ભારતની સંસ્કૃતિ અને સભ્યતા વિશ્ર્વની સૌથી ધનિક સંસ્કૃતિ

અંધશ્રધ્ધા એક સામાજીક કેન્સર

 

આપણાં દેશમાં અંધશ્રધ્ધા આજે ભણેલા માણસોમાં પણ જોવા મળે છે: દંતકથા અને લોકવાયકા પરત્વે અફાટ શ્રધ્ધા ધરાવતા લોકો 21મી સદીમાં તેમાં માને છે: આપણી તમામ પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલ છે

તંત્ર-મંત્ર અને મેલી વિદ્યા જેવી માન્યતાઓમાં માનનારો વર્ગ મોટો છે: આપણે ત્યાં કાળી ચૌદસના દિવસની ઘણી અંધશ્રધ્ધા આજે પણ જોવા મળે છે

વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે માનવીય મનની ત્રુટીમાંથી નિકળેલા ભ્રામક વિચારોને કારણે લોકો ભૂત-પ્રેત કે ડાકણથી ડરે છે. વાસ્તવમાં જોઇએ તો આવુ કશુ છે જ નહી !!

વિજ્ઞાનની નવી શોધ-સંશોધનના યુગ 21મી સદીમાં પણ ભારતીય પ્રજામાં હજી અંધશ્રધ્ધા જોવા મળે છે. શિક્ષિત વર્ગની સાથે નિરક્ષરો આ બાબતે વિશેષ શ્રધ્ધા રાખે છે. આપણી સંસ્કૃતિ અને સભ્યતા વિશ્ર્વની સૌથી ધનિ છે. આપણાં દેશમાં દંતકથા અને લોકવાયકા પરત્વે અંધશ્રધ્ધા રાખનારો વર્ગ મોટો છે. જો કે આપણી ઘણી પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે. તંત્ર-મંત્ર અને મેલી વિદ્યા જેવી માન્યતાઓ આજે પણ સમાજમાં પ્રવર્તે છે. દિવાળી પહેલાના કાળી ચૌદશ વિશે ઘણી ગેરમાન્યતાઓ સમાજમાં છે.

આપણે જાગૃતિ માટે અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમ આ ઇન્ફરર્મેશન-ટેકનોલોજીના યુગમાં ચલાવવો પડે એ શરમજનક બાબત છે. લોકો સવારથી સાંજ વિવિધ પ્રકારની અંધશ્રધ્ધામાં આસ્થા રાખી રહ્યા છે. પશુ-પંખી અને પ્રાણીઓને પણ અંધશ્રધ્ધા સાથે જોડી રહ્યા છે. જ્ઞાન-વિજ્ઞાનની સદીમાં ભારતીય પ્રજાજનો હજી અંધશ્રધ્ધામાં જીવી રહ્યા છે. આપણી ઘણી પરંપરાઓમાં વિજ્ઞાન જોડાયેલું છે. જેમાં હાથજોડીને નમસ્તે કરવું, પગમાં વીટી પહેરવી, કપાળે તિલક કરવું, નદીમાં સિક્કો ફેકવો, મંદિરમાં ઘંટ વગાડવો, મસાલાવાળા ખોરાક બાદ મિઠાઇ ખાવી, હાથ-પગમાં મહેંદી મુકવી, જમીન પર બેસીને જમવું જેવી વિવિધ પરા પાછળ સાયન્સ જોડાયેલું છે.

આવી બધી વાતો એકબીજા સાંભળે અને તેનો પ્રચાર-પ્રસાર કરતાં અન્ય લોકો પણ અંધશ્રધ્ધામાં માનવા લાગે છે. આજે તો શાળા-કોલેજમાં અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમો થતા હોવાથી આગામી ભાવી પેઢી તેનાથી દૂર થશે એવું સૌ વિચારી રહ્યા છે. અંધશ્રધ્ધાએ ચિંતા અને ચિંતનનો વિષય છે. હાથની આંગળીમાં ગ્રહના નંગની વિંટી પહેરનારને અંધશ્રધ્ધાળુ કહેશો કે શ્રધ્ધાળુ ?

આપણે વિશ્ર્વાસ-ભરોસો જેવા શબ્દો શ્રધ્ધાને બદલે વાપરીએ છીએ પણ પરિવારમાં વડિલોની વાત-પરંપરા જેવી રીત-રસમો સામે અવાજ ઉઠાવી શકતા નથી. નાસ્તિક અને આસ્તિકની જેમ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા છે. શ્રધ્ધામાં અંધતા મળે એટલે અંધશ્રધ્ધા બને છે.

આજે સુખી-સંપન્ન ભણેલ ગણેલ માણસો પણ પોતાના ઘર દ્વારે મરચા-લીંબુ લટકાવતો જોવા મળે છે. અંધશ્રધ્ધા સાથે જ્યારે અફવા ભળે છે ત્યારે ગંભીર બને છે. કોરોના રસીકરણના કાર્યક્રમમાં પણ ઘણાએ અંધશ્રધ્ધાને કારણે રસી મુકાવી નથી. કેટલાક તો આજના યુગમાં પણ ‘માતાજીની આડી છે’તેવી દલીલ આગળ ધરે છે. આપણાં દેશમાં આજે પણ અંધશ્રધ્ધા લોકોમાં પ્રબળ બની છે. શિક્ષકો અંધશ્રધ્ધા નિવારણમાં શ્રેષ્ઠ કાર્ય કરી શકે તેમ છે.

