Abtak Media Google News

માર્ગ અને મકાન વિભાગના સચિવનો દરેક જિલ્લાને પત્ર : ઇજનેરી કોલેજના નિષ્ણાંતો સાથે કાર્યપાલક ઇજનેરોના પરામર્શમાં રહી જરૂરી ક્વોલિટી ઓડિટ કરવા તાકીદ

જિલ્લાભરમાં રસ્તા અને પૂલોના કામોમાં ગુણવત્તા અંગે દેખરેખ રાખવા તમામ કલેકટર તથા ડીડીઓને માર્ગ અને મકાન વિભાગના સચિવ દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તેઓને ઇજનેરી કોલેજના નિષ્ણાંતો અને કાર્યપાલક ઇજનેરોના પરામર્સમાં રહીને ક્વોલિટી ઓડિટ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

રાજ્યમાં રસ્તા અને પૂલોના કામોમાં ગેરરીતિ થતી હોવાની ઢગલાબંધ ફરિયાદો ગ્રામ્ય વિસ્તારોમાંથી થતી રહે છે. ઉપરાંત કામ કર્યા બાદ થોડા સમયમાં જ રોડ રસ્તા તેમજ પુલોમાં ગાબડા પડતા હોવાની ઘટનાઓ પણ છાસવારે બનતી હોય છે. જેને લઈને માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યું છે. આ વિભાગના સચિવ એ. કે. પટેલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપના જિલ્લામાં પ્રગતિ હેઠળના રસ્તા તથા પૂલોના કામો માટે ગુણવત્તા જળવાઈ તે બાબતે આ કામોની ગુણવત્તા અંગે દેખરેખ રાખવા તેમજ તે બાબતે સમયાંતરે સમીક્ષા હાથ ધરવામાં આવે. વધુમાં કામોની ગુણવત્તા બાબતે જરૂરી ક્વોલિટી ઓડિટ માટે જિલ્લા ઇજનેરી કોલેજના નિષ્ણાંતો સાથે સંબંધિત કાર્યપાલક ઇજનેરોના પરામર્શમાં રહીને કાર્યવાહી હાથ ધરવામાં આવે.

બીજી તરફ રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ 2481 સ્ટ્રકચર હોવાનું જાણવા મળ્યું છે. તે માટે સ્થાનિક વિભાગ દ્વારા 2230 સ્ટ્રક્ચરનો સર્વે કરી દેવામાં આવ્યો છે. જ્યારે સરકાર દ્વારા 268 સ્ટ્રક્ચરની સર્વે કરવામાં આવ્યો છે જેટલા સ્ટ્રક્ચરોનો સર્વે કરવામાં આવ્યો છે તેમાંથી 2459 સ્ટ્રક્ચરની સ્થિતિ સારી છે. જ્યારે 10 સ્ટ્રક્ચરની સ્થિતિ મધ્યમ છે અને 12 સ્ટ્રક્ચરની સ્થિતિ ખરાબ છે.

બીજી બાજુ હાલના તબક્કે મવડી- પાડ -રાવકી -માખાવડ રોડ, લોધીકા- રીબડા રોડ, જામકંડોરણા -ખજૂરાડા- ટીમડી- અરણી -ભાયાવદર -ખારચીયા રોડ, ગોંડલ- ત્રાકુડા- જામકંડોરણા રોડ, સુપેડી- નાની વાવડી- ખાખી જાળીયા -કોલકી રોડ, અનિડા- કોલીથડ -પાટીયાળી રોડ, વિછીયા -ભડલી રોડ, ગોંડલ- મોવિયા- શ્રીનાથગઢ- વાસાવડ રોડ, અમરનગર -સુલતાનપુર- દેરડી- રાવણા રોડ, રાજકોટ- કોઠારીયા- કોટડા સાંગાણી- રોડ, મીતાણા -નેકનામ -પડધરી રોડ, ધોરાજી- ઉપલેટા રોડ, જેતપુર -મેવાસા રોડ,  રાજકોટ- કાલાવડ રોડ -ન્યારી રીવર, ઉપલેટા-પાટણવાવ – હાડફોડી રોડ, જેતપુર -બગસરા રોડ- ગલોલિયો રિવર, ઉપલેટા- પાટણવાવ રોડ -મોજ રિવરનું કામ મંજુર થયાનું માર્ગ અને મકાન વિભાગમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.