Abtak Media Google News

ધરમશાલા ખાતે પ્રથમ વન-ડે: હાર્દિક ધવનની વાપસી ટીમને મજબુતી આપશે

આફ્રિકા સામે ૩ મેચની સીરીઝ માટેનો આજે પ્રથમ મેચ ધરમશાલા ખાતે રમાશે પરંતુ વરસાદ કયાંકને કયાંક વેરી બને તેવું લાગી રહ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળશે અને ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થતા વરસાદ પડવાની પણ સંભાવના સેવાઈ રહી છે. ગત વર્ષે ઈન્ટરનેશનલ ટી-૨૦ મેચ ધરમશાલા ખાતે રમાયો હતો તે એક પણ બોલ ફેંકયા વિના રદ થયો હતો જયારે પ્રથમ વન-ડે મેચમાં પણ વરસાદ વેરી બનશે તેવી શકયતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધરમશાલા ખાતે માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડુ પણ ત્રાટકવાની આશંકાઓ છે. આ મેદાન પર ભારત અને આફ્રિકા વચ્ચે ૨૦૧પમાં છેલ્લી ટી-૨૦ મેચ રમાઈ હતી જે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં વ્હાઈટવોશનો સામનો કરનારી ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારથી સાઉથ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં નવી શરૂઆત કરવા આતુર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ મુકાબલો ધરમશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન વિરાટ કોહલીની ટીમ ન્યૂઝીલેન્ડમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી બીજી તરફ સાઉથ આફ્રિકાનું પ્રદર્શન તેનાથી તદ્દન વિપરીત રહ્યું છે. ક્વિન્ટન ડીકોકની આગેવાનીવાળી ટીમે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ૩-૦થી વિજય નોંધાવ્યો હતો. સાઉથ આફ્રિકન ટીમ ૨૦૧૯ના વર્લ્ડ કપ બાદ તમામ ફોર્મેટમાં સાત સિરીઝ બાદ પ્રથમ વખત સિરીઝ જીત્યું છે.

યજમાન ભારતને આ સિરીઝમાં તેના સ્ટાર ઓપનર અને ઉપસુકાની રોહિત શર્માની ખોટ સાલશે. રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે અને તેથી તે સિરીઝમા રમી રહ્યો નથી. તેને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી૨૦ સિરીઝ દરમિયાન ઈજા થઈ હતી. જોકે, રોહિતનો સાથી ઓપનર શિખર ધવન કમબેક કરી રહ્યો છે. રોહિતની ગેરહાજરીમાં તેની જવાબદારી વધી જશે. આ ઉપરાંત લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરે ન્યૂઝીલેન્ડમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને તેમની પાસેથી પણ શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં નિષ્ફળ રહ્યો હતો. કોહલી એવો ખેલાડી છે જે લાંબા સમય સુધી ખરાબ રમતો નથી. ઘરઆંગણે શ્રેણી રમાતી હોવાથી કોહલી પોતાનું ફોર્મ મેળવી લેશે તેવી ક્રિકેટપ્રેમીઓ અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, રોહિતની ગેરહાજરીમાં તેના પર પણ જવાબદારી વધી ગઈ છે.

4. Thursday 2

ભારતીય ટીમ માટે સૌથી મોટી રાહતની વાત હાર્દિક પંડ્યાનું કમબેક છે. હાર્દિક પંડ્યા લાંબા સમય બાદ ટીમમાં પરત ફરી રહ્યો છે. તેને લોઅર બેકની સર્જરી કરાવવી પડી હતી અને તેના કારણે તે લાંબો સમય ક્રિકેટથી દૂર રહ્યો છે. જોકે, તાજેતરમાં તેણે વજન પણ વધારી દીધું છે અને પોતાની રમત અને ફિટનેસ પર આકરી મહેનત કરી છે. તેના આગમનથી ટીમ વધારે બેલેન્સ બની છે. હાર્દિક મિડલ ઓર્ડરમાં બેટિંગમાં ઉપયોગી છે તો બોલિંગ પણ મજબૂત બનશે. બીજી તરફ સાઉથ આફ્રિકન ટીમે ઓસ્ટ્રેલિયાના સૂપડા સાફ કર્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. ટીમ પાસે જાનેમન મલાન, હેનરિક ક્લાસેન અને કેપ્ટન ડીકોક જેવા સ્ટાર બેટ્સમેન છે. જોકે, સ્ટાર ઝડપી બોલર કાગિસો રબાડાની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકાનું બોલિંગ આક્રમણ થોડુ નબળુ લાગી રહ્યું છે. ટીમને રબાડાની ખોટ સાલશે. તેવામાં ટીમ લુંગી નગિડી અને એનરિક નોર્ત્ઝે પર આધાર રાખશે. ભારતે ધરમશાલામાં અત્યાર સુધી ચાર વન-ડે રમી છે જેમાં બેમાં તેણે વિજય નોંધાવ્યો છે જ્યારે બે મેચમાં પરાજયનો સામનો કર્યો છે.

સચિનનો વધુ એક રેકોર્ડ તોડવા ‘વિરાટ’ તૈયાર

Virat 1

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી ઉતરોતર અનેકવિધ રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે અને અનેક ખેલાડીઓના રેકોર્ડ પણ તોડી રહ્યો છે ત્યારે હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. સચિન તેંડુલકરે તેની વન-ડે કેરીયરમાં ૧૨ હજાર રન કુલ ૩૦૦ ઈનીંગમાં પુરા કર્યા છે અને હવે માત્ર ૧૨ હજાર રન માટે વિરાટ કોહલીને ૧૩૩ રનની જ જ‚ર છે ત્યારે સાઉથ આફ્રિકા સામેની ૩ વન-ડે મેચમાં જો કોહલી ૧૩૩ રન કરે તો તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી શકશે એવી જ રીતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટીંગે ૩૧૪ ઈનીંગમાં ૧૨,૦૦૦ રન પુરા કર્યા હતા જયારે શ્રીલંકાના પૂર્વ સુકાની કુમાર સંગકારાએ ૩૩૬ ઈનીંગમાં ૧૨ હજાર પુરા કર્યા છે ત્યારે આફ્રિકા સામેની સીરીઝ વિરાટ કોહલી માટે અત્યંત લાભાન્વિત સાબિત થશે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.