Abtak Media Google News
  • ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ઇંગ્લેન્ડની મક્કમ શરૂઆત
  • ચોથી ઇનિંગમાં બેટીંગ કરતી ટીમને થશે ફાયદો:ધર્મશાલાની પીચ અન્ય મેદાનોની સરખામણીમાં પેસર ફ્રેન્ડલી પિચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. એચપીસીએ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતના દેવદત્ત પડ્ડિકલને ડેબ્યુ કેપ મળી છે. તે ભારત માટે ટેસ્ટ રમનાર 314મો ખેલાડી બન્યો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટિમ ઇન્ડિયાએ ઘણા ફેરફાર કર્યા છે જો કે ટિમ કોન્ટ્રીબ્યુટશનથી અને ફૂલ ફલેઝ ટિમ ન હોવા છતાં ભારતે સિરીઝ અંકે કરી છે. ધર્મશાળા વિશે વધુ એક વાત નોંધનીય છે કે તે સ્પિનરો માટે મનપસંદ મેદાન નથી. અહીં 49 ફર્સ્ટ ક્લાસ મેચોમાં સ્પિનરોની એવરેજ 41.02 અને ફાસ્ટ બોલરોની સરેરાશ 27.90 છે. તેનો અર્થ એ છે કે ધર્મશાલામાં ફાસ્ટ બોલરો મુખ્ય ભૂમિકા ભજવે છે. જો કે ચોથી ઇનિંગમાં બેટરોને ફાયદો પણ મળી શકે તેમ છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે. પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલના દૃષ્ટિકોણથી પાંચમી ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતીય ટીમને શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી હતી. ભારતે પ્રથમ ટેસ્ટ બાદ સતત ત્રણેય મેચ જીતી હતી. આ રીતે ભારતીય ટીમ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 3-1થી આગળ છે. ટીમ ઈન્ડિયા ધર્મશાલા ટેસ્ટ જીતીને શ્રેણી 4-1થી જીતવા ઈચ્છશે. ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર વિના વિકેટે 50 રન થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં 2 ફેરફાર કર્યા છે. આકાશ દીપની જગ્યાએ જસપ્રીત બુમરાહ પરત ફર્યો છે. રજત પાટીદાર ઈજાના કારણે પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો, તેના સ્થાને દેવદત્ત પડ્ડકલે ડેબ્યૂ કર્યું છે.

ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં ધમાકેદાર એન્ટ્રી કરતો “યશસ્વી”

ભારતીય ટીમના ખેલાડી યશસ્વી જયસ્વાલને આઈસીસી ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. પહેલીવાર ટોપ-10 બેટ્સમેનની રેન્કિંગમાં સામેલ થયો છે. ત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સમગ્ર સિરીઝથી બહાર રહેલા વિરાટ કોહલીને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. 9માં સ્થાનેથી 8માં ક્રમે પહોંચી ગયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન ટોપ-10થી બહાર થઈ ગયો છે. 2023માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા જયસ્વાલ 727 પોઈન્ટની સાથે બે રેન્કની છલાંગ લગાવીને 10માં સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલા યશસ્વીએ પહેલા જ એક ટેસ્ટ સીરીઝમાં 600 અને તેનાથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોના એક વિશેષ ક્લબમાં સામેલ થઈને ઈતિહાસ રચી દીધો છે. 22 વર્ષીય જયસ્વાલ સુનીલ ગાવસ્કર, દિલીપ સરદેસાઈ, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીની સાથે ટેસ્ટ ક્રિકેટમાં 600 રનનો આંકડો પાર કરનારા અંદાજિત પાંચમો ભારતીય બેટ્સમેન બની ગયા છે. યશસ્વીએ ચાર ટેસ્ટ મેચોમાં 93.57ના એવરેજથી 655 રન બનાવ્યા છે. જેમાં બે બેવડી સદીનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.