કાળી ચૌદશ સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. આ દિવસે રાત્રે ઉપાસનાનું અનેરૂ મહત્વ છે. આ દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુ દેવતા યમરાજનો દિવો કરવામાં આવે છે. કાળી ચૌદશમાં પ્રથમ બે અક્ષર કાળો (બ્લેક) કલર સુચવે સાથે કાળી રાત્રી પુનમ પહેલાનો દિવસ અંધારી રાત્રી બાદ જ પ્રકાશ પર્વ દિવાળી આવે છે. આજની 21મી સદીના વિજ્ઞાન અને ઇન્ફરમેશન ટેકનોલોજી યુગમાં પણ દેશની પ્રજામાં કાળી ચૌદશની અશુભ-અંધશ્રધ્ધા માન્યતાઓ યથાવત છે. તેના નિવારણ કાર્યો સાથે જનમાનસમાં બદલાવ લાવવાની જરૂર છે.

સમગ્ર દેશમાં આ પરત્વે સૌ પ્રથમ ઝુંબેશ જાણીતા વૈજ્ઞાનિક પ્રો.યશપાલે શરૂ કરી હતી. તેમણે જણાવેલ કે બાળકોને પાયાના શિક્ષણ સાથે વૈજ્ઞાનિક અભિગમ કેળવો. જ્યાં સુધી આ બાબતે સક્રિય કાર્ય નહી થાય ત્યાં સુધી લોકોમાં અંધશ્રધ્ધા ચાલુ રહેશે. ભાવી નાગરિકોને જનજાગૃતિમાં જોડીને જ્યાં સુધી કાર્ય નહીં થાય ત્યાં સુધી વિકાસ શક્ય નથી. બાળથી મોટેરામાં ખોટી માન્યતાઓ આંધળી શ્રધ્ધા ચાલુ રહેશે ત્યાં સુધી ધતીંગ કરનારાઓ સંખ્યા વધતી જ રહેશે.

કાળી ચૌદશની ભયાનકતા, ગેરમાન્યતાઓ, ક્રિયા કાંડો, કુરિવાજો જેવી વિવિધ માન્યતાઓ દૂર કરવાનો સમય આવી ગયો છે. આજે સમગ્ર વિશ્ર્વ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ને આકાશમાં ફરતા વિવિધ ગ્રહો ઉપર પણ માનવી પહોંચી ગયો છે ત્યારે પણ હજી “બિલાડી” આડી ઉતરી જેવી વાતો આપણે કરીએ તે કેટલે અંશે તથ્ય છે.

કાળી ચૌદશના દિવસે ઘરમાંથી કકડાટ કાઢવા માટે ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા-વડા મુકવાની પ્રથા છે. તેને કાયમી દફનાવી અનાજ-પાણીનો બગાડ બંધ કરવો જોઇએ. વર્ષોેથી આપણે કકડાટ કાઢીએ છીએ ખરેખર નિકળ્યો છે? ના આવી ખોટી પ્રથા વિજ્ઞાનયુગમાં બંધ કરવી એજ પ્રકાશ પર્વ 2020નો સંકલ્પ હોવો જોઇએ. કાળી ચૌદશની કાલ્પનિક કથાઓ અવૈજ્ઞાનિક છે, બોગસ સાબિત થઇ છે. આજનો યુવાન હવે જાગૃત થતાં આ દિવસે સ્મશાનમાં વડા ખાવાનો કાર્યક્રમ કરે છે. કશુ જ થતું નથી લોકોએ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. કાળી ચૌદશને મેલી વિદ્યા સાથે જોડીને વર્ષોથી ઘણી માન્યતાઓ લોકોમાં વ્યાપેલી છે. જે વૈજ્ઞાનિક અભિગમ વગર દૂર કરવી અશક્ય છે. એઇડ્સ અને હાલનો કોરોના વાયરસ આપણે જનજાગૃતિથી જ નાથી શક્ય છીએ, ત્યારે અંધશ્રધ્ધા બાબતે પણ લોકોએ વિચાર સરણીમાં બદલાવ લાવવો પડશે. જન-જન જાગે  અંધશ્રધ્ધા ભાગે.

વધુ પડતી શ્રધ્ધા અંધશ્રધ્ધામાં પરિણમે!!

આજનો માનવી બધા જ અદ્યતન સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે પણ તેજ માનવી અંધશ્રધ્ધામાં પણ માને છે. અંધશ્રધ્ધાયુક્ત વલણ, જુનવાણી વિચારો, ચમત્કારો સાથે તેના પ્રચાર-પ્રસાર કરતાં પુસ્તકો અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપે છે. આવી વાતોનો પ્રચાર પણ ઝડપી થતો હોવાથી લોકો આવી વાતોમાં ઝડપથી આવી જતાં હોય છે અને માનસિક પછાતતા તરફ ઢળે છે. શિક્ષણથી વિચારોમાં પરિવર્તન આવેને આજે તો શિક્ષણની બોલબાલા છે ત્યારે આવી વાત ન જ માનીને બીજાને પણ જાગૃત કરીએ એજ સંકલ્પ કે કાર્ય દરેક ભારતીયનું હોવું જોઇએ. વધુ પડતી શ્રધ્ધા જ અંધશ્રધ્ધામાં પરિણમે છે. પુજા રાત્રે કરો કે દિવસે શું ફરક પડવાનો તેવી જ રીતે કાળી ચૌદશને દિવાળી એક જ દિવસે આવે તો શું આપણે તેને અશુભ કહીશું. રોગની સારવારમાં કાળો દોરો બાંધવાથી નહી દવાખાને ડોક્ટર પાસે જઇને દવા લેવાથી સાજા થઇ જવાય છે.