Abtak Media Google News

મોદી અને મમતા આમને સામને: હવે બંગાળમાં ખરા અર્થમાં ’ખેલા હોબે’?

બંગાળમાં બે બળીયાની જંગમાં વચેટીયાનો મરો થાય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. દેશના વડાપ્રધાનની સામે પ્રથમવાર કોઈ સીધું જ ઘર્ષણમાં ઉતર્યું છે અને તે વ્યક્તિ છે બંગાળની દીદી. બંગાળની ચૂંટણીમાં દીદીની હાર છતાં જીત બાદ સતાની કમાન તો ચોક્કસ દીદીના હાથમાં આવી છે પણ નંદીગ્રામ બેઠક પર પોતાની હારથી હવે બંગાળની વાઘણ વિફરી ગઈ છે. અગાઉ બંગાળમાં ’ખેલા હોબે’ની પરિસ્થિતિ હતી પણ ચૂંટણી પૂર્ણ થયે રાજકીય રમત પૂર્ણ થઈ જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી પરંતુ સાચો ખેલ તો જાણે હવે શરૂ થયો છે અને વડાપ્રધાન-દીદી વચ્ચેના જંગમાં જે કોઈ વચ્ચે પડશે તેનો મરો થશે. આવી જ કંઈક પરિસ્થિતિ અલપન બંધોપાધ્યાયની થઈ છે.

વડાપ્રધાનની બેઠક સમયે અલપન હાજર રહ્યા ન હતા. તેમણે મુખ્યત્વે રાજ્ય સરકાર સાથે કાર્ય કરવાનું હોય છે ત્યારે તેઓ દીદી સાથે હતા. હવે વડાપ્રધાનની વાવાઝોડા સંદર્ભની બેઠકમાં એક જવાબદાર અધિકારી તરીકે હાજર નહીં રહેતા અલપન વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ મુજબ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. અધૂરામાં પૂરું અલપને રાજીનામું ધરી દીધું અને હવે તેઓ મમતા બેનર્જીના અંગત સલાહકાર બની ગયા છે જેથી અલપન વિરુદ્ધ હવે કેન્દ્ર સરકાર આકરા પગલાં લ્યે તેવી પ્રબળ શકયતાઓ છે. જો કેન્દ્ર સાથે રહે તો રાજ્ય સરકાર ખફા થાય અને રાજ્ય સરકાર સાથે રહે તો કેન્દ્રની નારાજગીનો અલપને સામનો કરવો પડશે.

કેન્દ્રએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નવા મુખ્ય સલાહકાર અલપન બંધોપાધ્યાય પર કાર્યવાહીની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં ગાયબ રહેવા પર કેન્દ્રએ અલપનને કારણ દર્શક નોટીસ મોકલી છે, જેની પર તેમણે 3 દિવસની અંદર જવાબ આપવો પડશે. અલપનની વિરુદ્ધ ડિઝેસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(બી)પણ લગાવવામાં આવી છે.

કેન્દ્રએ તેના પત્રમાં લખ્યું- વડાપ્રધાન મોદી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની હવાઈ મુલાકાત કર્યા પછી કલાઈકુંડા એરફોર્સ સ્ટેશને પહોંચ્યા. તે પછીથી તેમણે અહીં બંગાળના મુખ્યમંત્રી, મુખ્ય સચિવની સાથે બેઠક કરવાની હતી. વડાપ્રધાને બેઠક રૂમમાં રાજ્ય સરકારના અધિકારીઓ માટે 15 મિનિટ રાહ જોવી પડી. જ્યારે મુખ્ય સચિવ ન પહોંચ્યા તો તેમણે અધિકારીઓને ફોન લગાવ્યો અને પુછ્યું કે તે બેઠકમાં સામેલ થશે કે નહિ? તે પછી મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી મીટિંગ રૂમમાં આવ્યા અને તાત્કાલિક ચાલ્યા પણ ગયા.તેને વડાપ્રધાનની રિવ્યુ મીટિંગમાં ગેરહાજરી માનવામાં આવશે. વડાપ્રધાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના ચેરમેન પણ છે.

