Abtak Media Google News

હાર કર જીતને વાલે કો “મોદી કહેતે હૈ…!

યુરોપીયન દેશ સાથે વેપાર કરવા માટે ભારતને ઉજળી તક

ભારત દેશનાં વડાપ્રધાન દ્વારા દક્ષિણ પૂર્વી અને પૂર્વ એશિયાનાં ૧૬ દેશો વચ્ચે મુકત વ્યાપાર વ્યવસ્થા માટે પ્રાદેશિક સર્વાંગી આર્થિક ભાગીદારી કરાર ન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. બહેશક ભારતની હાર થઈ હોવાનું સામે આવ્યું છે પરંતુ આ હારથી દેશે જે જીત હાંસલ કરી છે તે કંઈક અલગ જ છે. એશિયન અને એફટીએ દેશો સાથે સંધી ન કરતા દેશ માટે યુરોપીયન દેશો સાથે ભાગીદારી અને વેપારસંધી માટે ઉજળી તક ઉભી થઈ છે. જે સમય અમેરિકા દ્વારા જાપાનનાં હિરોસીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા ત્યારબાદ જાપાન દ્વારા સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, તેઓ અમેરિકામાં કોઈપણ ચીજ-વસ્તુઓનું વેચાણ નહીં કરે જે પ્રણાલી હજુ સુધી પણ ચાલુ છે.

બીજી તરફ ચાઈનાને સાઈડલાઈન કરવા માટે વિશ્ર્વ આખું તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે જો ભારત આરસીઈપી કરાર કરે તો તેઓ ચાઈનાનાં નીતિ-નિયમોથી બંધાઈ જાય અને દેશ દ્વારા યુરોપીયન દેશોમાં જે વેપાર કરવાની ઉજળી તક હાંસલ થતી હોય તે પણ ન થાય આ પરિસ્થિતિને અનુરૂપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આરસીઈપી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો ન હોવાનું સામે આવી રહ્યું છે. ભારત દેશ માટે અમેરિકા, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા સાથે વેપાર કરવા માટેનાં દરવાજા ખુલ્યા છે. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર જે રીતે ચાઈના દ્વારા આરસીઈપીમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો તેમાં ભારતને કોઈપણ સંજોગે અનુરૂપ નીતિ-નિયમો ન હતા. હાલ ભારત દેશની અર્થવ્યવસ્થા નબળી હોવાનાં કારણે જો વડાપ્રધાન મોદી અને દેશ દ્વારા આરસીઈપી કરારને માન્ય રાખવામાં આવે તો તેનાથી દેશને ઘણી ખરી નુકસાની પહોંચી શકે તેમ હતી. કરારમાં મુખ્યત્વે એમએસએમઈ ક્ષેત્ર, ડેરી ક્ષેત્ર તથા ખેડુતોને આવરી લેવામાં આવે તે તમામ મુદાઓને સમાવેશ કરવામાં આવ્યો હતો. જે ભારત દેશ માટે સહેજ પણ અનુરૂપ નથી.

આરસીઈપી સમિટમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આરસીઈપી અંતર્ગત કોર હિતો પર કોઈ બાંધછોડ નહીં થાય. પીએમ મોદીએ કહ્યું કે, મેં બધા ભારતીયોના હિતોના સંબંધમાં આરસીઈપી સમજૂતીને માપી, પરંતુ મને કોઈ સકારાત્મક જવાબ ન મળ્યો. ન તો ગાંધીજીના સિદ્ધાંતો અને ન તો મારી અંતરાત્માએ મને આરસીઈપીમાં સામેલ થવાની મંજૂરી આપી. ભારતનું કહેવું છે કે, આરસીઈપી સમજૂતી પોતાની મૂળ ઈરાદાને દર્શાવી રહી નથી અને તેના પરિણામ સંચુલિત અને ઉચિત નથી. ભારતે આ સમજૂતીમાં કેટલીક નવી માંગ મૂકી હતી. ભારતનું કહેવું હતું કે, આ સમજૂતીમાં ચીનને પ્રાધાન્ય ન હોવું જોઈએ,નહીં તો તેનાથી ભારતની વેપાર ખોટ વધશે.

