Abtak Media Google News

મર્યાદિત ઓવર્સમાં જ મેચ રમાડી લેવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતા

ભારત અને શ્રીલંકા વચ્ચે થનારી લિમિટેડ ઓવર્સની સિરીઝ હવે પહેલાંથી નિર્ધારિત શિડ્યૂલ ૧૩ જુલાઈથી શરૂ નહીં થાય. શ્રીલંકાની ટીમના બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન કોરોના પોઝિટિવ આવ્યા છે. એ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ક્રિકેટ શ્રીલંકાએ આ સિરીઝને થોડા દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવે છે કે આ સિરીઝ હવે ૧૭ જુલાઈથી શરૂ થઈ શકે છે.

પહેલા શિડ્યૂલ મુજબ, વનડે સિરીઝની પહેલી મેચ ૧૩ જુલાઈ, બીજી ૧૬ જુલાઈ અને ત્રીજી વનડે ૧૮ જુલાઈએ રમાવાની હતી, જે બાદ ટી-૨૦ સિરીઝ રમાવાની હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડએ હવે બીસીસીઆઈની સામે ૧૭,૧૯ અને ૨૧ જુલાઈના રોજ ૩ મેચ રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તો ટી-૨૦ ટૂર્નામેન્ટ ૨૪,૨૫ અને ૨૭ જુલાઈના રોજ રમાઈ શકે છે. આ અંગે બીસીસીઆઈ નિર્ણય કરશે.

હાલના સમયમાં એવું પણ મનાઈ રહ્યું છે કે, ભારત-શ્રીલંકા વચ્ચેના વન-ડે મેચ મર્યાદિત ઓવર્સ સાથે રમાડી લેવામાં આવશે. સાથોસાથ બાયોબબલ સહિતની સુરક્ષા વ્યવસ્થામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે, બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિયન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક અને ખતરનાક છે. શ્રીલંકાના ખેલાડીઓને શુક્રવારે જ આઈસોલેશનથી બહાર આવવાનું હતું, પરંતુ હવે ટીમને બે દિવસ વધુ રાહ જોવી પડશે.

આ વચ્ચે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના વધુ એક વખત આરટી-પીસીઆર ટેસ્ટ થશે. એનાં પરિણામ આવ્યાં બાદ જ નિર્ણય લેવાશે કે ભારત વિરુદ્ધ સિરીઝમાં કયા કયા ખેલાડી ભાગ લેશે.

કોરોનાની આ સ્થિતિને જોતાં શ્રીલંકાના બોર્ડે પહેલાંથી વૈકલ્પિક પ્લાન તૈયાર કરી રાખ્યો છે. ખેલાડીઓનાં વધુ બે અલગ-અલગ જૂથ બાયો બબલમાં રાખવામાં આવ્યાં છે. એક ગ્રુપ કોલંબોમાં અને બીજો દાંબુલામાં હાજર છે. જરૂર પડશે તો આ ગ્રુપમાં હાજર ખેલાડીઓને ભારત વિરુદ્ધ સિરીઝમાં ઉતારવામાં આવી શકે છે.

શ્રીલંકાની ટીમ એક મેડિકલ સ્ટાફે જણાવ્યું હતું કે, હાલ એ કહેવું ઉતાવળિયું હશે કે ભારત વિરુદ્ધ કયા ખેલાડી રમશે. બોર્ડ અને મેડિકલ ટીમ સ્થિતિ પર ઓબ્ઝર્વ કરી રહ્યાં છે. આરટી-પીસીઆર ટેસ્ટના બીજા રાઉન્ડ બાદ કંઈ કહી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.