Abtak Media Google News

31મી માર્ચ સુધી યોજનાનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવી શકાશે: ચડત વેરો પાંચ હપ્તામાં ભરપાઇ કરવો પડશે, વ્યાજનું મીટર અટકી જશે

વર્ષો જૂનું અબજો રૂપીયાનું બાકી લ્હેણુ વસુલ કરવા માટે બજેટમાં વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેનો આવતીકાલથી આરંભ થશે. આ યોજનાનો લાભ લેવા માટે બાકીદારો 31મી માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. પાંચ હપ્તામાં બાકી વેરો ભરપાઇ કરી શકશે. સાથો સાથ વ્યાજનું મીટર અટકી જશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે કોઈ કારણોસર કરદાતાઓ મિલકતવેરા તથા પાણી ચાર્જની રકમ નિયમિત ભરપાઈ કરી શકતા ન હતા. તેમની આ બાકી રહેતી મિલકતવેરાની તથા પાણીના ચાર્જની રકમ ઉપર વાર્ષિક 18%ના દરે વ્યાજ વસુલ કરવામાં આવે છે. જો કે વ્યાજની બાકી રકમ ઉપર વ્યાજ વસુલ કરવામાં આવતું નથી. આમ છતાં, કોઈ મીલકત ધારક અમુક વર્ષો સુધી નિયમિત પણે વેરો ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય ત્યારે વેરાની મૂળ રકમ તથા ચડત વ્યાજની રકમ વધી જાય છે અને વ્યક્તિને એકસાથે આ રકમ ભરપાઈ કરવામાં મુશ્કેલી પડે છે.

તેમાં લોકોને રાહત થાય અને મિલકત વેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી ભરપાઈ થાય અને વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્સમાં વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે મહાપાલિકા દ્વારા વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ લાગુ કરવાનું તાજેતરમાં મંજુર કરવામાં આવેલ છે. આ સ્કીમ કાલે શરૂ થશે.

આ સ્કીમ અંતર્ગત મિલકતધારક 31મી માર્ચ સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી કરાવીને મિલકત વેરા અથવા પાણી ચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષની સને 2022-23ની વ્યાજ સહિત રકમના 100% અને એરીયર્સની વ્યાજ સહિત રકમના 10% રકમનો પ્રથમ હપ્તો ભરપાઈ કરવાનો રહેશે. પ્રથમ હપ્તો ભરપાઇ કર્યા બાદ બાકી રહેલ એરીયર્સની વ્યાજ સહિતની રકમ મિલકત ધારકે આગામી ચાર નાણાકીય વર્ષ દરમ્યાન જે તે નાણાકીય વર્ષના માંગણા સાથે ભરપાઈ કરવાની રહેશે. જેમાં સને 2023-24માં 15 ટકા, સને 2024-25માં 25 ટકા, સને 2025-26માં 25 ટકા અને સને 2026-27માં બાકીના 25 ટકા એમ કુલ ચાર હપ્તામાં વિભાજીત કરવામાં આવશે.

બાકી રહેતી હપ્તાની રકમ ઉપર કોઇ પણ જાતના વધારાના ચાર્જ, વ્યાજ, નોટીસ ફી ચુકવવાની થશે નહી, જેમાં હપ્તાની રકમ તથા જે તે નાણાકીય વર્ષની મિલકત વેરાની તથા પાણીના ચાર્જની રકમ જે તે નાણાકીય વર્ષના 30-સપ્ટેમ્બર સુધીમાં ભરપાઈ કરવાની રહેશે. અન્યથા આ યોજનાનો લાભ આપોઆપ બંધ થશે. તેમજ બાકીની રકમ પર જે તે નાણાકીય વર્ષના 1-ઓક્ટોબરથી નિયમ પ્રમાણે વ્યાજ તથા નિયત નોટીસ ફી વસુલવાપાત્ર થશે. જે મિલકતધારક સળંગ પાંચ વર્ષ દરમ્યાન પોતાને ભરવાપાત્ર થતી કુલ રકમ નિયમિત પાંચ વર્ષ દરમ્યાન ભરપાઇ કરશે તો તે મિલકત માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીતર આ યોજનાનો લાભ આપોઆપ બંધ થશે.

જે-તે નાણાકીય વર્ષની વળતર યોજનાના સમય દરમ્યાન જો મિલકતધારક જે તે નાણાકીય વર્ષની મિલકત વેરાની તથા પાણીના ચાર્જની રકમ સાથે એરીયર્સની સંપૂર્ણ રકમ એક સાથે જમા કરાવે તો તેવા સંજોગોમાં જ જે તે વર્ષની વળતર યોજનાની જોગવાઇઓ મુજબ વળતર મળવાપાત્ર થશે. પરંતુ જો એરીયર્સની રકમ બાકી હશે તો તેવા સંજોગોમાં આ વળતર યોજનાનો કોઈ લાભ મિલકતધારકને મળવાપાત્ર થશે નહી. તેમજ આ યોજના માટે જે-તે નાણાકીય વર્ષ દરમ્યાનના હપ્તાની રકમ તથા જે-તે નાણાકીય વર્ષના બાકી માંગણા સહિત કુલ રકમ જે-તે નાણાકીય વર્ષ દરમ્યાન એકસાથે ભરપાઈ કરવાની રહેશે. આ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો બાકી કરદાતાઓએ લાભ લેવા પુષ્કરભાઇ પટેલે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.