શૈલી(લાઈફસ્ટાઇલ) સાથે મને-કમને સમાધાન કરવું પડે છે.

ભારતનું ક્યું એવું પરિબળ, આપણાં વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે મજબુર કરે છે એ અહીં યક્ષપ્રશ્ન છે! અહીંની કંપનીઓ દ્વારા અપાતું ઓછું વેતન, કાર્યક્ષમતાનો નિમ્નત્તમ ઉપયોગ, સંસાધનોની અલ્પતા તથા સગવડોનો અભાવ આ બધા ફેક્ટર્સ કોઇક અંશે આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. પરંતુ આ સિચ્યુએશન માટે મહદંશે ‘બ્રેઇન ડ્રેઇન (Brain-drain)’ ને જવાબદાર ઠેરવી શકાય એમ છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નાં એક સર્વે મુજબ, આઈ.ટી (I.T.) અને કમ્પ્યુટર નિષ્ણાંતોનાં વિદેશગમનને લીધે દર વર્ષે ભારત 2 બિલિયન ડોલર્સની ખોટ ભોગવી રહ્યું છે!

 બ્રેઇનડ્રેઇન શું છે?

સરળ ભાષામાં કહીએ તો, આપણાં દેશની ટોચની શિક્ષણ-સંસ્થામાંથી સ્નાતક થઈ ચૂકેલાં વિદ્યાર્થીની કાર્યક્ષમતા તથા કુશાગ્ર બુધ્ધિનો મહત્તમ ઉપયોગ પોતાનાં દેશની પ્રગતિ માટે કરવાં, વિદેશી કંપનીઓ(દા.ત. ગુગલ, ફેસબુક વગેરે) તેમને આકર્ષક-લોભામણાં એન્યુઅલ પેકેજવાળી ઓફર્સ આપે છે. અને પોતાનાં દેશમાં ખેંચી જાય છે જેને બ્રેઇનડ્રેઇન કહેવાય છે. આ રીતે ભારતમાંથી શિક્ષણ પ્રાપ્ત કરેલાં વિદ્યાર્થીઓ પોતાનાં દેશની પ્રગતિમાં સહભાગી થવાનાં બદલે વિદેશી કંપનીઓમાં નોકરી કરી ત્યાં જ સ્થાયી થવાની તાકમાં રહે છે તેવી સ્થિતિ એટલે બ્રેઇનડ્રેઇન!!

દેશની અલગ-અલગ આઈ.આઈ.ટી(ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી-IIT) માં કરેલાં સર્વે પ્રમાણે, વિદ્યાર્થીઓને ભારતમાં પોતાની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવાં કોઇ સ્કોપ નથી જણાતાં. આથી તેઓ યુ.કે., યુ.એસ. જઈ સુખ-સગવડોવાળી જિંદગી પસાર કરવાનું વધારે પસંદ કરે છે. એ જ સર્વે મુજબ, મોટાભાગનાં વિદ્યાર્થીઓએ એમ પણ જણાવ્યું હતું કે કામની ગુણવત્તા બાબતે ભારત તથા અન્ય દેશ વચ્ચે કોઇ જ તફાવત નથી. હા, ફક્ત ત્યાંની જાહોજલાલી જોઇને આપણે વિદેશમાં વસવાટ કરવાનું વિચારતાં હોઈએ તો વાત અલગ છે! દર વર્ષે ભારત લાખોની સંખ્યામાં એન્જીનીયર્સ અને ડોક્ટર્સ બહાર પાડે છે. તો શું આપણાં દેશમાં આ બધી પ્રતિભાઓને યોગ્ય સ્થાન પર સમાવી શકવાની શક્તિ છે ખરી? બેરોજગારીનાં આ વાવાઝોડાંમાં કેટલાંય આવાં એન્જીનીયર્સ અને ડોક્ટર્સનો કોઇ અતોપતો નથી!

