Abtak Media Google News

ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગની આવક 24 ટકા વધી 15.7 લાખ કરોડે પહોંચી !!!

અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર રાજકોષીય સાધને અંકુશમાં લાવવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે સરકારે આગામી નાણાકીય વર્ષ માટેનું જે અંદાજપત્ર રજૂ કર્યું છે તેમાં મુખ્યત્વે સરકાર મૂડી ખર્ચની સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત બનાવવા માટે કાર્ય કરશે જેનો સીધો જ ફાયદો દેશની આવક ઉપર પણ થતો જોવા મળશે. આવકવેરા વિભાગની વાત કરવામાં આવે તો ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરાની આવકમાં 24 ટકાનો વધારો નોંધાયો છે અને આંકડો 15.7 લાખ કરોડ એ પહોંચ્યો છે જે ખરા અર્થમાં રાજકોષીય ખાત અને ફુગાવો અંકુશમાં આવ્યો હોવાનું પણ સૂચક છે. સરકાર આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ તમામ મુદ્દાઓને ગંભીરતાથી લઈ રહ્યું છે.

નાણા મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 24 ટકા વધીને 15.67 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં તેનું ચોખ્ખું પ્રત્યક્ષ કર આવક રૂ. 12.98 લાખ કરોડ રહ્યું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 18.40 ટકા વધુ છે. આ આંકડો ટેક્સ રિફંડ માટે એડજસ્ટ કર્યા પછીનો છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે પ્રત્યક્ષ કર વસૂલાત પરના સુધારેલા અંદાજપત્રના આશરે 79 ટકા અત્યાર સુધીમાં એકત્રિત કરવામાં આવ્યા છે.

જે આવકવેરા વિભાગને જે આવક થઈ છે તે રૂપિયા. 14.20 લાખ કરોડના બજેટ અંદાજ કરતાં વધુ છે. સીબીડીટીના નિવેદન અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ કર વસૂલાત રૂ. 15.67 લાખ કરોડ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 24.09 ટકા વધુ છે. ટેક્સ કલેક્શનના આંકડા 10 ફેબ્રુઆરી, 2023 સુધીના છે. એપ્રિલ 2022 અને ફેબ્રુઆરી 10, 2023 ની વચ્ચે, કોર્પોરેટ આવકવેરાનો વૃદ્ધિ દર 19.33 ટકા રહ્યો છે જ્યારે ગ્રોસ પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન (વ્યક્તિગત આવક વેરો) 29.63 ટકા વધ્યો છે.

પારદર્શકતાની સાથે આધાર અને પાનને લીંક કરતા કરદાતાઓની સંખ્યા વધી : સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ખર્ચ કરવા સક્ષમ બની

સરકાર હાલ જે રીતે આગળ વધી રહ્યું છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે હાલ પારદર્શકતા ની સાથોસાથ આધાર કાર્ડ અને પાનકાર્ડને જે લિંક કરવામાં આવ્યું છે તેનાથી કરદાતાઓની સંખ્યામાં અનેક ઘણો વધારો નોંધાયો છે સામે જે આવક ઊભી થઈ છે તેનાથી સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ખર્ચ કરવા સક્ષમ બની છે. દેશની કુલ વસ્તી ના જોજ લોકો જ હાલ પોતાનો કર ભરી રહ્યા છે એમાં પણ નીલ રિટર્ન ફાઈલ કરનાર કરદાતાઓની સંખ્યા વધુ છે ત્યારે આ સ્થિતિમાંથી બહાર આવવા અને કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા અનેકવિધ હકારાત્મક અભિગમ દાખવવામાં આવી રહ્યો છે અને નવી યોજનાઓને પણ અમલી બનાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.