Abtak Media Google News

રૂ.૧૦ લાખની લાલચ આપી વેપારીને કારમાં લઈ જઈ રૂ.૪૦ લાખનો થેલો છીનવી ફરાર

ગારીયાધાર ફર્નીચરના વેપારીને મોટરકારમાં લઈ જઈ રૂ.૪૦ લાખની રોકડની છેતરપિંડી કરીને મહિલા સહિતના શખ્સો પલાયન થઈ ગયાનો મામલો લખાયો છે. જોકે, વેપારીની ફરિયાદ લેવાનો પોલીસે ઈન્કાર કરી દીધાના પગલે વેપારી આલમમાં હડકંપ મચી ગયો હતો.

ગારીયાધારના વેપારીજગતમાં ચકચાર મચાવતા લાલબતી સમાન બનાવની ઉપલબ્ધ માહિતી અનુસાર ગારીયાધારમાં રહેતા દેવેન્દ્રભાઈ વાડીલાલ શાહ (ઉ.વ.૪૯)ની વારસાઈ માલિકીની અહીંના સુભાષન રોડ પર આવેલી મે.દેવેન્દ્ર ફર્નીચર નામની દુકાનમાં આજે સાંજના સુમારે એક મહિલાએ આવી વેપારી દેવેન્દ્રભાઈને મોટી રકમની ચલણી નોટોની સામે રૂ.૧૦,૨૦, ૫૦,૧૦૦ના દરની નોટ આપવાની વાત કરી હતી.

જેમાં તોતિંગ રકમ રૂ.૪૦ લાખની રૂ.૨૦૦૦ તથા ૫૦૦ની મોટી ચલણી નોટના બદલામાં રૂ.૫૦ લાખની નાની રકમની રૂ.૧૦ અને ૫૦ની ચલણી નોટ આપવાની લાલચ આપવામાં આવી હતી.

વેપારી દેવેન્દ્રભાઈએ વણિકબુઘ્ધિ વાપરતા હોય એમ રૂ.૪૦ લાખની મોટી કરન્સી સામે તોસ્તાન રૂ.૫૦ લાખનો રોકડિયો વેપલો કરવાની લાલચમાં આવી સાગરીતોની સાથે સ્વીફટ કાર તથા સ્કોર્પિયો કારમાં નાની વાવડી ગામે લઈ જઈ મોટરકામમાં વેપારીને બેસાડી રોકડ રૂ.૪૦ લાખનો થેલો છીનવી લઈ ઝપાઝપી કરી મોટા ગજાના વેપારીને અધવચ્ચે ઉતારી દઈ મહિલા અને અજાણ્યા શખ્સો નાસી ગયા હતા.

ગારીયાધારના વેપારી સાથે છેતરપિંડી થયાના બનાવથી વેપારી જગતમાં વેપારીઓનો કાફલો ફરિયાદ નોંધાવવા ગારીયાધાર પોલીસ સ્ટેશને દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, છેતરપિંડીના બનાવના પગલે પોલીસે ચારે તરફ નાકાબંધી કરી દીધી હતી. જો કે, પરીણામ મસમોટું મીડું જ રહ્યું હતું.

આ અગે વેપારી દેવન્દ્રભાઈ વાડીલાલ શાહે મહિલા સહિતના શખ્સો વિરુઘ્ધ ફરિયાદ નોંધાવવાનું કહેતા જિલ્લા પોલીસ વડા દ્વારા વેપારી પાસે રૂ.૪૦ લાખ કયાંથી આવ્યા તેના પુરાવા લેવાનો આગ્રહ દાખવી ફરિયાદ નોંધવાનું જણાવાતા મામલો ગરમાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઘણા વખત અગાઉ વેપારી દેવેન્દ્રભાઈએ આ મહિલા પાસેથી ધીંગી રકમ રૂ.૧,૦૦,૦૦૦ની મોટી નોટસ આપીને જે તે વખતે નાના દરની ચલણી નોટસ લીધી હોવાનું જાણવા મળ્યું હતું એટલે કે વેપારી અને મહિલા વચ્ચે ભુતકાળમાં રોકડિયો વેપલો થયો હોવાનું કહેવાય છે. ગારીયાધાર પોલીસે અંતે મહિલા સહિતના શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.