Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ૩૧મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગારંગ પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણે ઉર્ધ્વગતિનો વિકાસ સાધીને આકાશને આંબી જાય એવા વિકાસ દ્વારા ગુજરાતને રોલ મોડલ બનાવવું છે. અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પરિસરમાં યોજાઇ રહેલા આ પતંગોત્સવમાં વિશ્વના ૪૩ દેશોના ૧૫૩ પતંગબાજ સહિત ભારતના ૧૨ રાજ્યોના ૧૧૫ પતંગબાજ અમદાવાદ અને ગુજરાતમાં પતંગ ઉડ્ડયન માટે આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પતંગોત્સવના ઉદઘાટન અવસરે જણાવ્યું કે, ગુજરાતે પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને દુનિયાભરના લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી વસુધૈવ કુટુંબકમ્ની ભારતીય સંસ્કૃતિને પતંગોત્સવ દ્વારા સાર્થક કરી છે. તેમણે કહ્યું કે, પતંગનો સ્વભાવ આકાશમાં ઉંચાઇને આંબવાનો છે એ જ રીતે વિકાસના ગગનમાં રાજ્યની વિકાસ પતંગ મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં નવા-નવા સોપાનો સર કરીને સમગ્ર વિશ્વમાં રોલ મોડલ બની છે.

Advertisement

7Fdaecf3 1A31 4Ec7 Bf5A 66Fa5Ef00176

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પતંગોત્સવ ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખાની વિભાવનાને ચરિતાર્થ કરી આખી દુનિયા ગુજરાત અને ગુજરાતના વિકાસને જોવા આવે તેવો નેત્રદિપક વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્સવોને જનભાગીદારીથી જનઉત્સવ તરીક ઉજવવવાની શરૂ કરેલી પરંપરાને આપણે આગળ ધપાવતા રણોત્સવ, તાનારીરી મહોત્સવ, મોઢેરા સૂર્યમંદરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તેમજ સોમનાથ અને દ્વારકાના પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસન ઉત્સવ અને દાંડીમાં નેશનલ સોલ્ટમમોરીયલ, ગાંધી આશ્રમ વગેરેને ઉત્સવ ઉજવણી અને પ્રવાસન સાથે જોડીને નવો ઉત્સાહ-ઉમંગ-થનગનાટ તથા નવી ચેતના ઉજાગર કરી છે.

તેમણે એમ પણ કહ્યું કે, આવા ઉત્સવોની ઉજવણીની આપણી પરંપરાને કારણે પ્રવાસન વિકસ્યું છે તેથી સ્ટચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન ધામની એક જ વર્ષના ગાળામાં ૩૫ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે અને આવનારા દિવસોમાં ૫૦ લાખ લોકો મુલાકાત લે તે માટેનું આયોજન પણ શરૂ કરી દીધું છે. વિજયભાઇ રૂપાણીએ સૂર્યના ઉત્તર તરફના પ્રયાણ ઉત્તરાયણના પર્વને પર્યાવરણ પ્રકૃતિની ઉપાસનાના સંસ્કાર વારસા સાથે પતંગોત્સવના માધ્યમથી આગળ ધપાવવાની મનસા તેમણે સૌ નાગરિકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ ઉત્સવોને તાયફા કહેનારા વિરોધીઓની આલોચના કરતાં  કહ્યું કે,  ઉત્સવો જેમને તાયફા લાગે છે તેમને એ હકીકતનો પણ ખ્યાલ હોવો જોઇએ કે આવા ઉત્સવોને લીધે જ ગુજરાતની સંસ્કૃતિ અને પ્રવાસન વિરાસત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે અને દુનિયા ભરના લોકો ગુજરાત આવવા પ્રેરાય છે.  પ્રવાસનને પતંગ ઉદ્યોગ સાથે જોડીને આપણે ૨૦ કરોડનો પતંગ ઉદ્યોગ આજે ૬૦૦ કરોડથી વધુનો ઉદ્યોગ બનાવ્યો છે.

94E2Dddb Fa16 47D2 B6Ad 2Ce75079Ca52

એટલું જ નહીં ગરીબ-શ્રમજીવી પરિવાર માટે આ ઉદ્યોગ આર્થિક આધારનું કેન્દ્ર પણ બન્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌના સાથ સૌના વિકાસ દ્વારા જ્ઞાતિ-જાતિ-પ્રાન્તથી ઉપર ઉઠીને દેશની એકતા અને અખંડિતતા આવા ઉત્સવોના માધ્યમથી વધુ સુદ્રઢ બની છે તેમ પણ ઉમેર્યું હતું. પ્રવાસન મંત્રીશ્રીએ જવાહરભાઇ ચાવડાએ દેશ-વિદેશના પતંગબાજો, રાજદૂતોનું આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે ઉમરકાભેર સ્વાગત કર્યું હતું.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, બ્રાઝિલ, કંબોડિયા, કેનેડા, ચિલી, ચીન, કોલમ્બિયા, ક્રોએશિયા, કુરાકાઓ, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, ઇટાલી, કેન્યા, કોરિયા, લેબનોન, લિથુનીયા, મલેશિયા, માલ્ટા, મેક્સિકો, નેપાલ, નેધરલેન્ડ, ન્યુઝિલેન્ડ, પોલેન્ડ, રશિયા, સિંગાપુર, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટ્યુનિશિયા, તુર્કી, થાઇલેન્ડ, યુક્રેન, યુ.કે, યુએસએ, વિયેતનામ, ઝિમ્બાબ્વે વગેરે દેશોના પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યના દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.