Abtak Media Google News

વરસતા વરસાદ વચ્ચે મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૯મો યુવક મહોત્સવને ખુલ્લો મુકયો, નમો ઇ-ટેબનું વિતરણ, આઇ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર, એલ્યુમની એસોસિએશન, સી.સી.ડી.સી. લાઇબ્રેરી અને રાષ્ટ્રીય પરિસંવાદનો શુભારંભ, પુસ્તકનું વિમોચન

રાજ્યમાં પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઇએએસ-આઇપીએસ ટ્રેનિંગ સેન્ટર શરૂ: ૧૬૦૦ છાત્રોની અરજી આવી, ૨૦૦ને તાલીમ અપાશે

આજે યુવક મહોત્સવના બીજા દિવસે ૭૨૪ વિદ્યાર્થીઓ ડિબેટ, ચિત્રકળા, ભજન, એકાંકી, શાસ્ત્રીય નૃત્ય સહિતની સ્પર્ધામાં ભાગ લેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા છાત્રોને નમો ઈ-ટેબલેટનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરાયું હતું. ઉપકુલપતિ ડો વિજય દેશાણીએ સ્વાગત પ્રવચનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાર્યાન્વિત કરાયેલા વિવિધ પ્રકલ્પોની વિગતો રજૂ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નવા શરૂ કરાયેલા આઇ. એ.એસ. ટ્રેનીંગ સેન્ટરનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો. આ સેન્ટર  માટે યોગદાન આપનાર જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ ધેવરચંદ અને સંસ્થામાંથી આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરનારા છાત્રોનું મુખ્યમંત્રીએ બહુમાન કર્યું હતું.

Img 7307 1

આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ ઉપસ્થિત યુવા છાત્રોને ઉત્સાહનો પાનો ચડાવતાં કહ્યું હતું કે રાજ્યના યુવાનોએ વૈશ્વિક મંચ પર છવાઇ જવા માટે મચી પડવું જોઈએ, આ માટે રાજ્ય સરકારના તમામ સહયોગની મુખ્યમંત્રીશ્રીએ ખાતરી ઉચ્ચારી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ વિકાસનો પર્યાય બનેલા ગુજરાતની પ્રગતિમાં યુવાનોના પ્રશસ્ય પ્રદાનની સરાહના કરી હતી, અને નવરાત્રિના પ્રથમ દિવસથી શરૂ થતો યુવક મહોત્સવ યુવાનોમાં નવી ચેતના જગાવનાર સાબિત થશે, એવો આશાવાદ પ્રગટ કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજયની શિક્ષણ નીતિ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સંશોધન આધારિત શિક્ષણ વ્યવસ્થા અમલી બનાવાઇ છે, સ્ટાર્ટ-અપ પોલિસી થકી વધુ ને વધુ યુવાનો આગળ આવે તથા નવી નવી પેટન્ટ ગુજરાતના યુવાનોના નામે નોંધાય તેવી લાગણી પણ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કરી હતી. ઉદ્યોગ કેન્દ્રિત રાજ્યની ઓળખ ધરાવતા ગુજરાતનો યુવાન નોકરી મેળવવા માટે નહીં, પરંતુ નોકરીનું સર્જન કરવા માટે પ્રેરિત થાય અને બેરોજગારી નિર્મૂલનમાં પોતાનો સહયોગ આપે, એવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ નોરતાના પ્રથમ દિવસે શરૂ થતાં યુવક મહોત્સવમાં ભાગ લેતા યુવાનોને શુભકામના પાઠવી હતી, અને ઉમેર્યું હતું કે મા સરસ્વતીની ઉપાસના માટેનો યજ્ઞ અવિરત ચાલુ રહેવો જોઈએ. મુખ્યમંત્રીએ પોતાના જીવનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રદાનનો નતમસ્તકે ઋણ સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાન મોદીના આશા ભરેલા નયા ભારતના નિર્માણમાં રાજ્યનો યુવાન નિર્ણાયક ભૂમિકા ભજવવા આગળ આવે, તેવી હિમાયત મુખ્યમંત્રીએ ઉપસ્થિત છાત્રોને કરી હતી. રાજયસરકારે વિતરિત કરેલા નમો ઇ- ટેબ્લેટનો સદુપયોગ કરવા મુખ્યમંત્રીએ છાત્રોને આગ્રહ કર્યો હતો તથા રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલ વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓની ટુંકી વિગતો તેમના વક્તવ્યમાં વણી લીધી હતી. મુખ્યમંત્રીએ વિદેશી છાત્રોને આકર્ષવા માટેની નવી પ્રોત્સાહક શિક્ષણ નીતિ જાહેર કરતાં કહ્યું હતું કે હાલ રાજ્યમાં અભ્યાસ કરી રહેલા બે હજાર વિદેશી છાત્રો વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં વધુને વધુ વિદેશી છાત્રો અભ્યાસ અર્થે આવે, તે જોવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે મુખ્યમંત્રીએ ગુજરાતના બંદરોને ધમધમતા બનાવવા માટે ખાનગી જેટીને મંજૂરી આપવાનેા ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગોને ઉત્તેજન આપવા રાજ્ય સરકાર મક્કમ છે.

Img 4823 1

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવ ઇન્દ્રધનુષ-૨૦૧૯ને પણ ખુલ્લો મુકયો હતો. આંકડાવિભાગના રાષ્ટ્રીય પરિસંવાદનો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો હતો. ચેતનાબેન વ્યાસ દ્વારા લિખિત પુસ્તક યોગ-વિયોગનું પણ મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું. સૌરાષ્ટ્ર એલ્યુમની એસોસીએશન તથા સી.સી.ડી.સી. લાઇબ્રેરીનો પણ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ સચિવ અંજુ શર્માએ નમો ઈ ટેબ્લેટના વિવિધ ફીચર્સની માહિતી આપી હતી, તથા કુલપતિ નીતિન પેથાણીએ પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિધ્ધિઓ વર્ણવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, પુર્વકુલપતિ મહેન્દ્ર પાડલીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધૃવ, મેહુલભાઈ રૂપાણી, નેહલ શુક્લા, સિન્ડીકેટ સભ્યો, સેનેટના સભ્યો, વિવિધ ભવનોના વડાઓ, કોલેજના પ્રિન્સીપાલો, અધ્યાપકો, યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકો, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહલ શુક્લએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.