પ્રભુ સ્વામીનાથનનાં એક અંગ્રેજી પુસ્તક ’વેસ્ટેડ ઈન એન્જીનીયરીંગ’ માં જણાવ્યા પ્રમાણે

ભારતમાં 98% વિદ્યાર્થીઓ ગાડરિયા પ્રવાહમાં તણાઇને એન્જીનીયરીંગ અને ડોક્ટરીનાં કોર્ષ ભણવાં માટે પ્રેરાય છે! ખરેખર તો તેમને કે તેઓનાં માતા-પિતાને આ સિવાયનો કોઇ ગ્રેજ્યુએશન કોર્ષ ઉપલબ્ધ છે એની ખબર પણ નથી હોતી! દેશનાં દરેક નાગરિકને ઉચ્ચ ભણતરનાં વિષયમાં યોગ્ય રીતે માહિતગાર કરવામાં આવે એ જરૂરી છે. ઉપરાંત, દેશની દરેક સંસ્થાઓ કે જે આપણાં વિદ્યાર્થીઓને એક ઈનોવેટીવ પ્લેટફોર્મ આપવાનું કાર્ય કરી રહી છે એનાં વિશે સેમિનારો યોજીને વિશેષજ્ઞો દ્વારા કરિયર કાઉંસેલીંગ કરીને માહિતી આપવી જોઈએ! ભારતમાં ઘણી બધી એવી શિક્ષણ-સંસ્થાઓ કાર્યરત છે જે નવું સાહસ ખેડવાં માંગતાં વિદ્યાર્થીઓને યોગ્ય તક પૂરી પાડતાં રહે છે.

 – નેશનલ ઈનોવેશન ઈન્સ્ટીટ્યુટ:-

– NIF (National Innovation Foundation) નાં ટૂંકા નામે પ્રસિધ્ધ એવી અમદાવાદની આ ઈનોવેશન ઈન્સ્ટીટ્યુટની સ્થાપના સાલ 2000માં થઇ હતી.

– જે ભારતની નવીનત્તમ ખોજ (ઈનોવેશન) પર સંસોધનો કરી જૂની પ્રણાલીમાં જરૂરી એવાં તમામ ફેરફારો કરી વિકાસની આ ગતિનાં મૂળને સતત ટકાવી રાખવાનું કાર્ય કરી રહી છે.

– ભારતભરનાં 585 જિલ્લાઓમાંથી લગભગ 2,25,000 જેટલાં નવાં-નવાં ટેકનોલોજીકલ આઈડિયાને પ્રોત્સાહન આપવાનું ભગીરથ કાર્ય NIF એ કર્યુ છે. જેમાં ‘હની બી નેટવર્ક’નાં સ્વયંસેવકોનું યોગદાન ઘણું જ મહત્વપૂર્ણ રહ્યું છે.

 – રિસર્ચ (શોધખોળ/સંશોધન) ઈન્સ્ટીટ્યુટ:-

– એક સામાન્ય માણસની જીવનશૈલી અને કાર્યદક્ષતાનું સતત અધ:પતન થઈ રહ્યું છે એવાં કિસ્સામાં આવાં બુધ્ધિસભર ભારત પાસે યોગ્ય RD (રિસર્ચ અને ડેવલપમેન્ટ) ઈન્સ્ટીટ્યુટ હોય એ પણ એટલું જ અગત્યનું છે!

“હાલમાં, આપણાં રાજ્યમાં GIDR (ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ) નામની સંસ્થા આ ક્ષેત્રે સક્રિય છે.

ભારત સરકારની ‘સ્ટાર્ટ અપ’ યોજનાને લીધે ઘણાં બધાં વિદ્યાર્થીઓને પોતાનાં ટેલેન્ટને દુનિયા સમક્ષ લાવવાની તક મળી રહે છે. ધીરે-ધીરે કરીને વિદેશગમન કરી ચૂકેલાં ભારતીયોને હવે અહીં ઘણી બધી શક્યતાઓ દેખાઈ રહી છે! છેલ્લાં દશકાંની સરખામણીમાં આજે ભારત પરત આવીને કામ કરતાં યુવાઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તથા જે ભારતીયો વિદેશમાં સ્થાયી થયા છે તેઓ પણ હવે પોતાનાં દેશમાં નાનું-મોટું રોકાણ કરતાં થયા છે કારણકે તેઓને હવે એ વસ્તુનો અહેસાસ થઈ ચૂક્યો છે કે ભારતની પાસે ઘણાં-બધાં વણવપરાયેલાં રિસોર્સિસ છે!

