રોકાણકારોની બલ્લે-બલ્લે: સેન્સેકસ અને નિફટી નવી ટોચે

સેન્સેકસે 58775.26 અને નિફટીએ 17531.20ની સર્વોચ્ચ સપાટી હાસલ કરતા બજાર દિવાળી પહેલા જ 60,000ની સપાટી ઓળંગે તેવા સુખદ સંજોગો

ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી વણથંભી તેજી આજે વધુ વેગવંતી બની છે. આજે બપોરે સેન્સેકસ અને નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરી લેતા રોકાણકારોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસા મજબૂત બન્યો હતો. બીજી તરફ બુલીયન બજારમાં મંદી જોવા મળી હતી. જે રીતે બજાર એકધારૂ તેજીના ટ્રેક પર દોડી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે, આગામી દિવાળી પહેલા જ સેન્સેકસ 60,000ની સપાટી ક્રોસ કરી દેશે.

ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી એકધારી તેજી ચાલી રહી છે. જે દિન-પ્રતિદિન વધુ મજબૂત બની રહી છે. આજે ભારતીય શેરબજારમાં તેજીનો તોખાર રહેવા પામ્યો હતો. મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષે નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. સેન્સેકસ 58775.26 અને નિફટી 17531.20ની સપાટીને અડી નીચે સરક્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે 3 પૈસાની મજબૂતાઈ જોવા મળી હતી.

આજની તેજીમાં એનટીપીસી, ભારતી એરટેલ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા જેવી કંપનીના શેરના ભાવમાં 4.50 ટકાથી લઈ 6.50 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટાટા, ગ્રાસીમ, અલ્ટ્રાટેક સીમેન્ટ અને બ્રિટાનીયા જેવી કંપનીના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બુલિયન બજારમાં પણ મંદીનો માહોલ રહેવા પામ્યો હતો. સેન્સેકસ જે રીતે એકધારી તેજીના ટ્રેક પર દોડી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે દિવાળી પૂર્વે જ બજાર 60,000ની સપાટી ઓળંગી લેશે.

નિફટી પણ રોજ નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરી રહ્યું હોય તેમાં પણ દિવાળીએ નવો લાઈફ ટાઈમ હાઈ જોવા મળશે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 397 પોઈન્ટના ઉછાળા સાથે 58744 અને નિફટી 139 પોઈન્ટના ઉછાળા સાથે 17519 પર ટ્રેડ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસાની મજબૂતાઈ સાથે 73.64 પર ટ્રેડ કરતો નજરે પડે છે.