Abtak Media Google News

જામનગર સ્થિત રિલાયન્સ કંપનીમાં બનાવટી એસડીપીવાળો એક શખ્સ ઝડપાયા પછી પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરતા  ખંભાળિયાનો એક શખ્સ ઝડપાઈ ગયો હતો જેને આ પ્રકારના બનાવટી સિત્તેર કે તેથી વધુ પાસ બનાવ્યાની વિગતો બહાર આવી છે. ઉપરાંત પોલીસની ચકોર નજરમાં કેટલાક વાહનોની વીમા પોલિસી પણ આવી છે તેની ખરાઈ કરવા માટે વીમા કંપની સાથે પોલીસે સંપર્ક કર્યો છે.

Advertisement

જામનગર તાલુકાના મોટી ખાવડીમાં આવેલી રિલાયન્સ કંપનીમાં થોડા દિવસ પહેલા સેઈફ ડ્રાઈવીંગ પાસ (એસડીપી) અંગે એક કોન્ટ્રાકટરે ચકાસણી હાથ ધરતા શોભન ગોરધનભાઈ બારિયા નામનો શખ્સ બોગસ એસડીપી સાથે રાખી રિલાયન્સ કંપનીના પ્રિમાઈસીસમાં ભારે વાહન ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું

. આથી કોન્ટ્રાકટર હરદેવસિંહ જાડેજાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં શોભન તેમજ ખંભાળિયાના મુકેશ ઉર્ફે ધ્રુમીલ પંચમતિયા તથા હાફીઝ ડગરા સામે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ મેઘપરના પીએસઆઈ દશરથસિંહ વાઢેરે શરૃ કર્યા પછી બુધવારે ખંભાળિયામાંથી સાગર પરમાર નામના શખ્સની ધરપકડ કરી હતી.

આ શખ્સની પૂછપરછ કરવામાં આવતા તેણે સેઈફ ડ્રાઈવીંગ પાસ બનાવવા માટે કામગીરી કરી આવી જ રીતે સિત્તેરથી વધુ બોગસ પાસ બનાવી આપ્યાની વિગતો પોલીસને આપી છે. વધુમાં તેણે જણાવ્યા મુજબ એક પાસ બનાવવા માટે તે રૃા.૩ હજારની વસૂલાત કરતો હતો.આરોપીઓ હાફીઝ, સાગર પરમાર અને મુકેશ પંચમતિયાએ ઉપરોક્ત બનાવટી ગેઈટ પાસ તૈયાર કરી પોતાની પાસે રાખ્યા હતા

ત્યાર પછી હાફીઝ આવા ગેઈટ પાસ લેનાર વ્યક્તિઓને શોધી લાવતો હતો અને સાગર તેમજ મુકેશ કોમ્પ્યુટર પર તે ગેઈટ પાસ તૈયાર કરી આપી દેતા હતા. મુકેશ ઉર્ફે ધ્રુમીલ પંચમતિયા અગાઉ રિલાયન્સ કંપનીમાં નોકરી કરી ચૂક્યો હોય તેને ગેઈટ પાસ અંગેની સંપૂર્ણ જાણકારી હતી અને તે પાસમાં મૂકવામાં આવતી વિગતોનું ફોર્મેટ પણ મેળવી લાવ્યો હતો તે ફોર્મેટ સાગર પરમારને આપ્યા પછી સાગરે કોમ્પ્યુટરમાં તે ફોર્મેટ સેવ કરી તેના આધારે બોગસ એસડીપી તૈયાર કર્યા હતા. ઉપરોક્ત વિગતો બહાર આવતા પીએસઆઈ ડી.એસ. વાઢેરે બુધવારે સાગરની ધરપકડ કરી કોમ્પ્યુટરની હાર્ડડીસ ઝબ્બે લીધી હતી અને તેમાંથી ડેટા કઢાવી તપાસ આદરી છે.

તે દરમ્યાન ગઈકાલે આરોપી સાગર પરમારને લાલપુરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેની જામીન મુક્તિ થઈ છે. પોલીસે આ કૌભાંડમાં અન્ય કેટલાકની પણ સંડોવણી હોવાની આશંકા સેવી છે ત્યારે આ ગુન્હામાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ બનાવટી સેઈફ ડ્રાઈવીંગ પાસ ઉપરાંત કેટલાક વાહનોની શંકા પડતી ઈન્સ્યુરન્સ પોલિસી પણ પોલીસના ધ્યાનમાં આવી છે. આ પોલિસી અંગેના કાગળો અસલી છે કે નકલી? તે બાબતની ખરાઈ કરવા માટે તપાસનીશ પોલીસ ટૂકડીએ તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.