સ્ટાર્ટ-અપ ઈન્ડિયા મિશન

ભારતીય નાણામંત્રી અરૂણ જેટલીનાં સ્વહસ્તે 16 જાન્યુઆરી, 2016નાં રોજ સ્ટાર્ટ-અપ ઈન્ડિયા મિશનની શરૂઆત થઈ. દેશનાં ગામડાંઓમાં આ મિશન ‘દીનદયાલ ઉપાધ્યાય સ્વનિયોજન યોજના’ તરીકે જાણીતું છે. ભારતની નવી પેઢીનાં વિચારોને અને વિવિધ પ્રોજેક્ટ્સને યોગ્ય વાતાવરણ પૂરું પડી રહે તે માટેની પહેલ ભારત સરકારે દેશમાં કરી છે. જેમાં નાણાંની મદદથી માંડીને અન્ય દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખવાં માટે દેશમાં ઘણી-બધી જગ્યાઓએ ઈન્ક્યુબેશન સેન્ટર ખોલવામાં આવ્યા છે.

‘સ્ટાર્ટ-અપ ઈન્ડિયા મિશન’ને રૂપિયા દસ હજાર કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. જેનો લાભ હાલમાં દેશની પાંચ લાખ શાળાઓને તથા તેમાંના વિદ્યાર્થીઓને મળે એવું આયોજન કરવામાં આવ્યું છે. પેટન્ટ રજીસ્ટ્રેશન ફીમાં એંશી ટકા સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે! આ યોજના થકી સરકારનો ધ્યેય, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ તથા દેશની સ્ત્રીઓનાં ઉત્થાનનો અને ભારતનાં સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહન આપવાનો છે.દેશમાં સ્ટાર્ટ-અપ ઈન્ડિયા મિશનને પ્રોત્સાહન મળી શકે તે માટે વિવિધ રાજ્યોમાં ઈન્ક્યુબેશન સેન્ટર ખોલવામાં આવ્યા છે. જે નવાં ધંધાર્થીઓને જરૂરી એવી તમામ સવલતો પૂરી પાડે છે.

 ઈન્ક્યુબેશન સેન્ટર – કાર્યો અને મહત્તા

કોઈપણ નવજાત શિશુને હૂંફાળું વાતાવરણ પૂરું પાડનાર સાધન(પેટી)ને મેડિકલ ટર્મીનોલોજીની ભાષામાં ઈન્ક્યુબેટર કહેવાય છે. એ જ રીતે કોઈપણ નવો ધંધો શરૂ કરનાર ભારતીય નાગરિકને યોગ્ય પ્રકારનાં સ્ત્રોતો મળી રહે એ માટે કાર્યરત એવી સંસ્થાઓને ઈન્ક્યુબેશન સેન્ટર કહે છે. ઈન્ક્યુબેશનની છત્રી નીચે ઘણાં-બધાં કાર્યો થઈ શકે છે. ઈન્ક્યુબેશન સેન્ટર કોઈ પણ નવું સાહસ ખેડનાર વ્યક્તિને નાણાકીય મદદ ઉપરાંત ટેલેન્ટેડ રિસોર્સિસ (કૌશલ્યસભર સ્ત્રોતો) પણ પૂરાં પાડે છે. એકાઉટન્ટ, મેનેજર, ઈન્વેસ્ટમેન્ટ બેન્કર, ફાઈનાન્સિયલ એડવાઈઝર, તથા એડવર્ટાઈઝમેન્ટ એક્સપર્ટ વગેરેનો સમાવેશ થાય છે.NASSCOM (નેશનલ એસોસિયેશન ફોર સોફ્ટવેર એન્ડ સર્વિસીસ)નાં સર્વે મુજબ, ભારતમાં હાલમાં 75 બિલિયન ડોલરની કિંમતનાં 18000 સ્ટાર્ટ-અપ્સ હેઠળ ત્રણ લાખ લોકો રોજગારી મેળવી રહ્યાં છે.

વિશ્વનું સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેશન સેન્ટર ભારતનાં તેલંગણામાં સ્થપાયું છે, જે ભારતનાં 5000 નવાં આઈડિયાને ઈન્ક્યુબેટ કરશે. જેનાં માટે સરકાર દ્વારા બે હજાર કરોડની જંગી રકમ ફાળવવામાં આવી છે! દેશનાં આવાં અલગ-અલગ ઈન્ક્યુબેશન સેન્ટરની યાદી નીચે દર્શાવવામાં આવી છે:-

  1. એન્ટરપ્રીનર ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ (અમદાવાદ)
  2. સેન્ટર ફોર ઈનોવેશન, ઈન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રીનરશીપ (CIIE) – IIM (અમદાવાદ)
  3. ઈનોવેશન એન્ડ એન્ટરપ્રીનરશીપ (IIT – મુંબઈ)
  4. ટેક્નોલોજી બિઝનેસ ઈન્ક્યુબેટર (IIT – દિલ્હી)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.