Abtak Media Google News
  • સરકારે ચોથા રાઉન્ડની બેઠકમાં મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રસ્તાવ મુક્યો: ખેડૂતો આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં પ્રસ્તાવ મુદ્દે પોતાનો મત રજૂ કરશે

Nationa News : ખેડૂત આંદોલનને પગલે સરકાર અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાટાઘાટોનો ચોથો રાઉન્ડ પૂર્ણ થયો છે. જેમાં સરકારે પાંચ વર્ષ માટે ચાર પાક પર ટેકો આપવાની તૈયારી દર્શાવી છે. સરકારે કહ્યું કે જો ખેડૂતો મસૂર, અડદ, મકાઈ અને કપાસ ઉગાડે છે, તો સરકારી સંસ્થાઓ તેના પર એમએસપીની ખાતરી આપવા તૈયાર છે.

Farmers March

રવિવારે સાંજે ચંદીગઢમાં કેન્દ્રીય પ્રધાનો અને ખેડૂત નેતાઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત હકારાત્મક વાતાવરણમાં થઈ હતી. બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે ખેડૂત નેતાઓ સાથે સકારાત્મક ચર્ચા અને વિગતવાર ચર્ચા થઈ. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે હજારો આંદોલનકારી ખેડૂતો પંજાબ-હરિયાણા બોર્ડર પર પડાવ નાખી બેઠા છે. કેન્દ્ર તરફથી, ત્રણ પ્રધાનો – કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય ખેડૂતો સાથેની બેઠકમાં હાજરી આપી હતી.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે સરકાર પાંચ વર્ષ માટે ચાર પાક પર ટેકો આપવા તૈયાર છે. આ સાથે ખેડૂતોને સરકારી એજન્સીઓ દ્વારા 4 પાકને પાંચ વર્ષ માટે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવાની દરખાસ્ત કરવામાં આવી છે. નેશનલ કોઓપરેટિવ ક્ધઝ્યુમર ફેડરેશન ( એનસીસીએફ) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા ( નાફેડ) જેવી સહકારી સંસ્થાઓ દાળ, અડદ, મસૂર, કપાસ અથવા મકાઈ ઉગાડતા ખેડૂતો સાથે કરાર કરશે.

તેમનો પાક આગામી પાંચ વર્ષ માટે એમએસપો પર ખરીદવામાં આવશે. ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ આગામી બે દિવસમાં સરકારની દરખાસ્ત પર તેમના ફોરમ પર ચર્ચા કરશે અને પછી ભવિષ્યની યોજનાઓ નક્કી કરશે. કેન્દ્રના પ્રસ્તાવ પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, અમે 19-20 ફેબ્રુઆરીએ અમારા ફોરમ પર તેની ચર્ચા કરીશું અને આ સંદર્ભે નિષ્ણાતોના અભિપ્રાય લઈશું અને તે મુજબ નિર્ણય લઈશું. એટલે કે આજે અને આવતીકાલે ચર્ચા કર્યા બાદ કોઈ પરિણામ આવવાની શક્યતા છે.

લોન માફી સહિતની માંગણીની ચર્ચા હજુ બાકી, સમાધાન નહિ થાય તો 21મીએ દિલ્હી કુચ કરાશે

ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, લોન માફી અને અન્ય માંગણીઓ પર ચર્ચા બાકી છે અને અમને આશા છે કે આગામી બે દિવસમાં તેનો ઉકેલ આવી જશે. તેમણે કહ્યું કે દિલ્લી ચલો કૂચ હાલમાં રોકી દેવામાં આવી છે, પરંતુ 21 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે ફરી શરૂ થશે. તમામ મુદ્દાઓ ઉકેલાયા નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાનો અને ખેડૂત નેતાઓ અગાઉ 8, 12 અને 15 ફેબ્રુઆરીએ મળ્યા હતા પરંતુ વાટાઘાટો અનિર્ણિત રહી હતી. પંજાબના વિરોધ કરી રહેલા ખેડૂતો 13 ફેબ્રુઆરીથી હરિયાણા-પંજાબ બોર્ડર પર શંભુ અને ખનૌરી પોઈન્ટ પર કેમ્પ કરી રહ્યા છે, જ્યારે પોલીસે તેમની દિલ્હી ચલો કૂચને અટકાવી દીધી હતી.

ઘટતા ભૂગર્ભજળના સ્તરને બચાવવા માટે પાકનું વૈવિધ્યકરણ જરૂરી: ખેડૂતો

ખેડૂતોના જણાવ્યા અનુસાર પંજાબ અને હરિયાણામાં ઘટતા ભૂગર્ભજળના સ્તરને બચાવવા માટે પાકનું વૈવિધ્યકરણ જરૂરી છે. તે જોતા સરકારે આગળ આવીને આ દરખાસ્ત કરી છે અને મોટાભાગના ખેડૂતોએ સૈદ્ધાંતિક સંમતિ આપી છે. દરમિયાન, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, જે બેઠકમાં હાજર હતા, બહાર આવ્યા અને કહ્યું કે પાકનું વૈવિધ્યકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો સરકાર વૈકલ્પિક પાકો પર એમએસપીની બાંયધરી આપે. આ પછી, અન્ય પાકો પણ તેની હેઠળ લાવી શકાય છે. અમે કેન્દ્રના આ પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનોના પ્રતિભાવની રાહ જોઈશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.