Abtak Media Google News

ડોલર સામે પાકિસ્તાનનો રૂપિયો 224એ પહોંચ્યો, જ્યારે ભારતનો રૂપિયો 80એ

ભારતનો રૂપિયો નાપાક કરતા તો સારો છે. નાપાક પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે છેક 224એ પહોંચી ગયો છે. જ્યારે ભારતીય રૂપિયો પાકિસ્તાનની તુલનાએ ઘણી મજબૂત સ્થિતિમાં ઉભો છે. હાલ ભારતીય રૂપિયો ડોલરની સામે 80એ છે.  ડોલર સામે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે. રૂપિયાના મૂલ્યમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો થયો છે અને તે 80ના સ્તર આસપાસ પહોંચ્યો છે. જો કે આ માત્ર ભારતીય રૂપિયા સાથે જ નથી થઈ રહ્યું, વિશ્વભરમાં ચલણની સ્થિતિ ડોલર સામે નબળી પડી રહી છે.  આજે પાકિસ્તાનના રૂપિયામાં પણ રેકોર્ડ ઘટાડો થયો છે.  ભારતીય રૂપિયાની સાથે સાથે પાકિસ્તાની રૂપિયો પણ ડોલર સામે નબળો પડ્યો છે.

પાકિસ્તાની રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે.  કારોબાર દરમિયાન પાકિસ્તાની રૂપિયો 224ની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગઈકાલે પાકિસ્તાની રૂપિયામાં 3 ટકાથી વધુની નબળાઈ જોવા મળી છે.  ત્યાં તાજેતરની ચૂંટણીના પરિણામોને કારણે રોકાણકારોમાં એક નવી ચિંતા વધી ગઈ છે.  જેના કારણે ડોલરમાં ડરના કારણે જોરદાર ખરીદી જોવા મળી છે. વાસ્તવમાં, પીટીઆઈએ પેટાચૂંટણીમાં વધુ જીત નોંધાવી છે અને વહેલી ચૂંટણીની માંગ કરી છે.  આ સાથે ફિચે પાકિસ્તાનના આઉટલુકને સ્થિરથી ડાઉનગ્રેડ કરીને નેગેટિવ કરી દીધું છે, જેના કારણે ત્યાંના રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે.

એક વર્ષમાં પાકિસ્તાનનો રૂપિયો ભારતના રૂપિયા કરતા 28 ટકા નબળો પડ્યો

ભારતીય રૂપિયાની સામે પાકિસ્તાની રૂપિયાની કામગીરીમાં પણ ઘટાડો નોંધાયો છે અને પાકિસ્તાનનું ચલણ ભારત કરતા નીચા સ્તરે પહોંચી ગયું છે.  ગયા વર્ષે જુલાઈમાં એક ભારતીય રૂપિયો 2.1 પાકિસ્તાની રૂપિયાથી ઉપર હતો.  હાલમાં તે 2.7ના સ્તરની નજીક છે.  એટલે કે એક વર્ષમાં પાકિસ્તાનનો રૂપિયો ભારતીય રૂપિયાની સામે 28 ટકા નબળો પડ્યો છે.

એક વર્ષમાં ભારતીય રૂપિયો 7.3 ટકા તૂટ્યો, પાકિસ્તાનનો રૂપિયો 39  ટકા તૂટ્યો

પાડોશી દેશ પાકિસ્તાનની તુલનાએ ભારતીય ચલણ ઘણી સારી સ્થિતિમાં છે.  છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો 74.5 ના સ્તરથી 80 ના સ્તર પર આવી ગયો છે. એટલે કે તેમાં 7.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.  તે જ સમયે, પાકિસ્તાનનો રૂપિયો 160 ના સ્તરથી તૂટીને 224 પર પહોંચી ગયો છે, એટલે કે, તે 39 ટકા સુધી ગગડી ગયો છે.  તે જ સમયે, શ્રીલંકન રૂપિયો એક વર્ષમાં 196 ના સ્તરથી તૂટીને 359 પર બંધ થયો છે, એટલે કે, તે 83 ટકા ઘટી ગયો છે.  ભારત સાથે બાંગ્લાદેશની સ્થિતિ પણ સારી છે.  એક વર્ષમાં બાંગ્લાદેશનો ટાકા 83ના સ્તરથી ઘટીને 94ના સ્તરે આવી ગયો છે.  એટલે કે તેમાં 13 ટકાનો ઘટાડો થયો છે.  એટલે કે, આ આધાર પર, ભારતનો રૂપિયો આ ત્રણેય ચલણો સામે મજબૂત થયો છે કારણ કે ડોલર સામે તેનો ઘટાડો બાકીના ચલણો કરતાં ઓછો રહ્યો છે.

પાકિસ્તાનના અર્થતંત્ર સામે અનેક સંકટના વાદળો

પાકિસ્તાન વિદેશી દેવાના બોજથી દબાયેલું છે અને લોનની પણ સતત માંગ કરી રહ્યું છે.  રૂપિયો નબળો પડવાથી પાકિસ્તાનની દેવાની કિંમતમાં વધારો થશે, જ્યારે ઈંધણનું આયાત બિલ પણ વધશે.  તેનાથી પાકિસ્તાનની પહેલાથી જ નબળી અર્થવ્યવસ્થા વધુ દબાણમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.