Abtak Media Google News

હવે પહાડોને પાંગળા થતા અટકાવવાનો સમય પાકી ગયો

2022માં 10 કરોડ યાત્રાળુઓએ કરી ઉતરાખંડની મુલાકાત, જયારે રોજ 10 હજાર ઘન કચરો એકઠો થાય છે.

કેન્દ્ર સરકારે પારસનાથ ટેકરી અને સમ્મેત શિખર કે જે જૈનના તીર્થ સ્થળ છે તેને પર્યટન સ્થળ તરીકે ઘોષિત કર્યા તેનો વિવાદ હજુ અટક્યો નથી. સરકાર દ્વારા પહાડોને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા અનેક પ્રયાસો કરવામાં આવે છે. એવી જ રીતે ઉતરાખંડમાં ચારધામ પ્રોજેકટ ફળીભૂત કરવા હવાઇમાર્ગ વિકસાવવામાં આવી રહ્યુ છે. જેમાં જોશીમઠને બાબા બદ્રીનાથની યાત્રાનું પ્રસ્થાન સ્થાન માનાય છે.  પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા પર્વતો અત્યારે ફાટુ ફાટુ થઈ રહ્યા છે , ઠેર ઠેર મકાનો અને હોટલોમાં તિરાડો પડી રહી છે અને લોકો રોકકકળ કરતા જોવા મળી રહ્યા છે. પહાડોને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા પર્યાવરણની આહૂતિ આપવી યોગ્ય છે ખરૂ??ત્યારે આવુ થવા પાછળનું મુખ્ય કારણ શું છે તે મનોમંથન કરવુ ખૂબ જ અગત્યનું બની ગયું છે.

એક પ્રવાસી જણાવે છે કે જ્યારે મે ઓક્ટોબરમાં દાર્જીલીંગની મુલાકાત કરી ત્યારે જાણે આખું શહેર હોટલોના ખડકલા અને પૈડાં ઉપર જ ચાલતું હોય તેવું લાગી રહ્યું હતું નયનરમ્ય પહાડોના દર્શનની બદલે એ ખૂબ જ ભયાનક દ્રશ્ય જણાય રહ્યું હતું.  પહાડોના સ્થાનિક લોકો મોટાભાગનો કમાણીનો હિસ્સો ટેક્સી અને હોટલના ધંધામાં જ રોકાણ કરતા હોય છે.જે પર્યટન ઉદ્યોગનું ઘેલુ ક્યાંક ને ક્યાંક કુદરતી બક્ષિસ તરીકે મળેલા પહાડો ઝરણાં અને નદીને મેલુ કરી રહ્યુ છે.

ફક્ત 25 હજારની વસ્તી ધરાવતુ જોશીમઠ કે જ્યાં 2019માં 5 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી ત્યારે નવા અમુક આંકડાઓ ખૂબ જ ઘાતક રીતે બહાર આવ્યા છે જે મુજબ વર્ષ 2022માં 5 કરોડ જેટલા પર્યટકો, 4 કરોડ કાનવવર યાત્રિકો અને 45 લાખ જેટલા ચારધામ યાત્રાળુઓએ ઉતરાખંડની મુલાકાત લીધી હતી. જે ફૂલ 10 કરોડની આસપાસ છે. તો શું આ ઉત્સાહ અને ઉમંગની વાત છે? લાકડાના પૂલ ઉપર ટેન્કર ચલવાતા જે હાલત પૂલની થાય આજે વર્તમાન સ્થિતિ એ જ પહાડી વિસ્તારમાં દેખાઈ રહી છે.

ફક્ત પહાડો જ નહી પરંતુ આપણા ઝરણાઓ અને નદી પણ એટલા જ ખતરામાં ઘેરાઈ રહ્યા છે. મળતી અધિકૃત માહિતી મુજબ કેદારનાથમાં દરરોજ 10 હજાર ઘન કચરો એકઠો થાય છે. સફાઈ અભિયાન ચલાવતા એક અવેક્ષક જણાવે છે કે અમે ગૌરીકુંડ નજીક સાત ફૂટ ઊંડા ખાડા ખોદીને બિસ્કીટના પેકેટ અને તમાકુના રેપર દાટિયે છીએ. જ્યારે પ્રવાસીઓ દ્વારા મોટાભાગનો કચરો સીધો જ ગંગા અને અલકનંદા જેવી નદીઓમાં ફેંકવામાં આવે છે. પવિત્ર ગણાતુ એ પાણી ઘણા ઘોડા અને ટટ્ટુના મૃત્યુનું કારણ બની જાય છે.

આપણે આપણા વિકસિત શહેરોની જેમ પહાડી વિસ્તારોને પણ આધુનીક કરવા માગીએ છીએ પણ એ કેટલું વ્યાજબી છે શિમલામાં હવાઈમાર્ગ ઊભો કરવો કે પહાડોમાં ઝડપી ટ્રેન વિકસાવવી? મળતી માહિતી મુજબ આપડે જોશીમઠના ઉદાહરણ પરથી શિખવાની જરૂર છે હાલના સમયમાં ઉતરાખંડનું વાતાવરણ ખૂબ જ દુઃખદાયી છે. ત્યારે કોઈપણ શહેરની  ક્ષમતા નક્કી કરવી એ અતિ અગત્યની છે. જોશીમઠમાં જ્યારે અત્યારે ઘરોમાં તીરાડો પડી રહી છે રહેવાસીઓના માથે પહાડો પડી રહ્યા છે અને પગના તળિયા નીચેથી પાણી ની ધાર વહી રહી છે ત્યારે હવે એ તો સ્વીકારવું જ રહ્યું કે પહાડો અત્યારે ઇમારતોના ખડકલા કરવા કે કચરાના ઢગલા સળગાવવા માટે નથી બન્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.