અલપન બંધોપાધ્યાયની આ હરકતને કેન્દ્ર દ્વારા કાયદાકીય રીતે આપેલા નિર્દેશોની અવગણના તરીકે માવવામાં આવશે. એવામાં તેમની પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(બી) લગાવવામાં આવે છે. અમે અલપન પાસે લેખિતમાં એ અંગે જવાબ માંગ્યો છે કે ડિઝાસ્ટર રાહત એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે શાં માટે કલમ 51(બી) અંતર્ગત કાર્યવાહી ન કરવામાં આવે. તેમણે 3 દિવસની અંદર કારણ જણાવવાનું રહેશે.નોંધનીય બાબત છે કે, વડપ્રધાન નરેન્દ્ર મોદીના રિવ્યુ પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ સમીક્ષા બેઠક કરી રહ્યાં હતા. તે સમયે મુખ્ય સલાહકાર અલપન બંધોપાધ્યા તેમની સાથે હતા.

અગાઉ કેન્દ્રએ અલપનને દિલ્હી બોલાવવાના આદેશ આપ્યા હતા. જોકે તેઓ ગયા ન હતા. આ મામલામાં ભાસ્કરે રિટાયર્ડ સિનિયર બ્યુરોક્રેટ્સ સાથે લીગલ એક્શનને લઈને વાત કરી હતી. ભારત સરકારના પૂર્વ સેક્રેટરી જવાહર સરકારે ત્યારે કહ્યું હતું કે કેન્દ્ર ભલે ચીફ સેક્રેટરીને દિલ્હી રિપોર્ટ કરવાનો આદેશ આપી રહ્યું હોય, જોકે તેને લાગુ કરવુ મુશ્કેલ થઈ શકે છે. સરકારે કહ્યું હતું કે અલપનને રિલીલ કરવો તે રાજ્ય સરકારના અધિકારમાં આવે છે. આ સિવાય રાજ્ય એટલે કે અલપનના કેસમાં બંગાળ સરકાર ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સનો હવાલો આપીને આદેશનો પોલાઈટલી ડ્રાફ્ટેડ રિપ્લાઈ કરી શકતી હતી. એવામાં કેન્દ્ર માટે કોઈ આઈએએસ કે ઈંઙજ અધિકારની એક તરફી બદલી કરવી મુશ્કેલ છે, જે તેના ક્ધટ્રોલમાં નથી.

મમતાએ માસ્ટર સ્ટ્રોક ચલાવીને આ બધી વાતનો વારો જ ન આવવા દીધો. તેમણે જ મુખ્ય સચિવ તરીકે અલપનનો કાર્યકાળ 3 મહિના સુધી વધારી દીધો હતો. તે 31 મેના રોજ પુરો થઈ રહ્યો હતો. જેવી કેન્દ્રએ અલપનને નોટિસ મોકલી, મમતાએ તેને તાત્કાલિક રિટાયર્ડ કરીને મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક કરી કહ્યું કે અલપન દિલ્હી જવા માંગતા ન હતા.જો અલપન નોટિસનો જવાબ મોકલતા નથી અથવા તો તેમના જવાબથી કેન્દ્ર સરકાર સંતુષ્ટ થતી નથી તો તેમની વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51 બી અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે અથવા તો પછી એફઆઈઆર નોંધવામાં આવી શકે છે.

વડાપ્રધાનની બેઠકમાં ગેરહાજરી અલપન માટે ’જેલહાજરી’માં પરિવર્તિત થશે?

કેન્દ્ર અને રાજ્યના કોઈ પણ અધિકારીઓ કે આ સરકારો દ્વારા અધિકૃત વ્યક્તિઓના કામોમાં કારણ વગર અડચણ પેદા કરવા બદલ પગલા લેવામાં આવી શકે છે. આ સિવાય કેન્દ્ર, રાજ્ય, રાષ્ટ્રીય સમિતિ, કે રાજ્યની સમિતિ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવા પર પણ પગલા લેવાની જોગવાઈ છે. આ એક્ટ અંતર્ગત એક વર્ષની જેલ કે દંડ થઈ શકે છે. જેલ અને દંડ બંને પણ લાગુ થઈ શકે છે. જો કામમાં અડચણ કે પછી નિર્દેશોને ન માનવાથી કોઈનો જીવ જાય છે કે પછી નુકસાન થાય છે તો આવુ કરનાર વ્યક્તિને 2 વર્ષની સજા થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.