Abtak Media Google News

દવા ક્ષેત્રની વેપારતુલા મજબુત આયાત કરતા નિકાસ વધી

વર્ષ 2020-21 દરમિયાન દવાની આયાત 28,529 કરોડ રહી જયારે નિકાસ 32,856 કરોડે પહોંચી

કોરોના મહામારીની અસરો છોડી હવે ભારતીય અર્થતંત્ર ટકાઉ અને લાંબાગાળાના મજબૂત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. લોકડાઉન તેમજ અન્ય કડક પ્રતિબંધ હટતા ઉત્પાદન પ્રવૃત્તિએ ફરી વેગ પકડ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગાડી ફરી વેગવંતી બનતા બેલેન્સ ઓફ ટ્રેંડમાં ભારતનું સારૂ એવું પ્રદર્શન રહ્યું છે. ઉત્પાદન વધતા ઉત્પાદકતામાં પણ વધારો આવ્યો છે. તો આ સાથે નિકાસ પણ નોંધપાત્ર દરે વધી છે. ઉત્પાદકતા અને નિકાસના વિકાસએ દેશના અર્થતંત્રને ફરી દોડતું કરી દીધું છે.

જુલાઈ માસથી ભારતીય બજાર ટનાટન રહેશે તેમ અર્થશાસ્ત્રીઓ તેમજ બજાર વિશ્લેષકોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો જે મુજબ જ હવે અર્થતંત્ર પાટે ચડી ઝડપભેર આગળ વધી રહ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ માહિતી આપતાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ભારતની વેપાર તુલા વધુ મજબૂત બની છે. આયાત કરતાં નિકાસમાં વધારો નોંધાયો છે. આરોગ્યક્ષેત્રે દવા ઉદ્યોગ તેમજ તેના કાચા માલની આયાત-નિકાસ અંગે લોકસભામાં વાત કરતાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21 માટે, ફાર્માસ્યુટિકલ ઘટકોની આયાત રૂ. 28,529 કરોડ હતી જ્યારે નિકાસ રૂ. 32,856 કરોડ રહી.

નાણાકીય વર્ષ 2019-20માં ભારતમાં API- એટલે કે એક્ટિવ ફાર્માસિયુટીકલ ઈનગ્નરિડન્સ અને તેનું બજારનું કદ 96,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે એમ મંત્રી મનસુખ માંડવીયાએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. ડિરેક્ટોરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ (DGCIS)ના ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2020-21 માટે API આયાતનો જથ્થો 3,90,476 મિલિયન ટન હતો જ્યારે નિકાસનો જથ્થો 3,24,331 મિલિયન ટન હતો.

મંત્રી માંડવિયાએ વધુમાં જણાવતા ગૃહમાં માહિતી આપી કે  ફાર્માસ્યુટિકલ્સ વિભાગ એપીઆઈના ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ત્રણ યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે. જેથી તેમનો ટકાઉ સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત થાય અને ભારતને દવા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી શકાય. આ ત્રણ યોજનામાં ડ્રગ ઇન્ટરમિડિયેટ્સ અને સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોના ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ, બલ્ક ડ્રગ પાર્ક્સના પ્રોત્સાહન માટેની સ્કીમ, અને ફાર્માસ્યુટિકલ્સ માટે પણ પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજનાનો સમાવેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.