Abtak Media Google News

 

Advertisement

મધ્યપ્રદેશમાં જમીનના ભાગના પ્રશ્ર્ને બે વર્ષથી ચાલતા વિવાદના કારણે પથ્થરના ઘા મારી બે પિતરાઇએ ઢીમઢાળી દીધાની કબુલાત

 

રાજકોટ,અબતક

સરધાર-હરીપર માર્ગ પર બે દિવસ પહેલાં બપોરે લોહીલુહાણ હાલતમાં યુવાનનો મૃતદેહ અને તેની બાજુમાં ઘવાયેલા માસુમ બાળક મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવી હત્યાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો છે. મધ્યપ્રદેશ ખાતેની જમીનના વિવાદના કારણે બે પિતરાઇએ પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરી છે. ગંભીર રીતે સારવાર માટે દાખલ કરાયેલા માસુમ બાળકનું અમદાવાદ હોસ્પિટલમાં મોત નીપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો છે.

સરધારથી હરીપર તરફ જતા માર્ગ પરથી લોહીલુહાણ હાલતમાં યુવાનની લાશ પડી હોવાની રાહદારીએ પોલીસને જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે.ચાવડા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે તેની પાસે એક બે વર્ષનો બાળક પણ ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેની પાસે સાઇકલ પડી હોવાથી મૃતક ખેત મજુર હોવાનું અને પરપ્રાતિય હોવાની શંકા સાથે તપાસ કરતા મૃતક પાસેથી મળી આવેલા આધારકાર્ડના આધારે તે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર નજીકના ભાભરા તાલુકાના દેહડવા ગામના વતની વિરસીંગ મહોબતભાઇ શીંગાળ નામના 27 વર્ષના પરપ્રાંતિય યુવાનનું બહાર આવ્યું હતું.

મૃતક વિરસીંગ સરધારના હરેશભાઇ પાનસુરીયાની વાડીએ મજુરી કામ કરતો હોવાનું અને તે પોતાના બાળક અને પત્ની જાનુબેન સાથે રહેતો હોવાનું બહાર આવતા પોલીસે જાનુબેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. હત્યાનો ભેદ ઉકેલવા એસીપી એચ.એલ.રાઠોડ, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી અને પીએસઆઇ પી.એમ.ધાખડા સહિતાના સ્ટાફે મૃતકના પરિવારની પૂછપરછ કરતા મૃતકના પિતરાઇ કલમસીંગ ઉર્ફે કમલેશ ગુલાબ શીંગાળ અને રમેશ શંકર શીંગાર સરધાર પાસે ખેત મજુરી કરતા હોવાનું અને તેઓ જોવા ન મળતા પોલીસે બંને શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. બંને શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવલ, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે બંને શખ્સોને સરધાર ખાતેથી ઝડપી પૂછપરછ કરતા તેઓ પોતાના વતનમાં જતા હોવાનું જણાવ્યું હતું.

બંને શખ્સોની પૂછપરછમાં તેઓના ભાઇ વીરસીંગ શીંગળનું મોત થયું હોવાથી વતન જતા હોવાની કરેલી સ્ટોરી શંકાસ્પદ જતા બંને શખ્સોની આકરી પૂછપરછ કરતા તેઓએ હત્યાની કબુલાત આપી હતી વતન ભાભરા ખાતે જમીનના ભાગ પાડવાના પ્રશ્ર્ને બે વર્ષથી વિવાદ ચાલતો હોવાથી હત્યા કરી હોવાની કબુલાત આપતા બંનેની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. માસુમ બાળક સચિનને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું મોત નીપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.