Abtak Media Google News

બાંગ્લાદેશને 150 રનમાં ઓલ આઉટ કરી 254 રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કર્યા બાદ બીજા દાવમાં પણ ભારતની મજબૂત શરૂઆત 182/1: શુભમન ગીલની શાનદાર સદી

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ત્રીજા દિવસે જ પોતાની જીત ફાઇનલ કરી લીધી છે. બાંગ્લાદેશને પ્રથમ દાવમાં 150 રનમાં ઓલ આઉટ કરીને 254 રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કર્યા બાદ ભારતે બીજા દાવમાં પણ મજબૂત શરૂઆત કરતાં એક વિકેટના ભોગે 182 રન બનાવી લીધા છે અને 436 રનની તોતીંગ લીડ હાંસલ કરી લીધી છે. ઓપનર શુભમન ગીલે શાનદાર સદી ફટકારી છે.

બુધવારથી શરૂ થયેલા પ્રથમ ટેસ્ટમાં ભારતના સુકાની કે.એલ. રાહુલે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેતેશ્ર્વર પુજારા, શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્ર્વિનની અડધી સદીની મદદથી ભારતે પોતાના પ્રથમ દાવમાં 404 રનનો વિશાળ ઝુમલો ખડક્યો હતો. જેની સામે બાંગ્લાદેશની ટીમ માત્ર 150 રનમાં ઓલ આઉટ થઇ જતાં ભારતને પ્રથમ દાવના આધારે 254 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. બાંગ્લાદેશને ફોલોઓન કરવાના બદલે રાહુલે બેટીંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. બંને ઓપનરે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. 70 રનના સ્કોરે સુકાની કે.એલ. રાહુલ અંગત 23 રને આઉટ થયો હતો. જો કે, ત્યારબાદ ઓપનર શુભમન ગીલ અને ચેતેશ્ર્વર પુજારાએ ભારતની બાજીને સંભાળી લીધી હતી. બંનેએ બાંગ્લાદેશના તમામ બોલરોની ધોલાઇ કરી હતી. આ દરમિયાન ઓપનર શુભમન ગીલે આક્રમક સદી ફટકારી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે ભારતે 49 ઓવરમાં એક વિકેટના ભોગે 182 રન બનાવી લીધા છે. શુભમન ગીલ 104 અને ચેતેશ્ર્વર પુજારા 42 રન સાથે રમતમાં છે. બંને વચ્ચે બીજી વિકેટ માટે 112 રનની અણનમ ભાગીદારી નોંધાઇ છે. ભારત પાસે હાલ 436 રનની લીડ હોય પ્રથમ ટેસ્ટમાં ભારતની જીત નિશ્ર્ચિત થઇ જવા પામી છે. કારણ કે હજુ બે દિવસની રમત બાકી છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચવા માટે ભારતે બાંગ્લાદેશ સામેની બંને ટેસ્ટ જીતવી ફરજિયાત છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.