Abtak Media Google News

લેન્ડ ગ્રેબિંગ સેલમાં એક ડે.કલેકટર, એક નાયબ મામલતદાર અને ત્રણ નાયબ મામલતદારને જવાબદારી સોંપાઈ

લેન્ડ ગ્રેબિંગના કેસોનો હવે ઝડપી નિકાલ થશે કારણકે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ લેન્ડ ગ્રેબિંગ સેલની રચના કરી છે. આ સેલ ખાસ લેન્ડ ગ્રેબિંગના કેસો માટે જ કાર્યરત રહેશે. સેલમાં એક ડેપ્યુટી કલેકટર, એક નાયબ મામલતદાર અને ત્રણ નાયબ મામલતદારને જવાબદારી સોંપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમા આવ્યા બાદ રાજકોટ જિલ્લામાં તેની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. જમીન ઉપર ગેરકાયદે દબાણ કરવુ તેમજ જમીન હડપ કરવા સહિતના કેસો સંદર્ભે અરજદારો જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ કરી શકે છે. આ કાયદા હેઠળ 6 મહિનામાં જ ફેંસલો આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ગુનેગારને 14 વર્ષની જેલની સજા તથા જંત્રી જેટલો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.

હાલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત આવેલી અરજીઓ જે તે પ્રાંત અધિકારીની કચેરીમાં તેમજ પોલીસ વિભાગમાં જતી હોય, ત્યારબાદ તપાસ કરીને તેનો રિપોર્ટ કલેકટર કચેરીમાં પરત આવતો હોય છે. આ દરમિયાન કલેકટર કચેરીની અપીલ શાખા, મહેસુલ શાખા અને બિનખેતી શાખા સહિતની શાખાઓ રિપોર્ટ એકત્ર કરવાની તથા ફોલો અપ લેવા સહિતની કામગીરી કરે છે. જો કે આ કામગીરી રૂટિન કામગિરીને ડિસ્ટર્બ કરતી હોય ઉપરાંત લેન્ડ ગ્રેબિંગની કામગીરીમાં પણ થોડા અંશે વિલંબ થતો હોવાની સાથે સ્ટાફ ઉપર પણ કામનું ભારણ રહેતું હોય, લેન્ડ ગ્રેબિંગની કામગીરીને ઝડપી બનાવવા માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટની એક્સક્લુઝીવ સેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટની કામગીરી ઝડપથી થઇ શકે એટલા માટે લેન્ડ ગ્રેબિંગ સેલની રચના કરવામાં આવી છે. આ સેલમાં ડેપ્યુટી કલેકટર પૂજા જોટણીયા મુખ્ય અધિકારી રહેશે. તેઓની નીચે એક મામલતદાર તેમજ ત્રણ મામલતદારની ટીમ કાર્યરત રહેશે.

કાલે લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક, 14થી વધુ કેસ

આવતીકાલે જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં 14થી વધુ કેસોની સમીક્ષા કરી જરૂરી નિર્ણયો લેવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે ગત લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક 25 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. જેમાં 40 કેસ ધ્યાને લઈને 4 કેસમાં એફઆરઆઈ નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અપીલ, મહેસુલ અને બિનખેતી સહિતની શાખા ઉપર કામનું ભારણ ઘટશે

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવેલી અરજીઓ સૌ પ્રથમ કલેકટર કચેરીમાંથી પ્રાંત અધિકારી તથા પોલીસ વિભાગમાં તપાસ અર્થે જાય છે. બન્ને વિભાગો દ્વારા તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કલેકટર કચેરીને મોકલવામાં આવે છે. ત્યારે અપીલ, મહેસુલ અને બિનખેતી સહિતની શાખાઓ આ અરજીને એકત્ર કરી જરૂરી ફોલોઅપ લઈને અરજીને લેન્ડ ગ્રેબિંગની બેઠક સુધી પહોંચાડવાની કામગીરી કરતી હતી. દરમિયાન આ શાખાઓ ઉપર કામનું ભારણ પણ જોવા મળતું હતું. પણ હવે ખાસ સેલની રચના થતા આ શાખાઓ ઉપર રહેલુ કામનું ભારણ હળવું થશે.

લોધિકામાં મોટા પ્રમાણમાં જમીન ધોવાણ, પણ કોઈ સહાયની જોગવાઈ ન હોવાથી સરકારનું ધ્યાન દોરતું તંત્ર

રાજકોટ જિલ્લામાં આવેલી પુરની સ્થિતિને કારણે લોધિકા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. હાલ આ માટે ખેતીવાડીનો સર્વે પણ ચાલી રહ્યો છે. વધુમાં રાજ્ય સરકારમાં પાક રિલીફ પેકેજની દરખાસ્ત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત લોધિકા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં જમીનનું ધોવાણ પણ થયું છે. પરંતુ સરકાર દ્વારા જમીન ધોવાણ અંગેની સહાયની જોઈ જોગવાઈ નથી. જેથી તંત્રએ આ અંગે સરકારને ધ્યાન દોર્યું છે અને જરૂરી સૂચનો પણ માંગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પીએમ સ્વનિધી અને સીએમ મહિલા ઉત્કર્ષ યોજનાની 100 ટકા કામગીરી કરવાનો લક્ષ્યાંક

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે જિલ્લામાં પીએમ સ્વનિધી અને સીએમ મહિલા ઉત્કર્ષ યોજનાની 100 ટકા કામગીરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી સ્વનિધી યોજનાની હાલ સુધી 28 ટકા જેટલી કામગીરી થઈ છે. જ્યારે મુખ્યમત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની 56 ટકા જેવી કામગિરી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.