Abtak Media Google News

ડીઆઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારની બદબુ

ચૂંટણી સમયે શાસકો દ્વારા વર્ષોથી અડધી કલાક પાણી આપશુ અને બજેટમાં પણ ૨૪ કલાક પાણીની ગુલબાંગો ફેકતા આવ્યા છે અને પાણીના ઠાલા વચનો અપાય છે. પરંતુ વચન સુરા શાસકો વિસ્મૃતિ રોગથી પીડાય છે આજે રાજકોટના વોર્ડ નંબર ૭,૧૩,૧૪ અને ૧૭માં પોણા બે લાખ લોકોને પાણીકાપ વેઠી રહ્યા છે.

સપ્તાહમાં એકાદ વખત ગમે તે વોર્ડમાં પાણીકાપ મૂકી દેવામાં આવે છે. ટેકનિકલ કારણોસર, રીપેરીંગ અને પાણીના ટાકાઓ સફાઈના બહાના તળે શહેરમાં આડકતરો પાણીકાપ ચાલી રહ્યો હોય તેમ નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.આમ તો શહેરમાં ડીઆઇ પાઇપ લાઇનનું કામ વર્ષોથી ચાલે છે અને ક્યારે પૂર્ણ થશે એ હજુ નક્કી નથી વોર્ડ નંબર વોર્ડ નંબર ૭ વોર્ડ નંબર ૧૪માં ડીઆઇ પાઇપ લાઇન ના ગોકળગાયની ગતિએ ચાલતા કામો ને પગલે મુખ્ય રસ્તા પરના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા અને કોંગ્રેસને આંદોલન કરવાની ફરજ પડી હતી.

તત્કાલીન સમયે ધરપકડો વહોરી હતી. વેપારીઓને સાથે રાખી લક્ષ્મીવાડી મેઇન રોડ પર આંદોલન કરતા તાત્કાલિક પાઇપલાઇનનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરી ખાડા બૂરી ડામર રોડ કરાયો હતો.વોર્ડ ૭ અને વોર્ડ નં.૧૪માં આજની તારીખે ડીઆઇ પાઇપ લાઇનનું કામ હજુ પણ ૫૦ ટકામાં જ થયું છે. વોર્ડ ૭ અને ૧૩ મધ્યમાં આવેલા કેનાલ રોડ પર ડીઆઇ પાઇપ લાઇનમાં પાણી ફોલ્ટ અને પાણીનો વેડફાટનું એ પી સેન્ટર ગણાય છે.

વખતોવખત ફરિયાદો આવી રહી છે. આ બંને વોર્ડમાં જે વિસ્તારોમાં ડીઆઇ પાઇપ લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તે ખામીયુક્ત છે અને આ પાઇપલાઇનમા ભ્રષ્ટાચારની બદબુ આવી રહી છે. આ વિસ્તાર ના લોકો નવી પાઇપ લાઇન ને પગલે ત્રાહિમામ પોકારી ગયા છે શાસકોએ દાવો કરેલ કે નવી પાઇપલાઇન આવશે એટલે પાણી સમસ્યાનો અંત આવશે પરંતુ નવી પાઇપલાઇનને પગલે વોર્ડમાં પાણીની લાઇન ફોલ્ટ ની ફરિયાદો માં શહેરમાં આ બંને વોર્ડ અવ્વલ નંબરે છે. જે મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મોજૂદ છે.

શાસકો દ્વારા નર્મદા નામે રાજકીય રોટલો શેકી ’સૌની યોજના’ માં સૌરાષ્ટ્રના ડેમો ભરી દેવાયા બાદ શાસકોની અણઆવડતને પગલે પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે અને છાશવારે પાણીકાપ ઠોકી બેસાડાય છે. ડહોળા ગંધાતા, અપૂરતા પાણી ની અને પાણીનો વેડફાટ ની વ્યાપક ફરિયાદો છે. જે પ્રત્યે મહાનગરપાલિકાનું તંત્ર ગંભીર નથી તેમ પ્રવીણ રાઠોડ અને ગજુભા ઝાલાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.