Abtak Media Google News

મુખ્યમંત્રી રાજુલાની મહાત્મા ગાંધી હોસ્પિટલનાં કાર્યક્રમમાં આવતા હોય ત્યારે પ્રશ્નો હલ કરવાની માંગ

આજે તા.૩જી ઓકટોબરનાં રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના મંત્રીમંડળનાં મંત્રીઓ રાજુલા ખાતે રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલા (તદન નિ:શુલ્ક) હોસ્પિટલ બનવા જઈ રહી છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે અમરેલી જિલ્લાની અને રાજુલાનાં પ્રજાજનોએ મુખ્યમંત્રી પાસે અનેકવિધ પ્રશ્નોનાં નિરાકરણની અપેક્ષા રાખી રહ્યા છે કે રાજુલામાં કરોડોનાં ખર્ચે નવું બનેલુ જનરલ હોસ્પિટલનાં બિલ્ડીંગનું ત્રણેક વર્ષ અગાઉ લોકાર્પણ કરાયું હતું.

નવા બનેલા બિલ્ડીંગનાં અદ્યતન સગવડતાઓ છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે રાજુલા જનરલ હોસ્પિટલમાં નથી એમ.ડી કે એમ.એસ.સર્જન, નથી સ્ત્રીરોગનાં નિષ્ણાંત ડોકટર કે નથી હાડકાનાં સર્જન, નર્સીંગ સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં નથી. ડોકટરો અને જે-તે વિભાગનાં નિષ્ણાંત ડોકટરોની જગ્યા વણપુરાયેલી હોય સામાન્ય કેસોમાં પણ દર્દીને મહુવા અથવા ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે રીફર કરી દેવામાં આવે છે તો અહીં સેટઅપ મુજબનો ડોકટરી સ્ટાફ મુકાય તો આ શહેરનાં લોકો અને ગ્રામીણ પ્રજા સરકારી દવાખાનાનો પુરતા પ્રમાણમાં લાભ લઈ શકે. આ ઉપરાંત નેશનલ હાઈવે રોડ કે જેનું કામ સોમનાથથી ભાવનગર ફોર ટ્રેક બનવા જઈ રહ્યો છે તે માર્ગ આમ તો સોમનાથથી કોડીનાર, ઉના, નાગેશ્રી, રાજુલા, મહુવા, તળાજા, ખોરડા, અલંગશીપ યાર્ડને જોડતો છે તે માર્ગનું ૩ વર્ષથી ગોકળ ગાયની ગતિએ કામ ચાલે છે. રાજુલાથી મહુવાનો આ માર્ગ એટલી હદે બિસ્માર છે કે, અહીંથી રીફર કરાયેલા દર્દીઓ ઘણા કેસોમાં મહુવા સુધી પહોંચે તે પહેલા જ મોતને શરણ થાય છે.

હિંડોરણા ગામ પાસે આવેલ ધાતરવડી પુલ ઉપર ૬૦ વર્ષ પહેલા એક મોટો પુલ બન્યો હતો તે પુલ હાલ જર્જરીત હાલતમાં છે. આ ચોમાસાની સિઝનમાં ગાબડાઓ પડવાનાં કારણે રોડ સ્થગિત થઈ ગયો હતો. નદીમાંથી ડાયવર્ઝન કઢાયું છે પણ ઉપરવાસનો ડેમ ઓવરફલો થાય એટલે ડાયવર્ઝન પાણીમાં ગરક થઈ જાય છે. અહીં ડીવાયએસપી કચેરી કાર્યરત થઈ નથી. રાજુલા-જાફરાબાદ વિસ્તાર ઔધોગિક વિસ્તાર છે. મોટો દરિયાકાંઠો પણ છે. અહીં આ ઓફિસ કાર્યરત હોય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન રીતે જળવાઈ શકે. રાજુલા તાલુકાનાં કોવાયા ગામથી જાફરાબાદ તાલુકાનાં લોઠપુર ગામ સુધીનો રસ્તો એકદમ બિસ્માર છે અહીં એક મહાકાય કંપની ધમધમે છે અને રોજનાં સેંકડો ટ્રક, ટ્રેલર, ક્ધટેન્ટર જેવા વાહનો કંપનીમાં આવન-જાવન કરે છે ત્યારે કંપનીને ફરજ પાડી કોવાયા, લોઠપુરનાં રસ્તાને ફોરટ્રેક બનાવવા ફરજ પાડવી આવશ્યક છે. રાજુલા અને અમરેલી જિલ્લાને અનેકવિધ મુંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાની અપેક્ષા અમરેલી જિલ્લા અને રાજુલાનાં પ્રજાજનો રાખી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.