Abtak Media Google News

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ 5માં દિવસે પણ યથાવત રહ્યું છે.  ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ એરફોર્સ એરસ્ટ્રાઈક ચાલુ છે.  ઈઝરાયેલે કહ્યું છે કે તેણે તેના દક્ષિણી વિસ્તાર અને ગાઝા પટ્ટી સાથેની સરહદ પર અસરકારક નિયંત્રણ મેળવી લીધું છે. બીજી તરફ દેશો અને સંગઠનોએ પક્ષ લેવાનું શરૂ કરતાં હવે યુદ્ધ ભયાનક સ્વરૂપ લ્યે તેવી દહેશત ફેલાઈ છે.

અમેરિકાએ ઇઝરાયેલને ખુલ્લું સમર્થન આપ્યા બાદ યમન અને ઇરાકના જૂથોએ અમેરિકાને આપી ખુલ્લી ધમકી

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસના આતંકવાદીઓ ઑક્ટોબર 7ના રોજ ઈઝરાયેલમાં ઘૂસ્યા અને ઈઝરાયેલના નાગરિકો અને સૈનિકો પર ઘાતકી હુમલો કર્યો.  આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3000 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આ યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવીને ઇઝરાયેલને મદદ કરવાની શરૂ કરી દીધી છે.

બીજી તરફ ઈરાકી અને યમેનીના જૂથો કતૈબ હીઝબૂલ્લાહ અને હુથી નેતાઓએ અમેરિકાને ખુલ્લી ધમકીઓ આપી છે. તેઓએ અમેરિકાને જણાવ્યું છે કે જો તેઓ ઇઝરાયેલની મદદ કરવાનું રોકશે નહિ તો ઇરાક અને યમેનના જે અમેરિકન સૈનિકો છે તેને વીણી વિણીને મારી નાખશે. ઉપરાંત અમેરિકાના જેટલા બેઝ કેમ્પ છે તે તમામનો ખાત્મો બોલાવી દેશે. ઉલ્લેખનીય છે કે હજુ દેશોમાં ઇઝરાયેલનો પક્ષ લેવાનું જ શરૂ થયું છે. હમાસના સમર્થનમાં માત્ર સંગઠનો જ આવ્યા છે. ખૂલ્લીને કોઈ દેશે હમાસનું સમર્થન કર્યું નથી. પણ પડદા પાછળ રહીને ઘણા દેશોની હમાંસને મદદ મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારત તમારી પડખે : મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાન સાથે કરી વાતચીત

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી.  વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને કહ્યું છે કે નેતન્યાહૂએ વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી છે.  પીએમ મોદીએ કહ્યું કે ભારત દરેક સ્વરૂપે આતંકવાદની નિંદા કરે છે. ભારત આ સમયે ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઊભું છે. અગાઉ, ઇઝરાયેલના ભૂતપૂર્વ વડા પ્રધાન અને વર્તમાન વિરોધ પક્ષના નેતા યાયર લેપિડે તેમના દેશને સમર્થન દર્શાવવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતમાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે ભારતના વડાપ્રધાન અને ઇઝરાયલના વડાપ્રધાન વચ્ચેની વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે.  તે મિત્રતા અને સમર્થન દર્શાવે છે.  કોબી શોશાનીએ કહ્યું કે જ્યારે પીએમ મોદી જેવા નેતાઓ લોકશાહીના અન્ય નેતાઓ સાથે ઈઝરાયલને સમર્થન આપે છે, ત્યારે તે અમને મોટી તાકાત આપે છે.

અમેરિકાનું સાહસ, વિદેશમંત્રી કાલે યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલની મુલાકાતે

આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાયેલને પશ્ચિમી દેશોનું ખુલ્લું સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને અમેરિકાએ ઈઝરાયેલને શક્ય તમામ મદદ આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન અમેરિકાએ સાહસ દાખવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન કાલે ગુરુવારે ઈઝરાયેલ પહોંચી રહ્યા છે.  યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિંકન સમર્થન દેખાડવા દર્શાવવા ઇઝરાયલ જઈ રહ્યા છે. જ્યાં તેઓ ઇઝરાયલના નેતાઓ અને સૈન્ય સાથે બેઠક પણ કરવાના છે.

ઇઝરાયેલને જે મદદ જોઈએ તે પુરી પાડીશું : અમેરિકન રાષ્ટ્રપતિ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલ પર થયેલા હુમલા માટે આતંકવાદી સંગઠન હમાસની નિંદા કરી છે.  તેમણે કહ્યું કે આતંકવાદ સામે લડવું અને હમાસને જવાબ આપવો એ ઈઝરાયેલની ફરજ છે.  આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 અમેરિકન નાગરિકો સહિત હજારો લોકો માર્યા ગયા છે.  બિડેન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે મંગળવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર જમીન પરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.  બિડેને લગભગ 10 મિનિટ સુધી આ સ્થિતિ પર પોતાનું નિવેદન આપ્યું.  તેમણે કહ્યું કે અમેરિકા ‘ઈઝરાયલની સાથે ઊભું રહેશે’ અને તેને જે પણ મદદની જરૂર પડશે તે પૂરી પાડશે.

આધુનિક શસ્ત્રોથી ભરેલ અમેરિકાનું વિમાન અને જહાજ ઇઝરાયેલ પહોંચ્યા

આધુનિક શસ્ત્રોથી ભરેલ અમેરિકાનું વિમાન અને જહાજ ઇઝરાયેલ પહોંચ્યા છે. વિમાન ગઈકાલે સાંજે દક્ષિણ ઇઝરાયેલના નેવાટિમ એરબેઝ પર પહોંચ્યું હતું.  આ ઉપરાંત એક યુદ્ધ જહાજ પણ દરિયાકાંઠે પહોંચી ગયાના અહેવાલો છે. જેમાં આધુનિક મિસાઈલો સહિતના શસ્ત્રો છે. ઉપરાંત હજુ પણ અમેરિકા વધુ એક વિમાન મોકલવાની તૈયારીમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.