Abtak Media Google News

હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ-અરૌરીનું ગત રાત્રે એક ડ્રોન હુમલામાં મોત થયું છે. અરોરી બેરૂતના દક્ષિણ ઉપનગર દહિયાહમાં ઇઝરાયેલી હુમલાનો ભોગ બન્યા છે.

અહેવાલ અનુસાર, જ્યારે ઇઝરાયેલની સેનાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે આવા કોઈ અહેવાલોનો જવાબ આપતી નથી. લેબનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જણાવ્યું કે ડ્રોન વડે હમાસની ઓફિસ પર હુમલો થયો હતો.  બે સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલામાં હમાસના અધિકારીઓ અને લેબનોનના સુન્ની ઇસ્લામવાદી જમાઆ ઇસ્લામિયા જૂથ વચ્ચેની બેઠકને નિશાન બનાવવામાં આવી હતી અને કુલ ચાર પેલેસ્ટિનિયન અને ત્રણ લેબનીઝ માર્યા ગયા હતા.

હુમલામાં ચાર પેલેસ્ટિનિયન અને ત્રણ લેબનીઝના મોત: માર્યા ગયેલા ડેપ્યુટી ચીફ સાલેહ અલ-અરૌરી ઉપર 10 મિલિયન ડોલરનું ઇનામ પણ હતું

7 ઓક્ટોબરે ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરાયેલા જીવલેણ હુમલા પછી આ હુમલો પેલેસ્ટિનિયન પ્રદેશોની બહાર પેલેસ્ટિનિયન જૂથના અધિકારીની પ્રથમ લક્ષ્યાંકિત હત્યા છે. અહેવાલ અનુસાર, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના સલાહકાર માર્ક રેજેવે એમએસએનબીસીને જણાવ્યું હતું કે ઇઝરાયેલે હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ ’જેણે પણ કર્યું તે સ્પષ્ટ હોવું જોઈએ: આ લેબનીઝ રાજ્ય પર હુમલો ન હતો.’  તેમણે કહ્યું, ’જેણે પણ આવું કર્યું તેણે હમાસના નેતૃત્વ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.’

અરોરી હમાસના પોલિટબ્યુરોના નાયબ વડા હતા અને તેની લશ્કરી પાંખ, કાસિમ બ્રિગેડ્સના સ્થાપક હતા.  હમાસને આતંકવાદી જૂથ ગણાવતા યુએસએ ગયા વર્ષે અરોરી વિશે માહિતી આપવા માટે 5 મિલિયન ડોલરની ઓફર કરી હતી.

હમાસે અરોરીની હત્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે કાસિમ બ્રિગેડના અધિકારીઓ સમીર ફિન્ડી અબુ અમ્મર અને અઝઝમ અલ-અકરા અબુ અમ્મર પણ માર્યા ગયા હતા.  હમાસના વડા ઇસ્માઇલ હનીયેહે મંગળવારે કહ્યું હતું કે અરોરીની હત્યા એ “આતંકવાદી કૃત્ય” હતું, જે લેબનોનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન હતું અને પેલેસ્ટિનિયનો સામે ઇઝરાયેલની દુશ્મનાવટનું વિસ્તરણ હતું.

ઇસ્લામિક જેહાદે બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ અપરાધ સજા વિના રહેશે નહીં અને જ્યાં સુધી કબજો હટાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતિકાર ચાલુ રહેશે.”  ઈરાને કહ્યું કે આ હત્યા ઈઝરાયેલ સામેની લડાઈને વધુ તીવ્ર બનાવશે. ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના રામલ્લાહમાં, સેંકડો લોકો બદલો લેવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, ’બદલો, બદલો લો’ના નારા લગાવતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.