Abtak Media Google News

પૂર્વીય લદ્દાખના ઉમલીંગલા પાસે સમુદ્ર સપાટીથી 19,300 ફૂટની ઉંચાઈ પર રોડનું નિર્માણ કરી ભારતે બોલિવિયાનો રેકોર્ડ તોડી નાખ્યો

ભારત ઉંચાઇના નવા શિખર પર બિરાજમાન થયુ છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અહીં વિશ્વનો સૌથી ઉંચો રોડ બનાવવામાં સફળ થયુ છે. આ રસ્તો પૂર્વી લદ્દાખના ઉમલીંગલા પાસ પર, સમુદ્ર સપાટીથી 19,300 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. આ સાથે ભારતે બોલિવિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્યાર સુધી વિશ્વનો સૌથી ઊંચો રસ્તાનો રેકોર્ડ બોલિવિયાના નામે હતો. અહીં ઉટુરુનસુ જ્વાળામુખી નજીક સ્થિત માર્ગ સમુદ્ર સપાટીથી 18,953 ફૂટની ઉચાઈ પર છે. સંરક્ષણ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી હતી.

આ રસ્તો 52 કિમી લાંબો છે ઉમલિંગલા પાસ દ્વારા પૂર્વી લદ્દાખના ચુમારને  જોડે છે. આ રોડ સ્થાનિક લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. કારણ છે, તે લેહ સાથે ચીસુમલે અને ડેમચોકને જોડવા માટે વૈકલ્પિક માર્ગ આપે છે. આ રોડ બન્યા બાદ લદ્દાખની સામાજિક-આર્થિક સ્થિતિ સુધરશે અને અહીં પ્રવાસનને પણ વેગ મળશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બીઆરઓને આ રોડ બનાવવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેને સતત ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. શિયાળામાં અહીંનું તાપમાન માઇનસ 40 ડિગ્રી સુધી જતું હતું. સામાન્ય સ્થળોએ પણ ઓક્સિજનના સ્તરમાં 50 ટકાનો ઘટાડો જોવા મળે છે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બીઆરઓએ ખરાબ હવામાન હોવા છંતા પણ સંઘર્ષ કરીને મજબૂત મનોબળથી   આ સિદ્ધિ હાંસલ કરી છે.  ઉચાઈની વાત કરીએ તો આ રસ્તો નેપાળમાં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ કરતા વધારે ઉચાઈ પર છે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટનો દક્ષિણ બેઝ કેમ્પ 17,598 ફૂટની ઉચાઈ પર સ્થિત છે. જ્યારે તિબેટમાં સ્થિત ઉત્તરીય બેઝ કેમ્પ 16,900 ફૂટની ઉચાઈ પર છે. તે જ સમયે, તે 17,700 ફૂટની ઉચાઈ પર આવેલા સિયાચીન ગ્લેશિયર કરતાં પણ ઘણી વધારે છે. આ સિવાય, જો આપણે લેહ સ્થિત ખારદુંગ લા પાસ વિશે વાત કરીએ, તો તેની ઉચાઈ માત્ર 17,582 ફૂટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.