Abtak Media Google News

મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઇસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે: કેજરીવાલ

 

અબતક, નવી દિલ્લી

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં આ નવા વેરિયન્ટના 1700 જેટલા કેસ સામે આવ્યા છે. તેમાંથી 639 લોકો સાજા થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે. દેશના 23 રાજ્યોમાં ઓમિક્રોનના દર્દીઓ છે. દેશભરમાં એક દિવસમાં કોરોનાના 33,000થી વધારે કેસ નોંધાયા છે.દેશની રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સવારે ટ્વિટ કરીને પોતે પણ કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે તેઓ હળવા લક્ષણ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિયન્ટ હોય કે ડેલ્ટા વેરિયન્ટ, અત્યારે મોટાભાગના દર્દીઓમાં સામાન્ય લક્ષણો જ જોવા મળતા હોય છે.

અરવિંદ કેજરીવાલે ટ્વિટમાં લખ્યું છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. હું ઘરમાં જ આઈસોલેટ થઈ ગયો છું. જે લોકો પાછલા થોડા સમયમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે જાતે જ પોતાને આઈસોલેટ કરે અને કોરોનાનો ટેસ્ટ પણ કરાવે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ ટ્વિટ પર તેમના પ્રશંસકો, દિલ્હીના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો કમેન્ટ કરીને તેમને વહેલીતકે સાજા થઈ જવાની શુભકામના પાઠવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દેશભરમાં 15થી 17 વર્ષના બાળકો માટે રસીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સોમવારના રોજ 40 લાખથી વધારે બાળકોને રસી આપવામાં આવી હતી.

દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. તેવી સ્થિતિમાં રસીને જ એક મહત્વનું હથિયાર માનવામાં આવે છે. તમામ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે કોરોની સ્થિતિ વકરે નહીં તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે અને ઘરમાંથી બહાર નીકળો ત્યારે અવશ્ય માસ્ક પહેરી રાખવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વધતા સંક્રમણને પગલે આજે સવારે 11 વાગે ડીડીએમએની બેઠક પણ મળી છે. જેમાં કોરોનાના હાલાત પર સમીક્ષા કરવામાં આવી હતી.. દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનું રેડ અલર્ટ પણ જાહેર થઈ શકે છે. જેમાં ટોટલ કરફ્યૂ જેવા પ્રતિબંધો લાગૂ થતા હોય છે. હાલ રાજધાનીમાં યલ્લો અલર્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.