યુપીએના શાસનકાળ દરમિયાન ભારત સરકારે આસિયાન દેશોમાં ૭૪ ટકા માર્કેટ ખોલ્યું, પરંતુ ઈન્ડોનેશિયા જેવા ધનવાન દેશોએ ભારતમાં માત્ર ૫૦ ટકા માર્કેટ જ ખોલ્યું. યુપીએ સરકાર વર્ષ ૨૦૦૭માં ભારત-ચીન એફટીએ માટે સંમત થઈ હતી અને ૨૦૧૧-૧૨માં ચીનની સાથે આરસીઈપી સમજૂતી પર પણ માની ગઈ હતી. સરકારી સૂત્રોનું કહેવું છે કે, આ નિર્ણયોને કારણે સ્થાનિક ઉદ્યોગ હજુ પણ ઝઝૂમી રહ્યા છે. પીએમ મોદીની આગેવાનીમાં આ મુદ્દાઓને હલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એટલે ભારત પાછલા મુદ્દાઓને હલ કર્યા વિના આરસીઈપી અંતર્ગત વધુ એક અસમાન સમજૂતી પર હસ્તાક્ષર નથી કરવા ઈચ્છતું.  એ દિવસો ગયા જ્યારે વેપારના મુદ્દાઓ પર વૈશ્વિક શક્તિઓ દ્વારા ભારત પર દબાણ કરવામાં આવતું હતું. આ અંગે ભારતે ફ્રન્ટ ફૂટ પર રમ્યું અને વેપાર ખાદ પર ભારતની ચિંતીઓને દૂર કરવાની જરૂરિયાત પર પણ ભાર આપ્યો. ભારતના આ વલણથી ગરીબોના હિતોનું રક્ષણ તો થશે જ, સાથે તેનાથી સર્વિસ સેક્ટરને પણ ફાયદો પહોંચશે. આરસીઈપી સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે,આવા નિર્ણયોમાં અમારા ખેડૂતો, વેપારીઓ, પ્રોફેશનલ્સ અને ઉદ્યોગોની પણ ભાગીદારી હોવી જોઈએ. કામગાર અને ગ્રાહક બંને જ સમાન રીતે મહત્વપૂર્ણ છે, જે ભારતને એક વિશાળ બજાર અને ખરીદ શક્તિના મામલે દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવે છે.

પીએમએ કહ્યું કે, આરસીઈપીની કલ્પનાથી હજારો વર્ષ પહેલા ભારતીય વેપારીઓ, ઉદ્યમીઓ અને સામાન્ય લોકોને આ ક્ષેત્રની સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો. સદીઓથી આ સંબંધોએ અમારી સંયુક્ત સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બેંગકોક જતા પહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આરસીઈપી બેઠકમાં ભારત એ વાત પર ધ્યાન આપશે કે શું વેપાર, સેવાઓ અને રોકાણમાં તેની ચિંતાઓ અને હિતોનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં. બધું યોગ્ય રીતે જાણ્યા-સમજ્યા બાદ જ તેના પર વિચાર કરવામાં આવશે. ઉદ્યોગ જગતે પણ આ સમજૂતીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ઉદ્યોગ જગતનું કહેવું હતું કે, આયાત ડ્યુટી ઓછી કરવાથી કે રદ કરવાથી વિદેશથી મોટી માત્રામાં સામાન ભારત આવશે અને તેનાથી દેશના સ્થાનિક ઉદ્યોગોને ઘણું નુકસાન થશે. અમુલે પણ ડેરી ઉદ્યોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આરસીઈપી એક ટ્રેડ એગ્રીમેન્ટ છે, જે સભ્ય દેશોને એકબીજા સાથે વેપારમાં સરળતા આપે છે. એગ્રીમેન્ટ અંતર્ગત સભ્ય દેશોને આયાત અને નિકાસ પર લાગતો ટેક્સ નથી ભરવો પડતો કે પછી ઘણો ઓછો ભરવો પડે છે. આરસીઈપીમાં ૧૦ આસિયાન દેશો ઉપરાંત ભારત, ચીન, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સામેલ થવાની જોગવાઈ હતી, જેમાંથી હવે ભારતે તેમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.