રાજકોટમાં ભરવાડના બે જૂથ વચ્ચે થયેલી બઘડાટીમાં વધુ એક નોંધાતો ગુનો

અબતક રાજકોટ

કરણપરા, પ્રહલાદ પ્લોટ અને રાજશ્રી સિનેમા પાસે ગમારા અને ચાવડીયા વચ્ચે થયેલી બઘડાટી અંગે ચાવડીયા જૂથે પોલીસમાં ફરિયાદ ન નોંધાવતા એ-ડિવીઝન પી.આઇ ખુદ સરકાર પક્ષે ફરિયાદી બની  17 સામે ગુનો નોંધ્યો છે પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી છે.

ચાવડીયા જુથે ફરિયાદ ન નોંધાવતા પોલીસ ફરિયાદી બની :17 સામે ગુનો નોંધાયો :7ની ધરપકડ

કરણપરામાં રાજેશ્રી સિનેમા પાસે આવેલી કનુભાઇ ગોબરભાઇ ગમારાની ચાની દુકાને સોમવારે બપોરે ભરત ગમારા સહિતના લોકો બેઠા હતા ત્યારે ભગત જૂથ તરીકે ઓળખાતા હાર્દિક રણજિત ચાવડિયા, મોહિત ઉર્ફે ભીમો મના ચાવડિયા, રણજિત ભૂપત ચાવડિયા અને ચાર અજાણ્યા શખ્સ ધોકા, તલાવર અને પાઇપ જેવા હથિયારો સાથે ધસી ગયા હતા અને ચાની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી હતી તેમજ બહાર પાર્ક કરાયેલી કારમાં પણ તોડફોડ કરી હતી, આ મામલે સોમવારે ભરત ગમારાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાવડિયા જૂથના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, અને પાંચ વર્ષ પૂર્વે ભરત ગમારાને કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટ મળવાની હતી જે બાબત રણજિત ચાવડિયાને નહીં ગમતા તે સમયે બંને વચ્ચે માથાકૂટ થઇ હતી અને ત્યારથી બંને જૂથ વચ્ચે અદાવત ચાલતી હતી.

આ ઘટનામાં મંગળવારે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સી.જી. જોશીએ ગમારા અને ચાવડિયા જૂથના 17 લોકો  સામે ફરિયાદ કરી તમામ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલે ગોપાલ સુરેશ ગમારા, મનોજ ભીમા ગમારા, ભરત બાબુ ગમારા, પ્રતિકસંજય ખાખરિયા, હાર્દિક રણજિત, મોહિત ઉર્ફે ભીમો મના ચાવડિયા, રણજિત ભૂપત ચાવડિયા, નિલેશ ખીટ, પિન્ટુ ભગત, નંદા ભગત, મહેશ, સુનિલ નંદા ભગત, મયૂર, પારસ નંદા ભગત, કાના જીવણ સરસિયા, રવિ મથુર ગમારા અને સુનિલ મથુર ગમારા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ધમાલ કરનારાઓની શોધખોળ કરી બંને જૂથના મળી ભરત ગમારા, ગોપાલ ગમારા, મનોજ ગમારા, પ્રતિક, કાના સરસિયા, રવિ ગમારા અને સુનિલ ગમારાને ઝડપી લઇ સાતેયની ધરપકડ કરી હતી જ્યારે પોલીસની આકરી કાર્યવાહીથી અન્ય આરોપીઓ નાસી ગયા હતા.